જેફર્સન ટૉમસ

January, 2012

જેફર્સન, ટૉમસ (જ. 13 એપ્રિલ 1743, ગુચલૅન્ડ, આલ્બેમેરી કાઉન્ટી, વર્જિનિયા; અ. 4 જુલાઈ 1826, મૉન્ટીસેલો, વર્જિનિયા, યુ.એસ.) : અમેરિકાના ત્રીજા પ્રમુખ (1801–1809), અમેરિકાના સ્વાતંત્ર્ય ઘોષણાપત્રના ઉદગાતા. વર્જિનિયા યુનિવર્સિટીના સ્થાપક, સ્થાપત્યમાં નિપુણ, કાયદાના નિષ્ણાત, અગ્રગણ્ય વિદ્વાન તથા

ટૉમસ જેફર્સન

વ્યક્તિસ્વાતંત્ર્યના પ્રખર હિમાયતી નેતા. તેમનો જન્મ અને ઉછેર વર્જિનિયા રાજ્યના એક ખેડૂત કુટુંબમાં થયો. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. તેમને સંગીત, નૃત્ય, ઘોડેસવારી, પ્રકૃતિ અને પુસ્તકો પ્રત્યે પ્રેમ હતો. અડધો ડઝન જેટલી ભાષાઓનું જ્ઞાન હતું; ગણિતશાસ્ત્ર, કાયદાશાસ્ત્ર, યંત્રશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, સ્થાપત્ય, ઇતિહાસ, રાજ્યશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કર્યું તથા તેની ઉપર લેખો લખ્યા.

તે ઉચ્ચકોટિના વિચારક અને ચિંતક હતા. લોકશાહી અને વ્યક્તિ-સ્વાતંત્ર્યના પ્રખર હિમાયતી હતા. તેમનું સમગ્ર જીવન વ્યક્તિ-સ્વાતંત્ર્યની સ્થાપના અને વિકાસ પાછળ ખર્ચાયું હતું. ‘બ્રિટિશ સત્તાથી સ્વતંત્ર થવા ઉપરાંત દેવળથી, જમીનદારીથી અને મિલકતની અસમાનતાથી સ્વતંત્રતા’ માટે તેઓ જીવનભર લડ્યા. તેમને શહેરો પ્રત્યે, સ્થાપિત ઔદ્યોગિક હિતો પ્રત્યે અને મોટી બકિંગ તથા વેપારી સંસ્થાઓ પ્રત્યે અણગમો હતો, કારણ કે તેમના મતે તે બધાં અસમાનતાને ઉત્તેજન આપતાં હતાં. તે સમયે અમેરિકામાં વ્યાપેલી ‘ગુલામી પ્રથા’નો તેમણે જબરો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે, ‘‘હું જ્યારે ઈશ્વર ન્યાયી છે, તેમ વિચારું છું, ત્યારે મારા દેશનું શું થશે તે ખ્યાલથી ધ્રૂજી ઊઠું છું.’’ અમેરિકન સંસ્થાનોના સ્વાતંત્ર્યવિગ્રહ પહેલાં તેઓ વર્જિનિયા રાજ્યની ધારાસભામાં ધારાસભ્ય તરીકે અને તે પછી ત્યાંના ગવર્નર તરીકે ચૂંટાયા. આ પદ ઉપરથી તેમણે વર્જિનિયામાં ધાર્મિક સ્વાતંત્ર્યનો કાયદો પસાર કરાવ્યો તથા વર્જિનિયા યુનિવર્સિટીનો પાયો નાખ્યો.

તેમના લોકશાહી અને વ્યક્તિસ્વાતંત્ર્ય માટેના પ્રેમને કારણે જ ફિલાડેલ્ફિયામાં બધાં સંસ્થાનોના પ્રતિનિધિઓની મળેલી દ્વિતીય સભાએ તેમને અમેરિકન સ્વાતંત્ર્યસંગ્રામના પાયા સમાન ‘સ્વાતંત્ર્યના ઘોષણાપત્ર’ના ઘડતરનું અતિ મહત્વનું કાર્ય સોંપ્યું.

અમેરિકન સંસ્થાનોને સ્વાતંત્ર્ય મળ્યા પછી જેફર્સનને અમેરિકાના રાજદૂત તરીકે ફ્રાન્સ મોકલવામાં આવ્યા. 1789માં ‘સંયુક્ત રાજ્ય અમેરિકા’(U.S.A.)ની સ્થાપના પછી પ્રથમ રાષ્ટ્રપતિ જ્યૉર્જ વૉશિંગ્ટને જેફર્સનની રાજ્યો અંગેના ખાતાના વડા તરીકે નિમણૂક કરી. જ્યૉર્જ વૉશિંગ્ટન સાથે રાજ્યનીતિની કેટલીક પાયાની બાબતોમાં તેમને મતભેદ હતો, તેમ છતાં વૉશિંગ્ટન અગત્યની બાબતોમાં તેમની સલાહ લેવાનું ચૂકતા નહિ. જેફર્સન સંઘ સરકારને ઓછી અને ઘટક-રાજ્યોને વધારે સત્તા તથા અધિકારો આપવામાં માનતા હતા. કારણ, સંઘ સરકાર શક્તિશાળી બને તો વ્યક્તિસ્વાતંત્ર્ય જોખમમાં આવી પડે તેમ તેમનું માનવું હતું. તે ફ્રાન્સની ક્રાંતિના ભારે પ્રશંસક હતા અને ક્રાંતિ પછી આવેલાં યુરોપીય યુદ્ધોમાં અમેરિકાએ ફ્રાન્સના ક્રાંતિકારીઓને મદદ કરવી જોઈએ તેવો તેમનો ર્દઢ અભિપ્રાય હતો. જોકે પ્રમુખ વૉશિંગ્ટને આ યુદ્ધો સમયે અમેરિકાને તટસ્થ રાષ્ટ્ર જાહેર કર્યું હતું. દ્વિતીય પ્રમુખ જ્હૉન ઍડમ્સના સમયમાં સંઘ-સરકારે નાગરિકોના વ્યક્તિસ્વાતંત્ર્યને રૂંધતા તથા અમેરિકામાં વસવાટ કરતા વિદેશીઓને હાનિ કરે તેવા 4 કાયદાઓ (The Alien and Sedition Acts) પસાર કર્યા, ત્યારે વ્યક્તિસ્વાતંત્ર્યના હિમાયતી જેફર્સને તેનો સખત વિરોધ કર્યો. તેમણે પોતે રાષ્ટ્રપતિ બન્યા પછી આ કાયદાઓ રદ કરાવ્યા. તેમના ઉગ્ર લોકશાહીવાદી વિચારોને કારણે તે અને તેમના અનુયાયીઓ ‘ડેમૉક્રૅટિક રિપબ્લિકન’ કહેવાતા અને પાછળથી તેમનો પક્ષ પણ એ જ નામે જાણીતો થયો.

1796માં તેમના ‘ડેમૉક્રૅટિક રિપબ્લિકન’ પક્ષે તેમને પ્રમુખપદની ચૂંટણીમાં ઊભા રાખ્યા; પરંતુ પ્રમુખની ચૂંટણી માટે રચાયેલા ‘મતદારમંડળ’માં હરીફ ઉમેદવાર (ફેડરાલિસ્ટ પક્ષના) જ્હૉન ઍડમ્સ કરતાં 3 મત ઓછા (71 વિ. 68) મળતાં, જ્હૉન ઍડમ્સ પ્રમુખ,

અને જેફર્સન (બીજા ક્રમે હોઈને) બંધારણની જોગવાઈ પ્રમાણે ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર થયા; પરંતુ તે પછીની 1800ની ચૂંટણીમાં તે 3 મતે વિજયી બન્યા. 1801માં તેમણે ‘સંયુક્ત રાજ્ય અમેરિકા’ના પ્રમુખ તરીકેનો હોદ્દો ધારણ કર્યો. તે પછી 1804ની પ્રમુખપદની ચૂંટણી વખતે તો તે એટલા બધા લોકપ્રિય બની ગયા હતા કે મતદારમંડળમાં તેમને જંગી બહુમતી (176 વિ. 14) મળી. આમ 1801થી 1809 સુધી તેઓ અમેરિકાના પ્રમુખપદે રહ્યા.

તેમણે પોતાના આ 8 વર્ષના પ્રમુખપદ દરમિયાન અમેરિકન લોકશાહીના વિકાસમાં ઘણો મહત્વનો ફાળો આપ્યો. તેમને મન એક સામાન્ય નાગરિક તથા ઉચ્ચ અમલદાર વચ્ચે કોઈ ભેદ ન હતો. તેમણે અમેરિકન નાગરિકત્વનો કાયદો હળવો બનાવ્યો તથા વિદેશોમાંથી અમેરિકામાં આવવા ઇચ્છતા લોકોને આવકાર્યા; તેમણે રાજ્યના ખર્ચમાં કાપકૂપ કરી, રાષ્ટ્રીય દેવામાં ઘટાડો કર્યો; ખેતીને, અને પશ્ચિમ તરફના નિવાસના વિસ્તરણને ઉત્તેજન આપ્યું. 1803માં તેમણે ફ્રાન્સના સર્વસત્તાધીશ નેપોલિયન બોનાપાર્ટ સાથે સંધિ કરીને અમેરિકામાં મિસિસિપી નદીની પશ્ચિમે આવેલા ફ્રાન્સના તાબા નીચેના લુઇઝિયાનાનો લગભગ 23.30 લાખ ચોકિમી. જેટલો વિશાળ પ્રદેશ દોઢ કરોડ ડૉલરમાં ખરીદી લીધો. તેનાથી ‘સંયુક્ત-રાજ્ય અમેરિકા’નો વિસ્તાર બમણો થઈ ગયો હાલના અમેરિકાનાં 13 રાજ્યો આ વિસ્તારમાં આવેલાં છે. વળી, આ પ્રદેશ ઘણો ફળદ્રૂપ હતો તેથી ખેતીની ર્દષ્ટિએ, તથા આ પ્રદેશનું ન્યૂ ઑર્લિયન્સ જેવું બંદર મળવાથી વેપારની ર્દષ્ટિએ પણ, અમેરિકાને ઘણો ફાયદો થયો. તેના પ્રમુખપદ-સમય દરમિયાન યુરોપ ‘નૅપોલિયનિક યુદ્ધો’માં અટવાયું હતું; પરંતુ જેફર્સને ઇંગ્લૅન્ડ ‘તટસ્થ રાષ્ટ્રોના અધિકારો’નો ભંગ કરતું હતું છતાં અમેરિકાને આ યુદ્ધમાં સંડોવામાંથી બચાવ્યું હતું, કારણ, તેઓ માનતા હતા કે યુદ્ધ-સમયમાં સરકારની સત્તા વધે છે; કરવેરા વધે છે અને પરિણામે નાગરિકોની સ્વતંત્રતા ઉપર કાપ મુકાય છે. તેમના આવા લોકશાહીવાદી વિચારો અને પગલાંઓની અસર અમેરિકાનાં ઘટક-રાજ્યો ઉપર પણ થઈ અને તેનાથી પ્રેરાઈને ઘણાં રાજ્યોએ પોતાને ત્યાં લોકશાહીવાદી સુધારા કર્યા. આ રીતે ટૉમસ જેફર્સનના પ્રમુખપદનાં આઠ વરસ અમેરિકાના ઇતિહાસમાં ‘જેફર્સની લોકશાહી’નાં વરસો બની રહ્યાં હતાં.

જેફર્સન એક અત્યંત કુશળ સ્થપતિ પણ હતા. સ્થપતિ તરીકે તેમની પ્રતિષ્ઠા ઘણી ઊંચી હતી. ઇટાલિયન સ્થાપત્યના ઊંડા અભ્યાસી તરીકે તેમણે પલ્લાડિયોના વિલાના સ્થાપત્યમાં ઊંડો રસ લીધો હતો. તે સમયના સ્થાપત્યના અભ્યાસ દ્વારા સ્થાપત્યના સિદ્ધાંતો પ્રત્યે તેમણે આગવી સૂઝ કેળવી હતી. 1785માં તેઓ યુરોપમાં હતા ત્યારે તેમને વર્જિનિયા રાજ્યની રાજધાની રિચમંડના નકશાઓ તૈયાર કરવાની જવાબદારી સોંપાયેલી. આ મુખ્ય નગરરચના 1796માં સમાપ્ત થઈ ત્યારથી અમેરિકાના સંસ્થાકીય સ્થાપત્યની શૈલી માટે તે પ્રેરણાસ્રોત બની ગઈ. 1790થી જ્યૉર્જ વૉશિંગ્ટનના રાજ્યપ્રધાન તરીકે તેમણે અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનના આયોજનમાં સક્રિય ફાળો આપ્યો. તેમનો સૌથી મહત્વનો ફાળો વર્જિનિયા વિશ્વવિદ્યાલયના બાંધકામમાં શાર્લોટ્સવિલેમાં રહ્યો હતો જ્યાં પ્રોફેસરોના નિવાસ સાથે વિદ્યાર્થીઓ અને વર્ગોને લગતી સુવિધાઓનો સમન્વય કરીને મકાનો બાંધ્યાં હતાં એ રીતે શિક્ષણકાર્યમાં ભારતીય ગુરુકુળને અનુરૂપ સંસ્થાની પ્રણાલી શરૂ કરી હતી.

દેવેન્દ્ર ભટ્ટ

રવીન્દ્ર વસાવડા