જેતે પારિ કિન્તુ કેનો જાબો : બંગાળી કવિ શક્તિ ચટ્ટોપાધ્યાયનો કાવ્યસંગ્રહ (1982). તેને સાહિત્ય અકાદેમીનો 1983નો ઍવૉર્ડ મળ્યો હતો. શક્તિ ચટ્ટોપાધ્યાયે (1933–1995) લેખનનો આરંભ વાર્તાઓથી કરેલો, પણ પછી કવિતા-સર્જનનો પડકાર ઝીલ્યો. રવીન્દ્રનાથ પછી બંગાળી કવિતાની અનેક દિશાઓ ઊઘડી, જેમાં સર્વોચ્ચ શિખર એટલે કવિ જીવનાનંદ દાસ. તે પછી વિદ્રોહ અને ક્રાન્તિકારી આંદોલનોમાંથી પસાર થઈ આજે બંગાળી કવિતા શાંત નીતર્યાં જળ જેવી બની છે, એનું ઉત્તમ ઉદાહરણ તે શક્તિ ચટ્ટોપાધ્યાય. તેમની સાથે સુભાષ મુખોપાધ્યાય, સુનીલ ગંગોપાધ્યાય અને શંખ ઘોષને યાદ કરવા પડે. ચટ્ટોપાધ્યાય તેમના વિપુલ સર્જનથી જાણીતા છે. પ્રેસિડેન્સી કૉલેજ અને જાદવપુર વિશ્વવિદ્યાલયમાં અધ્યાપન કરેલું. ‘આનંદબજાર પત્રિકા’માં ઉપસંપાદક હતા. તેમણે 50થી વધારે કૃતિઓનું સર્જન કર્યું. અન્ય કાવ્યસંગ્રહોમાં ‘હેમન્તેર અરણ્યે આમિ પોસ્ટમૅન’, ‘પ્રભુ નષ્ટ હયે જાઈ’, ‘પ્રચ્છન્ન સ્વદેશ’ વગેરે છે. એમની કવિતામાં બંગાળી સમાજ અને એ ધરતીની ગંધ છે; અને ધરતી સાથેનો ભાવુક લગાવ પણ છે. નાના ગામડામાં જન્મેલા આ કવિની શહેરી કવિતામાં પણ ગામડાંનાં ર્દશ્યો, વનસ્પતિ-પક્ષી-માછલીઓની સૃષ્ટિ, ઊભી ફસલના સંદર્ભો વારે વારે આવે છે. કવિની નાગરી આધુનિક કવિતામાંય આ ર્દશ્યો એવાં વણાઈ ગયેલાં છે કે તે વાંચતાં પરંપરાથી વિચ્છિન્ન થયાનો અનુભવ થતો નથી.
કવિની આરંભની કવિતામાં રાજનૈતિક વિદ્રોહ, યુવાપેઢીની હતાશા અને માનસિક તણાવ જોવા મળે છે, પણ પછી એનું સ્થાન પ્રેમ અને એકલવાયાપણાએ લીધું છે. એ બધાંમાંથીય બહાર નીકળી એને સ્થાને એમની કવિતામાં વ્યંગ-વિડંબના પ્રવેશે છે. ‘જેતે પારિ કિન્તુ કેનો જાબો’માં મૃત્યુનો ઊંડો બોધ જોવા મળે છે. કેટલીક કાવ્યરચનાઓમાં ઇસ્પિતાલની દુનિયાનું એક ભયાવહ યાતનાભર્યું ચિત્ર પણ મળે છે. શીર્ષક કાવ્યમાં તીવ્રપણે આ બોધ પ્રકટ થયો છે. પણ વાચકોને બળ અને સમાધાન તો મળે છે એ જ કવિતામાં, જ્યારે કવિ જાણે મૃત્યુનેય ટીકો બતાવી કહે છે : ‘‘જઈ શકું છું, જ્યાં ઇચ્છું ત્યાં જઈ શકું છું, પણ જઉં શા માટે ? જતાં પહેલાં મારા શિશુના ગાલ પર ચુંબન ચોડતો જઈશ. હમણાં નહિ જાઉં; એકલો નહિ જાઉં; તમને સૌને સાથે લેતો જઈશ.’’ કવિનાં આ કાવ્યોની વિશિષ્ટતા એ છે કે મૃત્યુના ભયની વચ્ચે પણ તે અજબ પ્રકારની પ્રફુલ્લતા અને હળવાશ નિરંતર પ્રકટાવતા રહે છે. આ વ્યંગ-વિનોદ કવિની કવિતામાં મૃત્યુની શંકા પર જીવનતત્વનો વિજય હોવાનો સંકેત છે અને તેમાં એક અદભુત મર્મસ્પર્શિતા છે. આ સંગ્રહની છેલ્લી કવિતા ‘એપિટાફ’ સંગ્રહનાં ઘણાં બધાં કાવ્યોમાં પ્રતિબિંબિત થતી મૃત્યુ-ચેતનાની ચરમ સીમા છે. પંક્તિઓ વાંચતાં વાચક કરુણભાવથી આર્દ્ર બની જાય છે. તેમ છતાં આ ચેતના જ આખરી વાત નથી – કવિ કહે છે : ‘જેતે પારિ, કિન્તુ કેનો જાબો…’
અનિલા દલાલ