જેતલસર : પશ્ચિમ રેલવેનું રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલું મહત્વનું રેલવેસ્ટેશન અને જંક્શન. 21° 5´ ઉ. અ. અને 70° 5´ પૂ. રે. ઉપર આવેલું છે. રાજકોટ–પોરબંદર, રાજકોટ–જૂનાગઢ અને રાજકોટ–ભાવનગર રેલવેલાઇનનું જંક્શન છે. જેતલસરમાં રાજકોટ, અમરેલી અને જૂનાગઢ જિલ્લાના કાઠીઓને કાબૂમાં રાખવા માટે જૂનાગઢ રાજ્યે નવો કિલ્લો બંધાવ્યો હતો. તેથી આ ગામનું બીજું નામ નવાગઢ છે. આ ગામ આસપાસ મગફળી અને કપાસ પકવતા પ્રદેશ છે. પાકો વેચાણ માટે જેતપુરમાં મોકલાય છે. જુવાર અને બાજરી અન્ય પાકો છે. અહીં તેલની એક નાની મિલ છે. વસ્તી ઓછી હોવાથી સ્થાનિક વહીવટ ગ્રામપંચાયત સંભાળે છે. સ્વતંત્રતા પછી જૂનાગઢ રાજ્યે પાકિસ્તાનમાં જોડાવાનો નિર્ણય કર્યો ત્યારે ગુણવંતરાય પુરોહિતની આગેવાની નીચેના સૈનિકોએ આક્રમણ કરી તે જીતી લીધું હતું. ગામ અને રેલવે સ્ટેશન વચ્ચે 2 કિમી.નું અંતર છે. ગામમાં એક હાઈસ્કૂલ, પ્રાથમિક કુમારશાળા, પ્રાથમિક કન્યાશાળા અને બાલમંદિર છે, જ્યારે સ્ટેશન ઉપર એક માધ્યમિક શાળા છે.

નગરની વસ્તી 11,309 છે. જેતાજીએ આ ગામ વસાવ્યું તેથી તેનું નામ જેતલસર છે એવું મનાય છે.

શિવપ્રસાદ રાજગોર