જેતલપુર : અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાનું ગામ. ભૌગોલિક સ્થાન : આશરે 22° 54’ ઉ. અ. અને 72° 30’ પૂ. રે.. તે અમદાવાદથી દક્ષિણ તરફ 16 કિમી.ને અંતરે તથા બારેજડીથી 9 કિમી.ને અંતરે અમદાવાદ-મુંબઈને જોડતા 8 નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલું છે. તેની પૂર્વ તરફ જેટલે અંતરે ખારી નદી વહે છે, એનાથી બમણા અંતરે પશ્ચિમ તરફ સાબરમતી નદી વહે છે, આ કારણે તેનું ભૂપૃષ્ઠ નદીકાંપના સમતળ મેદાની પ્રદેશનું બનેલું છે.
જેતલપુરની સીમની ક્યારીની જમીનોમાં મુખ્યત્વે ડાંગરનો પાક લેવાય છે. કૃષિપાકોને ખારીકટ કૅનાલનો લાભ મળે છે. અહીં નળકૂપ (ટ્યૂબવેલ) પણ તૈયાર કરવામાં આવેલા છે. ખેડૂતોને અદ્યતન કૃષિસાધનો માટે સહાય આપવામાં આવે છે. અહીં ડાંગર છડવાની આશરે 30થી વધુ મિલો આવેલી છે તથા ડેરીનો ગૃહઉદ્યોગ ચાલે છે. અમદાવાદના કેટલાક ઉદ્યોગોનો બોજો ઘટાડવા અહીં કેટલાંક ગોદામો ઊભાં કરાયાં છે. ખેડૂતો તેમજ ગ્રામજનોની સુવિધા જળવાય તે માટે રાષ્ટ્રીયકૃત અને સહકારી બૅંકો સ્થાપવામાં આવેલી છે.
ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા, કન્યાવિદ્યાલય, છાત્રાલય અને શ્રી એમ. પી. પંડ્યા વિવિધલક્ષી હાઈસ્કૂલની સગવડ છે. અહીં એક જૂનો જર્જરિત કિલ્લો, રાણીનો મહેલ તથા ગામની ભાગોળે એક તળાવ આવેલાં છે. આ ઉપરાંત અહીં રામજી મંદિર, શિવમંદિર, જૈન મંદિર, ચર્ચ તથા જેને કારણે જેતલપુરનું નામ જાણીતું બનેલું છે તે સ્વામિનારાયણ મંદિર આવેલાં છે. આ સ્વામિનારાયણ મંદિર વિલક્ષણ શોભાવાળું અને વિશિષ્ટ બાંધણીવાળું છે. આ મંદિરનાં ત્રણ શિખરો અને ઘુમ્મટો બે મજલાનાં બાંધવામાં આવ્યાં છે. અષ્ટકોણાકાર મંડપ ઉપર મંદિરના મુખ્ય ઘુમ્મટ ઉપરાંત ચાર સ્તંભો વચ્ચે રચાતા દરેક ચોરસ પર લઘુ ઘુમ્મટોની રચના પણ કરવામાં આવી છે. મંદિરની પ્રવેશ-ચોકીઓના સ્તંભો તથા બહારની અને અંદરની સ્તંભાવલિને ઈંટ-ચૂનાની સાદી અર્ધ-વૃત્ત ખંડોની બનેલી મુઘલ કમાનોથી અલંકૃત કરવામાં આવી છે. આમ આ મંદિરની શોભા અનેરી છે. દર વર્ષે ભાદરવા સુદ અગિયારસે આ ગામમાં દેવ-સરોવરના કિનારે જળઝીલણા મેળો ભરાય છે, આજુબાજુથી હજારો લોકો આ મેળો માણવા અહીં ઊમટી પડે છે.
ઇતિહાસ : આ ગામની સ્થાપના ઈ. સ. 1339ના અરસામાં થયેલી છે. ગુજરાતના સૂબા શાહજહાંએ તેના પિતા જહાંગીર વિરુદ્ધ બળવો કર્યો, ત્યારે દીવાન સાફીખાન જહાંગીરને વફાદાર રહ્યો; તેથી શાહજહાંના સૈન્ય અને સાફીખાનના સૈન્ય વચ્ચે 14 જૂન, 1623ના રોજ જેતલપુર પાસે લડાઈ થઈ. તેમાં સાફીખાન જીત્યો. જહાંગીરે સાફીખાનને ‘સૈફખાં’નો ખિતાબ આપી, ગુજરાતનો સૂબો નીમ્યો. તેણે જેતલપુરનો ગઢ, સૈફબાગ, મહેલ વગેરે બાંધકામો કરાવ્યાં. કિલ્લાનાં ખંડેરો હાલ મોજૂદ છે. ગાયકવાડે અમદાવાદ જીતીને પોતાની હકૂમત સ્થાપ્યા બાદ, હવેલી પરગણાનું મુખ્ય મથક જેતલપુર થયું અને જેતલપુરના ગઢમાં તાલુકાની ગાયકવાડી કચેરી સ્થપાઈ. મરાઠી કચેરીનું થાણું જેતલપુરમાં ઈ. સ. 1809 સુધી રહ્યું.
જેતલપુર મુકામે ઈ. સ. 1809માં સહજાનંદ સ્વામીએ પ્રથમ એક અહિંસક યજ્ઞ કર્યો. તેની છત્રી અને યજ્ઞપીઠિકા મહેલની બાજુમાં મોજૂદ છે. સહજાનંદ સ્વામીની આજ્ઞાથી આનંદાનંદ સ્વામીએ જેતલપુરનું મંદિર બંધાવ્યું. આ મંદિરમાં અનેક ઉત્સવો, મહાયજ્ઞો અને પાટોત્સવો અવારનવાર ઊજવાય છે.
ગુજરાતના જાણીતા કવિ અખા ભગત જેતલપુરના વતની હતા અને પછીથી અમદાવાદ આવીને વસ્યા હતા. વસ્તી 7,298 (2022) છે.
નીતિન કોઠારી
જયકુમાર ર. શુક્લ