જેઠવો, ભાણ (શાસનકાળ 1360) : પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઘૂમલીનો જેઠવા વંશનો રાજવી. ઘૂમલીના જેઠવા રાજવંશના 1120–1150માં હયાત રાણા સંઘજીની પહેલાં જેનો સમય જાણવામાં નથી તેવા બે, 140મો ભાણજી 1લો તથા 145મો ભાણજી 2જો અને 151મો ભાણજી 3જો (1172–1179 રાજ્યકાલ) જાણવામાં આવ્યા છે. ઇતિહાસમાં ‘ભાણ જેઠવા’ તરીકે જાણીતો 159મો રાજવી ભાણજી 4થો 1290માં સત્તા ઉપર આવ્યો હતો. ગુજરાતમાં અલપખાને અણહિલપુર પાટણમાંથી 1304માં કર્ણ વાઘેલાને હાંકી કાઢી પાટણમાં મુસ્લિમ શાસન સ્થાપ્યું ત્યારે ભાણ જેઠવો હયાત હતો.

1313 આસપાસ સિંધમાંથી ચડી આવેલા જામ ઉન્નડનો ભાણ જેઠવાને હાથે પરાજય થયો એ પછી ત્રણ વર્ષે એનો પુત્ર બામણિયોજી ચડી આવ્યો ને ભાણ જેઠવાને હરાવી ઘૂમલીને ઉજ્જડ કરી. 1318ના રાવલ ગામના કોટની દીવાલના લેખમાં ઘૂમલીમાં કોઈ રાણ જઈતપાલની સત્તા જોવા મળે છે, જે કોઈ ભાયાત લાગે છે. ભાંગેલી ઘૂમલીને એ સાચવતો હશે. ગમે તે હો, 1313થી 1360 સુધી શૂન્યાવકાશ જણાય છે. ભાણનું અવસાન 1360માં થતાં રાણો જસધવલ સત્તા પર આવ્યો.

રાણાવાવથી મળેલા 1384ના પાળિયામાં (રાણ) શ્રીસંઘસુત રાણશ્રી ભાણ સૂચિત થયેલ છે, જેને તુર્કો નમાવી શક્યા નહોતા. બરડા ડુંગરની ઉત્તરે ભાણવડ વસ્યું તે આ ભાણે વસાવેલું કહેવાય છે.

કે. કા. શાસ્ત્રી