જેજાકભુક્તિ : બુંદેલખંડના ચંદેલ્લ રાજવીઓનો શાસનપ્રદેશ. ચંદેલ્લો ચંદ્રાત્રેયો તરીકે પણ ઓળખાતા. તેઓ બુંદેલખંડ પ્રદેશ પર રાજ્ય કરતા. નવમી સદીનાં શરૂઆતનાં વર્ષોમાં નન્નુકે આ રાજવંશ સ્થાપ્યો. એનું પાટનગર ખર્જૂરવાહક મધ્યપ્રદેશમાંના એ સમયના છતરપુર રાજ્યમાંનું હાલનું ખજૂરાહો હતું. નન્નુક પછી એનો પુત્ર વાક્પતિ અને વાક્પતિ પછી એનો પુત્ર જયશક્તિ (જેજા કે જેજ્જા) રાજા થયો હતો. આ જેજ્જાના નામ પરથી તેના શાસનપ્રદેશને ‘જેજાકભુક્તિ’ એવું નામ મળ્યું. તે પછી ક્રમશ: એનો નાનો ભાઈ વિજયશક્તિ (વિજય, વિજ્જ કે વીજો), એનો પુત્ર રાહિલ, એનો પુત્ર હર્ષ (900થી 925) સત્તા ઉપર આવ્યો. એના પુરોગામીઓની જેમ હર્ષ પ્રતિહારોનો સામંત હતો. એનો પુત્ર યશોવર્મા (લક્ષવર્મા) દસમી સદીના ત્રીજા ચરણમાં રાજ્ય કરતો હતો. તેણે કાલિંજર જીત્યું ને પોતાનું રાજ્ય ઉત્તરમાં યમુના સુધી વિસ્તાર્યું. એણે પરમારો તથા કલચુરિઓ સાથે સફળતાપૂર્વક યુદ્ધ કર્યું ને પોતાના રાજ્યની દક્ષિણ સીમા માલવ અને ચેદિની સરહદો સુધી આગળ વધારી. એ ગુર્જરો સાથે સંઘર્ષમાં આવ્યો ને એણે ત્યારે પાલશાસન નીચે રહેલ ગૌડ અને મિથિલા પર સફળ આક્રમણ કર્યું.

એના પછી એના પ્રતાપી પુત્ર ધંગ(944–1002)ના રાજ્યકાલમાં ખજૂરાહોનાં કેટલાંક મહત્વનાં મંદિર અસ્તિત્વમાં આવ્યાં. તેણે કનોજના ગુર્જર પ્રતિહારની સત્તા હસ્તગત કરી, આમ છતાં એ કનોજની સત્તાથી સ્વતંત્ર નહોતો બન્યો. એનું રાજ્ય આ સમયે કાલિંજર, ભિલસામાંની બેટવા નદી, જબલપુર જિલ્લાની સીમા, યમુના અને ગ્વાલિયર પર્યંત વિસ્તરેલું હતું. 977થી થોડા સમય પહેલાં, કચ્છપઘાત વજ્રદામને એમની પાસેથી ગ્વાલિયર પડાવી લીધું. દસમી સદીના ઉત્તર ભાગમાં એણે સ્વતંત્રતા જાહેર કરી ને પ્રતિહારો પાસેથી તેઓના રાજ્યનો પૂર્વ ભાગ (વારાણસી સાથે) પડાવી લીધો. એણે અંગ, રાઢ, કોસલ, આંધ્ર, કાંચી અને કુન્તલ પર પણ આક્રમણ કર્યું. એણે ગઝનીના અમીર સબુક્તિગીન સામે લડવા માટે જેણે ભારતીય રાજાઓનો સંઘ રચ્યો હતો તે, પંજાબના સાહી જયપાલને મદદ કરવા સૈન્ય મોકલ્યું ને એ સાહીઓ વગેરે સાથે પરાજય પામ્યો. એ 1002 પછી થોડા સમયમાં એક સો વર્ષની વયે પ્રયાગમાં મૃત્યુ પામ્યો. ધંગના અવસાને એનો પુત્ર ગંડ, પછી એનો પુત્ર વિદ્યાધર (1019) ગાદીએ આવ્યો. એના રાજ્યકાલ દરમિયાન ગઝનીના મુહમ્મદે કાલિંજર પર ચડાઈ કરી : એક વાર 1019માં અને ફરી 1022માં. એ દુર્ગ લઈ શક્યો નહિ ને એના રાજા સાથે મૈત્રીભર્યા સંબંધો સ્થાપવા પડ્યા.

વિદ્યાધર પછી એનો પુત્ર વિજયપાલ (1022), એનો પુત્ર દેવવર્મા (1051) અને પછી દેવવર્માનો નાનો ભાઈ કીર્તિવર્મા (1098) વારાફરતી સત્તા ઉપર આવેલા. કીર્તિવર્મા પછી એનો પુત્ર સલક્ષણ વર્મા, એનો પુત્ર જયવર્મા (1117), કીર્તિવર્માનો નાનો પુત્ર પૃથ્વીવર્મા, એનો પુત્ર મદનવર્મા (1129થી 1163 હયાત) જેજાકભુક્તિના શાસક બન્યા. મદનવર્માની સત્તા નીચે કાલિંજર, ખજૂરાહો, અલીગઢ અને મહોબાના કિલા, બંદા અને ઝાંસીના જિલ્લા આવ્યા. એનાં સૈન્ય માળવાની સરહદ સુધી જઈ પહોંચ્યાં. માલવેશને નબળો પાડ્યો ત્યારે ચૌલુક્ય (સોલંકી) રાજવી જયસિંહ સિદ્ધરાજે માળવા ઉપર આગળ વધી ઉજ્જૈન કબજે કર્યું ને ધારા થઈને છેક કાલંજર સુધી ધસી ગયો. જયસિંહ સિદ્ધરાજ અને મદનવર્મા વચ્ચે સમાધાન થયું.

મદનવર્મા પછી એનો પૌત્ર પરમર્દી (1167થી 1202) સત્તા ઉપર આવ્યો. પરમર્દીની પુત્રી નાઇકાદેવી મૂલરાજ બીજા(બાળ-મૂલરાજ)ની માતા અને અજયપાલની રાણી હતી. 1202માં કુત્બુદ્દીને કાલંજરને ઘેરો ઘાલ્યો. રાજા પરમર્દીએ થોડો સામનો કર્યા પછી સંધિ માટે વિનંતી કરી. રાજાના અમાત્ય અજયદેવે રાજાની વાત અમાન્ય કરીને એને મારી નાખ્યો; પરંતુ કુત્બુદ્દીને કાલિંજરનો કબજો લીધો ને મહોબા જીતી લીધું. તે પછી ત્રિલોકવર્મા (1205થી 1247), વીરવર્મા (1261થી 1281), ભોજવર્મા (1288) અને એનો નાનો ભાઈ હમીરવર્મા (1308) ક્રમશ: સત્તા ઉપર આવ્યા. તેના સમયમાં અલાઉદ્દીન ખલજીએ ચંદેલ્લ રાજ્યનો કેટલોક પ્રદેશ જીતી લીધો (1300). તે પછી થોડા સમયમાં આ રાજ્યનો લોપ થયો.

યતીન્દ્ર દીક્ષિત