જૅક્સન, ઍન્ડ્રુ (જ. 15 મે 1767, કેરોલિના; અ. 8 જૂન 1845, હમાટેજ) : અમેરિકાના 7મા પ્રમુખ (1829-33-37). તે સમાનતાના પ્રખર હિમાયતી, લોકશાહીના ચાહક અને દેશની સરહદો વિસ્તારવાની નીતિના પુરસ્કર્તા હતા.
તેમણે બચપણમાં માતાપિતાની છત્રછાયા ગુમાવી હતી, જેને પરિણામે તેમનો ઉછેર તેમના કાકાને ત્યાં ગરીબાઈમાં થયો હતો. યુવાન વયે તે ટેનેસીમાં સ્થિર થયા અને પોતે ઘરે રહીને કાયદાનું જે થોડુંઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેની મદદથી ત્યાં વકીલાત શરૂ કરી. પાછળથી તે સરહદી પ્રદેશોમાં ન્યાયાધીશ બન્યા. જ્યારે ટેનેસીને ‘રાજ્ય’નો દરજ્જો મળ્યો ત્યારે તે ટેનેસી રાજ્યની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બન્યા. તે પછી તે ટેનેસીમાંથી પહેલાં સંઘ-સંસદના નીચલા ગૃહમાં, અને પછી સેનેટમાં ચૂંટાયા. તેમણે ઇંગ્લૅન્ડ સામેની લડાઈ(1812-15)માં ભાગ લીધો હતો તથા ન્યૂ ઑર્લિયન્સની લડાઈમાં બ્રિટિશરોને હરાવ્યા હતા. તે જ રીતે 1818માં સ્પેનના તાબા નીચેના ફ્લૉરિડા ઉપર આક્રમણ કરીને તેમણે કેટલાક કિલ્લા જીતી લીધા હતા. તેમનાં આ પરાક્રમોએ તેમને રાષ્ટ્રવ્યાપી પ્રસિદ્ધિ અપાવી હતી.
ઍન્ડ્રુ જૅક્સનને ગરીબો અને આમજનતા પ્રત્યે સહાનુભૂતિ હતી. તેમને ‘જનતા’ની શક્તિઓમાં ર્દઢ વિશ્વાસ હતો. તેમના લોકશાહીવાદી વિચારોમાં દરેકને માટે રાજકીય સમાનતા; દરેકને આર્થિક વિકાસની સમાન તક; ઇજારાશાહી, વિશેષ અધિકારો અને મૂડીવાદનો વિરોધ વગેરેનો સમાવેશ થતો હતો. તેમના આ પ્રકારના લોકશાહીવાદી વિચારો તે સમયે ઘણા ઉગ્ર ગણાયા અને તે ‘નવી જૅક્સોનિયન લોકશાહી’ તરીકે પ્રખ્યાત થયા હતા; પરંતુ આને કારણે તે આમજનતામાં ઘણા લોકપ્રિય બન્યા. તે ‘આમજનતાના માણસ’ ગણાતા અને એ જનતાની મદદથી જ તે 1828 તથા 1832ની પ્રમુખપદની ચૂંટણીઓ આસાનીથી જીતી શક્યા. આ ચૂંટણીમાં તેમનું સૂત્ર (જેણે તેમને વિજયી બનાવ્યા હતા) હતું : ‘‘બધા માટે સમાન અધિકાર, વિશેષાધિકાર કોઈ માટે નહિ.’’ 1828ની ચૂંટણીમાં તેમણે અમેરિકાની ચૂંટણીના ઇતિહાસમાં પહેલી વાર ‘ધંધાદારી રાજકારણીઓ’નો ઉપયોગ કર્યો હતો.
ઍન્ડ્રુ જૅક્સને પોતાના પ્રમુખપદનાં 8 વર્ષ દરમિયાન પોતાના ઉગ્ર લોકશાહીવાદી વિચારોને આચારમાં મૂકવાનો પ્રયત્ન કર્યો હતો. તે બૅંકને મુઠ્ઠીભર મૂડીવાદીઓનો ઇજારો તથા સામાન્ય જનતાના શોષણનું સાધન માનતા હતા. આથી તેમણે દેશની બીજા નંબરની મોટી બૅંક ‘યુનાઇટેડ સ્ટેટ્સ બૅંક’ને મંજૂરી આપતા સંસદના ખરડાને ‘વીટો’ વાપરીને રદ કર્યો હતો; એટલું જ નહિ, પરંતુ એ બૅંકમાંથી સંઘ સરકારની મૂડી પાછી ખેંચી લઈને તે નાની નાની બૅંકોમાં રોકી હતી. આ ઉપરાંત તેમણે રેડ ઇન્ડિયન જાતિઓને સમજાવીને કે નાણાં આપીને (કે છેવટે બળ વાપરીને) તેમની સાથે લગભગ 94 જેટલી સંધિ કરી, તેમને હજુ વધારે પશ્ચિમ તરફ ધકેલ્યા અને તેમણે ખાલી કરેલા વિસ્તારોમાં અમેરિકન લોકોને વસાવીને ‘પશ્ચિમ તરફના વિસ્તરણ’ને વેગ આપ્યો હતો. તેમના સમયમાં જ મેક્સિકોને તાબે રહેલા ટેક્સાસના વિશાળ પ્રદેશને અમેરિકામાં ભેળવી દેવા માટે હિલચાલ શરૂ થઈ હતી અને એ હિલચાલને તેમનો ખુલ્લો ટેકો હતો.
આમ છતાં તે બળવાન સંઘના હિમાયતી હતા. જ્યારે સંઘ સંસદે નાખેલી ‘ટૅરિફ જકાત’નો દક્ષિણ કેરોલિના રાજ્યે વિરોધ કર્યો અને પોતાને અનુકૂળ ન હોય તેવા સંઘના કાયદાને રદબાતલ કરવાની પોતાને સત્તા છે તેવો ખરડો પસાર કર્યો, ત્યારે તેમણે તેની સાથે કડક હાથે કામ લીધું હતું, તેને પરિણામે દક્ષિણ કેરોલિનાને પોતાનો ઠરાવ પાછો ખેંચી લેવો પડ્યો હતો.
ઍન્ડ્રુ જૅક્સન ઉગ્ર સિદ્ધાંતવાદી, કંઈક અંશે વ્યવહારમાં આખાબોલા, પણ પ્રામાણિક પ્રમુખ હતા. તેમણે પોતાના પ્રમુખપદના બંને ગાળાઓ દરમિયાન પોતાની લોકપ્રિયતા જાળવી રાખી હતી, જેમાં તેમની વિવેકબુદ્ધિ અને સ્વતંત્રતા પ્રત્યેની ભક્તિનો ઘણો મોટો ફાળો હતો.
દેવેન્દ્ર ભટ્ટ