જૂ-ઉપદ્રવ : માથા, શરીર કે જનનાંગોની આસપાસના વાળમાં જૂનો ઉપદ્રવ થવો તે. જૂ (louse) પાંખ વગરનું જંતુ છે. માણસને અસરગ્રસ્ત કરતી જૂ 3 પ્રકારની હોય છે : શીર્ષસ્થ જૂ (head louse), કાયસ્થ જૂ (body louse) અને પરિજનનાંગ (pubic) જૂ. તેમનાં શાસ્ત્રીય નામો અનુક્રમે Pediculus capitis, Pediculus corporis અને Phthirus pubis છે. પરિજનનાંગ જૂને કર્ક જૂ (crab louse) કહે છે. અંગત સફાઈ ઓછી હોય ત્યાં, વિશ્વમાં બધે જૂનો ઉપદ્રવ થાય છે. ઠંડા પ્રદેશોમાં તેનો ઉપદ્રવ વધુ હોય છે. જૂ-ઉપદ્રવને અંગ્રેજીમાં pediculosis કહે છે.

જૂ(louse)નું જીવનચક્ર અને પુખ્ત જૂ. (1) વાળ, (2) લીખ (ઈંડું), (3) ઇયળ, (4) માથા કે શરીર પરની જૂ, (5) જનનાંગો પરની જૂ

શીર્ષસ્થ અને કાયસ્થ જૂ : બંનેનાં દેખાવ અને જીવનચક્ર સમાન છે. શીર્ષસ્થ જૂ માથા પરના વાળમાં રહે છે જ્યારે કાયસ્થ જૂ શરીર પરના વાળમાં અને કપડાંના સાંધા (seams) પર ચોંટીને રહે છે. તે માથું, છાતી અને ઉદર એમ 3 ભાગ ધરાવતું ચપટું જંતુ છે. શીર્ષ આગળના ભાગમાં અણીદાર હોય છે. તેમાં પાંચ જોડાણોવાળા અગ્રતંતુઓ(antennae)ની એક જોડ હોય છે. મોઢાનો આકાર લોહી ચૂસવું સરળ પડે તેવો હોય છે. વક્ષ(છાતી)નો આકાર ચોરસ હોય છે. તેની વક્ષીય (ventral) સપાટી પર 3 જોડ પગ હોય છે. પગ મજબૂત અને નહોર(claw)વાળા હોય છે જેથી તે વાળ કે કપડાંને વળગી શકે છે. પેટ 9 ભાગવાળું અને લાંબું હોય છે. તેના છેડાનો ભાગ નર-જૂમાં અણિયાળો અને માદા-જૂમાં દ્વિખંડી (bilobed) હોય છે. તેમના જીવનચક્રમાં 3 તબક્કા હોય છે : (1) ઈંડું, (2) ઇયળ (larva, nymph) અને (3) પુખ્ત જંતુ. ઈંડાને લીખ (nit) કહે છે અને તે વાળ અને કપડાંના સાંધાને સિમેન્ટ જેવા કોઈ પદાર્થથી ચોંટીને રહે છે. તે નાની, સફેદ, લંબગોળ, એક છેડે અણિયાળી અને બીજે છેડે નાનકડા ખાડાવાળી હોય છે. માદા-જૂ 4થી 9 દિવસમાં 300 ઈંડાં મૂકે છે. જો તાપમાન 22° સે.થી વધુ હોય તો ઈંડામાંથી ઇયળ નીકળે છે. ઇયળ પુખ્ત જંતુ જેવી લાગે છે; પરંતુ તે નાની હોય છે અને 10 દિવસમાં 3 રૂપ બદલીને પુખ્ત જંતુ બને છે. તે આશ્રયદાતાના શરીર પરથી આહાર મેળવે છે. ઈંડાના ઉદભવથી પુખ્ત જંતુ બનતાં 15થી 17 દિવસ લાગે છે અને તે 30થી 50 દિવસ જીવે છે. જૂ સીધા સ્પર્શથી કે આડકતરા સંસર્ગથી ફેલાય છે. તે વસ્તીની ગીચતાને કારણે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને હૉસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમાં સીધા સ્પર્શ વડે ફેલાય છે. કપડાં, પથારી, કાંસકા અને બ્રશનો જો એકથી વધુ વ્યક્તિ ઉપયોગ કરતી હોય તો તે આવા આડકતરા સંસર્ગથી પણ ફેલાય છે. શીર્ષસ્થ જૂ અને કાયસ્થ જૂ કેટલાક રોગોના કારક સૂક્ષ્મજીવોની વાહક હોય છે; દા. ત., ઇન્ડેમિક ટાયફસ કરતો રિકેટસિયા પ્રોવઝેકી નામનો સૂક્ષ્મજીવ, પુનરાવર્તી જ્વર (relapsing fever) કરતો બોરેલિયા રીકરોન્ટિસ, ખાઈ (trench) જ્વર કરતો રિકેટસિયા ક્વિન્ટાના નામના સૂક્ષ્મજીવોનો ફેલાવો કરીને તે આ રોગોને ફેલાવે છે. જૂ શરીરના જે ભાગ પર હોય ત્યાં ખૂજલી અને ત્વચાશોથ (dermatitis) કરે છે અને તેથી ત્યાં અન્ય જીવાણુઓથી પરુ પણ થાય છે.

પરિજનનાંગ જૂ : તે બાહ્ય જનનાંગોની આસપાસ તથા તેમની અને ગુદાની વચ્ચેની જગ્યામાં વસે છે. ક્યારેક તે શરીર પર બધે ફેલાયેલી હોય છે. તે ચામડીને ચોંટેલી હોવાથી દૂર કરવી અઘરી પડે છે. તે નાની, ચોરસ આકારની, વક્ષમાં ખૂંપેલા માથાવાળી, વધુ મોટા અને મજબૂત પગવાળી હોય છે. અન્ય પ્રકારની જૂ કરતાં તેની ગતિ મંદ છે. તેનું જીવનચક્ર અન્ય પ્રકારની જૂ જેવું હોય છે અને તે કોઈ અન્ય રોગના સૂક્ષ્મજીવોના ચેપવાહક તરીકે કાર્ય કરતી નથી.

જૂનિયંત્રણ અને સારવાર : જંતુનાશક દવાનો ઉપયોગ એકમાત્ર સફળ પદ્ધતિ છે. માથાની જૂ ગામા બેન્ઝિન હેક્ઝાક્લોરાઇડ કે મેલેથિયોનનો પ્રવાહી મલમ (lotion) લગાવવાથી મટે છે. સામાન્ય રીતે 12થી 24 કલાક મલમ લગાવ્યા પછી તે ભાગને ધોઈ કઢાય છે. મેલેથિયોનથી જૂ અને લીખ બંને મરે છે. શરીર પરની કાયસ્થ-જૂના નિયંત્રણ માટે મેલેથિયોન કે કાર્બારિલવાળો પાઉડર વપરાય છે. પરિજનનાંગ જૂ માટે ગામાબેન્ઝિન હેક્ઝાક્લોરાઇડ કે બેન્ઝાયલ બેન્ઝોએટ વપરાય છે. એક વખત દવા લગાવવાથી જૂ મરે છે; પરંતુ 7 દિવસ પછી ઈંડા(લીખ)માંથી બહાર નીકળતી ઇયળને મારવા માટે જરૂર પડ્યે 7મે દિવસે ફરીથી દવાનો ઉપયોગ કરાય છે. વ્યક્તિગત સફાઈ કરવાથી અને નિયમિત સાબુ સાથેનું સ્નાન અને રોજેરોજ કપડાં બદલવાથી તે થતી અટકે છે. સ્ત્રીઓએ તેમના લાંબા વાળને વારંવાર સાફ કરવા જરૂરી ગણાય છે. કાયસ્થ જૂના નિયંત્રણ માટે ક્યારેક કપડાંનું વરાળયુક્ત સૂક્ષ્મજીવમારકમાં સદાબ ઉષ્મન (autoclaving) કરવાનું સૂચવાય છે.

શિલીન નં. શુક્લ