જૂઠા સચ (ભાગ 1 : 1958; ભાગ 2 : 1960) : મહાકાવ્યના વિસ્તારવાળી હિંદી નવલકથા. લેખક યશપાલ(1903–1976)ની તે શ્રેષ્ઠ કૃતિ ગણાઈ છે. આ નવલકથાની વાર્તાનો સમય 1942થી 1957 સુધીનો છે. તેમાં ભારતની સ્વતંત્રતા માટેના આરંભથી દેશના હિંદુસ્તાન અને પાકિસ્તાન એવા બે ભાગલા સુધીની ઘટનાઓનું આલેખન છે. તેમાં ફસાયેલું માનવજીવન કથાવસ્તુના કેન્દ્રમાં છે. ભાગ 1 : ‘વતન ઔર દેશ’માં યાતના અને ભય હેઠળ ઓચિંતું સ્થળાંતર કરતા લોકો અને લાહોરના જીવનનું દસ્તાવેજી ચિત્ર છે. ‘ભોલા પાંઢે કી ગલિ’ની પશ્ચાદભૂમિમાં કરોડો લોકો તણાવ અને હિંસાથી ત્રસ્ત હોય તે ર્દશ્ય વધુ હૃદયદ્રાવક બને છે. તેમાં ભારતના સ્વાતંત્ર્યની પૂર્વસંધ્યાએ કરોડો હિંદુ અને મુસ્લિમોનો સંહાર દર્શાવ્યો છે. ભાગ 2 : ‘દેશ કા ભવિષ્ય’ છે. તેમાં નિર્વાસિતોની દુર્દશા અને રાજધાનીમાં બદલાતાં રાજકીય ર્દશ્યોનો ચિતાર છે. તેમાં દેખાતા આદર્શવાદી વલણ દ્વારા થતી માનવજીવનની અવહેલના પર કટાક્ષ છે.

લેખકે દેશના ભાગલા પહેલાં 11 વર્ષ અગાઉ લાહોર છોડેલું. પછી વીસમી સદીના છઠ્ઠા દાયકાના અંતભાગમાં લાહોર ગયા. હિંસા અને રક્તપાતની અપાર વેદના સંવેદનશીલ નાગરિક યશપાલને થઈ. તૉલ્સ્તૉયની મહાનવલ ‘વૉર ઍન્ડ પીસ’ની હવા ‘જૂઠા સચ’માં ઉઠાવ પામેલી છે. લેખક પોતાનું ર્દષ્ટિબિંદુ અસરકારક રીતે રજૂ કરે છે. તેમનો રોષ રાજકારણીઓ અને ધનપતિઓ પ્રત્યે છે. સ્વાતંત્ર્યોત્તર ભારતમાં આ બે વર્ગના લોકોએ પોતાના અંગત સ્વાર્થ માટે ગઠબંધન કરીને જે મૂલ્યપરિવર્તન કર્યું તેનું વ્યંગચિત્ર રજૂ કર્યું છે. રાગદ્વેષ, યાતના, હતાશા, શોક અને અકિંચનપણું, નિ:સહાયતા વચ્ચે જીવનની પુન:સ્થાપના માટે મથતાં સ્ત્રી-પુરુષોનો સમુદાય જીવનનો વિશાળ સંદર્ભ ઊભો કરે છે અને એ રીતે નવલકથાને માત્ર રાજકીય બનતી અટકાવે છે.

ભારતીય સમાજમાં ચાલતા સામાજિક અને આર્થિક શોષણથી સભાન એવા આ લેખકના અભિગમ પર માર્કસવાદની અસર છે. યશપાલ શરૂઆતમાં હિંસાવાદી, પછી આર્યસમાજી અને અંતે પ્રતિબદ્ધ (committed) માર્કસવાદી બનેલા. આ નવલકથામાં ભોળાં યુવક-યુવતીઓનો સ્વાર્થ માટે ઉપયોગ કરનારાં જયદેવ અને સૂદ જેવાં પાત્રોના વર્તન પર તેમણે કટાક્ષ કર્યો છે. 1942ની લડતમાં ભાગ લઈ જેલમાં જનાર લેખક જયદેવ એક બેઇમાન નેતા બની જાય છે. જ્યારે નિરાશ્રિત બનીને આવેલો સૂદ ધીરે ધીરે ઢોંગી નેતા બની જાય છે. અહીં રાષ્ટ્રજીવનનું ભાવિ અંધકારમય હોવાનું સૂચન છે. છતાં આ બૃહત નવલકથાના કેન્દ્રમાં રહેલા લોકોમાં લેખકને શ્રદ્ધા છે. રાષ્ટ્રજીવનની મહત્વપૂર્ણ ઘટનાના સંદર્ભમાં લેખક કહે છે : ‘‘ઉત્ક્રાન્તિ સાથે મારી નિસબત છે – હું તેને ક્રાન્તિ કહીશ. જીવતા માણસની એ વિશેષતા છે. માણસ બૌદ્ધિક રીતે સજાગ હોય તો ઉત્ક્રાન્તિ સારુ એની ઇચ્છા અને પુરુષાર્થ ચાલુ રહેવાં જોઈએ. તેને ગ્રંથિ, મહેચ્છા, સ્વપ્ન જે ગણો તે, પણ એ છૂટતું નથી.’’ લેખકની ર્દષ્ટિએ માણસ સત્યથી ઠગાઈને પણ સત્યનિષ્ઠાનું સાહસ છોડતો નથી.

કલા જીવન સાથે સંલગ્ન હોવાની માન્યતા ધરાવતા યશપાલની ‘જૂઠા સચ’ નવલકથા સ્વાતંત્ર્યોત્તર હિંદી ગદ્યનું મહાકાવ્ય તરીકે ગણાઈ છે.

રામકુમાર ગુપ્તા