જુહૂ બ્રહ્મજાયા : ઋગ્વેદની એક ઋષિકા. તેણે દસમા મંડળના 107મા સૂક્તનું દર્શન કર્યું છે. સૂક્તના નિર્દેશ અનુસાર તે બૃહસ્પતિની પત્ની હતી. આ સૂક્તના આરંભમાં કહ્યું છે કે સૃષ્ટિના આરંભમાં સર્જનહારે ઉગ્ર તપ કરી ઋતનું દર્શન કર્યું અને તદનુસાર સર્વપ્રથમ જલનું સર્જન કર્યું. સૂક્તમાં એક અનુશ્રુતિનો પણ નિર્દેશ છે કે ‘‘સહુથી પહેલાં રાજા સોમે બ્રહ્મજાયા જુહૂને વરુણ, મિત્ર, અગ્નિ આદિ દેવોની સલાહથી તેના પતિ બૃહસ્પતિને પાછી સોંપી હતી; કેમ કે, જેનું પાણિગ્રહણ થયું હોય એવી હસ્તગૃહ્યા પત્ની પર અન્ય કોઈનો અધિકાર નથી.’’ સ્વયં ઋષિકાએ આ વાત સૂક્તમાં કહી છે એથી લાગે છે કે બ્રહ્મવાદિની બ્રહ્મજાયા જુહૂને સોમ હરી ગયો, ત્યાં પણ તેણે પોતાનું શીલ સાચવ્યું હશે.
પુરાણોમાં બૃહસ્પતિની પત્ની તારાના અપહરણનો નિર્દેશ છે. તે બૃહસ્પતિની અન્ય પત્ની છે.
યજ્ઞમાં હોમના સાધન સ્રુવ જેવું એક હોમસાધન પણ જુહૂ કહેવાય છે. આમ પુરાકલ્પન ચંદ્ર-તારા વૃત્તાન્તનો આ સ્રોત કહી શકાય.
નટવરલાલ યાજ્ઞિક