જૂ (louse) : નાના અપૂર્ણ કાયાંતરણ દ્વારા પુખ્ત અવસ્થા પામનાર પોચા શરીરવાળા કીટકોનો એક સમૂહ. જૂ ત્રણ શ્રેણીઓમાં વહેંચાયેલી હોય છે : (1) સોકૉપ્ટેરા, (2) પીંછશ્લેષક (mallophaga) અને (3) સાઇફનક્યુલાટા.

(1) સોકૉપ્ટેરા (પુસ્તકની જૂ, book louse) : આ કીટકનો સમાવેશ લિપોસ્કિલિડી કુળમાં થાય છે. તેની કેટલીક જાતિઓ પુખ્ત અવસ્થામાં પાંખ ધરાવે છે, જ્યારે કેટલીક પાંખો વગરની હોય છે. તે સંગ્રહેલા કાગળ અથવા પુસ્તકોમાં જોવા મળે છે. ખાસ કરીને તે ચોપડીઓની બાંધણી(bindings)માં વપરાયેલ કાંજી ખાય છે અને ચોપડીને નુકસાન કરે છે. તે લોટ અને તેની બનાવટો પણ ખાય છે. સૂકા ઘાસની ગંજી, કડબ, ઝાડની છાલની તિરાડો અને પક્ષીઓના માળામાં પણ જોવા મળે છે. આમ આ કીટકો પ્રાણીજન્ય અને વનસ્પતિજન્ય એમ બંને પ્રકારના ખોરાક ખાય છે. આ કીટકની કેટલીક પાંખોવાળી જાતો ટોળામાં ઊડતી જોવા મળે છે, જ્યારે અન્ય કેટલીક જાતો સમૂહમાં જીવન પસાર કરે છે.

પુસ્તકની જૂ ચાવવા (chewing) પ્રકારનાં મુખાંગો તથા આશરે 12થી 50 ખંડના લાંબા સ્પર્શકો (antennae) ધરાવે છે. સામાન્ય રીતે તેનું અગ્રઉરસ (prothorax) મધ્યઉરસ (mesothorax) અને પશ્ચઉરસ (metathorax) કરતાં નાનું હોય છે.

(2) પીંછશ્લેષક (પક્ષીની જૂ, bird louse) : આ જૂનો સમાવેશ ફિલોપ્ટેરિડી કુળમાં કરવામાં આવે છે, જે આશરે 0.5થી 6 મીમી. લાંબી, ચપટી અને ચપળ હોય છે. તે બાહ્ય પરોપજીવી કીટક છે.

આકૃતિ 1 : પુસ્તકની જૂ

પક્ષીનાં પીંછાં, વાળ અને ચામડી પરના નાના નાના ટુકડાઓ તેનો મુખ્ય ખોરાક છે. ખાસ કરીને તેનો ઉપદ્રવ કબૂતર, મરઘાં, બતક જેવાં પક્ષીઓમાં વધારે જોવા મળે છે. કોઈક વખત કૂતરાં, ઘોડા, ગધેડાં અને બીજાં આંચળવાળાં પ્રાણીઓ પર પણ જોવા મળે છે. આ કીટક પાંખ અને નેત્રક વગરના હોય છે. સ્પર્શકો 3થી 5 ખંડના

આકૃતિ 2 : પક્ષીની જૂ

હોય છે. મુખાંગો ખાસ ઢબે વિકસેલાં ચાવવા પ્રકારનાં હોય છે. અગ્રઉરસ સ્પષ્ટ રીતે જુદું દેખાઈ આવે તેવું હોય છે, જ્યારે મધ્ય-ઉરસ અને પશ્ચઉરસ સ્પષ્ટ રીતે દેખાઈ આવતાં નથી. પગને છેડે એક કે બે જોડ નહોર (claw) હોય છે. ઉદરપ્રદેશને છેડે કર્ણશૂળ (cerci) હોતાં નથી.

આકૃતિ 3 : માથાની જૂ

(3) સાઇફનક્યુલાટા (મનુષ્યની જૂ, human louse) : મનુષ્ય પર જોવા મળતી જૂમાં માથાની જૂ (Pediculus humanus lapaticae), શરીરની જૂ (P. humanus humanus) અને ચામ જૂ(Ptherius pubis)નો સમાવેશ થાય છે. પાંખો વગરના, ખૂબ જ ચપળ અને ભૂખરા કે કાળાશ પડતા રંગના આ કીટકો યજમાનના શરીરની બહારની બાજુએ રહી બાહ્ય પરોપજીવી તરીકે જીવે છે. તે મોતી જેવા આકારનાં, સફેદ રંગનાં, ચળકતાં, છૂટાંછવાયાં ઈંડાં વાળ પર મૂકે છે. તેના પગને છેડે એક નખ હોય છે, તેનાથી તે યજમાનને મજબૂત રીતે પકડી શકે છે. આવી જૂનાં મુખાંગો વેધી–ચૂસી (piercing, sucking) પ્રકારનાં હોય છે, જે યજમાનના શરીરમાંથી લોહી ચૂસે છે. તેના કરડવાથી શરીરની ચામડી જાડી બની જઈ ખંજવાળ પેદા કરે છે. ચામડી પર ભૂખરા રંગનાં ટપકાં જોવા મળે છે. આવી માથાની જૂ અને શરીરની જૂ આવર્તી જ્વર, ટ્રન્ચ જ્વર અને ટાયફસ જ્વર જેવા રોગોનો ફેલાવો કરે છે.

જૂનો ઉપદ્રવ અટકાવવા માટે સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. પુસ્તકની જૂના નિયંત્રણ માટે પુસ્તકને અવારનવાર તપાસી સાફ રાખવાં. પક્ષીની જૂનો ઉપદ્રવ હોય તો પાળેલાં પ્રાણીઓને ઉપદ્રવિત પ્રાણીઓથી દૂર રાખવાં. મનુષ્યને ઉપદ્રવ કરતી જૂના નિયંત્રણ માટે વાળને નિયમિત સાફ કરી ઓળવા અને શરીરની સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે. જૂને હાથથી વીણી લઈ તેનો નાશ કરવો. ઉપદ્રવિત માણસનાં કપડાંને ડિટરજન્ટ પાઉડરને પાણીમાં ઓગાળી બનાવેલા પ્રવાહીમાં ડુબાડી રાખવાથી જૂનો નાશ થાય છે. બજારમાં મળતા જૂ-નાશક શૅમ્પૂનો ઉપયોગ કરવાથી માથાની જૂનું પ્રમાણ ઘટે છે.

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ

પરબતભાઈ ખી. બોરડ