જુડા : ખ્રિસ્તી ધર્મગ્રંથ બાઇબલના જૂના કરારમાં ઉલ્લેખ્યા પ્રમાણે જૅકબ અને લીહના ચોથા પુત્ર. તેમનો જીવનવૃત્તાંત બાઇબલના પ્રથમ ગ્રંથ ઉત્પત્તિખંડ(Genesis)માં છે. બાઇબલમાંની ઘટનાઓના વિવરણની શરૂઆત ઉત્પત્તિખંડથી થાય છે અને પશ્ચિમના ધર્મો તેને ઈશ્વરના વચન તરીકે સ્વીકારે છે. ઇઝરાયલના 12 પૈકીના એક કબીલાના પિતામહ તરીકે જુડાની ગણના થાય છે અને તેથી જ આ કબીલાને ‘જુડાના કબીલા’ તરીકે ઓળખવામાં આવે છે. હિબ્રૂ સંતાન જૉસેફને મારી નાખવાને બદલે ગુલામ તરીકે અરબોના મૂળ પુરુષ ઇશમાયલના ઇજિપ્તમાંના વંશજોને વેચવાનું સૂચન જુડાએ કર્યું હતું એવી કિંવદંતી છે. આ જૉસેફ પાછળથી પ્રાચીન ઇજિપ્તના સામ્રાજ્યના મહાન વડાપ્રધાન તરીકે ખ્યાતિ પામ્યા હતા. ઇજિપ્તમાંથી યહૂદીઓના ઐતિહાસિક નિષ્ક્રમણ(exodus)નું નેતૃત્વ જૉસેફે કર્યું હતું અને જે પ્રદેશમાં નિષ્કાસિતોએ ઇજિપ્તની બહાર વસવાટ કર્યો હતો તે પ્રદેશને ‘જુડાનું સામ્રાજ્ય’ નામ અપાયું હતું. આ સામ્રાજ્યના પ્રદેશમાં જ જેરૂસલેમ નગરનો સમાવેશ થાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે