જુનીપેરેસી : અનાવૃત બીજધારી વર્ગના (gymnosperm) શંકુદ્રુમ (conifer) સમૂહનું એક કુળ. આ કુળમાં 75 જેટલી પ્રજાતિઓનો સમાવેશ થાય છે. અમેરિકામાં આ કુળની પ્રજાતિઓ વધુમાં વધુ પ્રમાણમાં મળી આવે છે. વૃક્ષો અથવા ક્ષુપો, પર્ણો ચિરલગ્ની, સન્મુખ અથવા ભ્રમીરૂપ, મોટે ભાગે નાનાં અને શલ્ક જેવાં, કેટલીક વાર દ્વિરૂપી; વનસ્પતિ એકગૃહી. નર શંકુ નાનો, અગ્રીય અથવા કક્ષીય, અથવા 2 થી 24 પુંકેસરો ગુચ્છમાં આવેલાં હોય છે. કેટલેક અંશે છત્રાકાર એવાં લઘુબીજાણુપર્ણોની નીચેની સપાટીએ ઉત્પન્ન થાય છે. પરાગાશય 2થી 6 કોટરીય, નાની શાખાઓ પર અંડકો ધરાવતો માદા શંકુ ઉત્પન્ન થાય છે, તે અગ્રીય અથવા પાર્શ્વીય હોય. મહાબીજાણુપર્ણો શલ્કવત્ 1થી 12 જેટલાં; અંડકો માંસલ અને જોડાયેલાં, સીધાં, સૂકાં અને કાષ્ઠીય શંકુ સાથે ચિરલગ્ની, સન્મુખ અથવા ચક્રીય શલ્કો, બીજ માંસલ અને મૃદુ પ્રકારનાં, નાનાં અને ભાગ્યે જ 2.54 સેમી. જેટલાં લાંબાં. આ બીજનો રસ કાઢીને તેમાંથી ઉડ્ડયનશીલ તેલ મેળવવામાં આવે છે, જેનો ઉપયોગ લહેજતદાર મિશ્રિત શરાબ બનાવવામાં થાય છે. બીજ સાથે ઘણી વાર અંડાવરણીય પક્ષ્મો આવેલાં હોય છે. બીજમાં બીજપત્રોની સંખ્યા મોટે ભાગે 2, બીજપત્રો ભાગ્યે જ 5થી 6 હોય છે.

આર્થિક અગત્યની કેટલીક જુનિપર વનસ્પતિ : (1) Junipereus macropoda (Indian Juniper) : હિમાલયન દેવદાર નામે ઓળખાતી વનસ્પતિ. હાથલાકડી બનાવવા તેમજ ઇમારતી લાકડું અને બળતણ માટે ખાસ ઉપયોગી છે. સારી જાતના દેવદારમાંથી પેન્સિલ બનાવાય છે. (2) J. communis : અભલ નામે ઓળખાતી વનસ્પતિમાંથી જાતજાતનાં સુગંધી તેલો બનાવાય છે. છાલનો ઉપયોગ ચર્મશોધન(tanning)માં થાય છે. ફળ અને મૂળમાંથી રંગદ્રવ્યો મળે છે. ઉત્સર્ગજનનતંત્ર અને ચામડીના રોગોની સારવાર માટે ઉપયોગી છે. (3) J. virginiana : લાલ સીડર, પેન્સિલસીડર, પેન્સિલ બનાવવામાં ઉપયોગી છે. સુગંધી તેલ પણ મળે છે.

ગજેન્દ્રવન ના. ગોસાંઈ