જી-અવયવ (g-Factor) : વિઘૂર્ણ-ચુંબકીય ગુણોત્તર (gyromagnetic ratio) અથવા વર્ણપટદર્શકીય વિદારણ અવયવ (spectroscopic splitting factor) તરીકે ઓળખાતો અંક. તે એક પરિમાણવિહીન રાશિ છે. તેનું ચોક્કસ મૂલ્ય 2.002319 છે પણ સામાન્ય રીતે તે 2.00 લેવામાં આવે છે.
પ્રોટૉનની માફક ઇલેક્ટ્રૉન પણ એક વીજભારિત કણ છે અને તે પોતાની ધરીની આસપાસ તેમજ કેન્દ્ર(nucleus)ની આસપાસ ઘૂમતો હોવાથી ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે. કેન્દ્ર કરતાં તે વધુ ઝડપથી ઘૂમતો હોવાથી તેનું ચુંબકીય ક્ષેત્ર વધુ હોય છે. આ આંતરિક ઘૂર્ણન(intrinsic spin)ને લીધે તે એક શલાકા-ચુંબક (bar magnet) તરીકે વર્તે છે અને ચુંબકીય ચાકમાત્રા (magnetic moment) ધરાવે છે. આ ઇલેક્ટ્રૉન પોતાની અક્ષની દિશામાં આંતરિક ચુંબકીય ચાકમાત્રા ધરાવવા ઉપરાંત તે પરમાણુની કક્ષામાં ભ્રમણ કરતો હોવાથી અન્ય ચુંબકીય ચાકમાત્રા પણ ધરાવી શકે. આમ તેની કુલ ચુંબકીય ચાકમાત્રા એ બે ચુંબકીય ચાકમાત્રાના સદિશ (vector) સરવાળા બરાબર થાય. કુલ ચુંબકીય ચાકમાત્રા અને ઘૂર્ણન મૂલ્ય (spin value) અથવા ઘૂર્ણન કોણીય વેગમાન(spin angular momentum)નો ગુણોત્તર જે તે પરમાણુ અને પર્યાવરણ માટે અચળ હોય છે અને તે ઇલેક્ટ્રૉન માટે વિઘૂર્ણ ચુંબકીય ગુણોત્તર અથવા વર્ણપટદર્શકીય વિદારણ અવયવ (g) તરીકે ઓળખાય છે. [કેન્દ્ર પણ આવો અવયવ (nuclear g-factor) ધરાવી શકે.] ભિન્ન ભિન્ન પરમાણુઓ અને પર્યાવરણો માટે આ ગુણોત્તર જુદાં જુદાં મૂલ્યો ધરાવે છે. તેનું ચોક્કસ મૂલ્ય રાસાયણિક પર્યાવરણને પ્રતિબિંબિત કરે છે કારણ કે ઇલેક્ટ્રૉનનું કોણીય વેગમાન સંક્રમણ (transition) ને અસર કરશે (ઇલેક્ટ્રૉન માટે અથવા ઇલેક્ટ્રૉનનો કોણીય વેગમાનનો ક્વૉન્ટમ અંક). સ્થાનિક ચુંબકીય ક્ષેત્ર દ્રવ્યની સંરચના ઉપર આધાર રાખતું હોવાથી ઇલેક્ટ્રૉન સ્પિન રેઝોનન્સ (ESR) સ્પેક્ટ્રોસ્કોપીમાં તેનો ઉપયોગ થાય છે.
ઘણા કાર્બનિક મૂલકો(radicals)માં એકી (odd) ઇલેક્ટ્રૉનના g-અવયવનું મૂલ્ય લગભગ મુક્ત ઇલેક્ટ્રૉન જેટલું જ હોય છે, પણ ધાતુ આયનોનાં આવાં મૂલ્યો મુક્ત ઇલેક્ટ્રૉન મૂલ્યથી ઘણાં જુદાં હોય છે. કાર્બનિક મૂલક જો ઑક્સિજન કે નાઇટ્રોજન ધરાવતા હોય તો તેમનાં g-અવયવોનાં મૂલ્યો ઊંચાં હશે. હેલોજન અથવા પૅરોક્સિ-સમૂહો માટે તે વધુ ઊંચાં હોય છે.
મુક્ત મૂલકોનો g-અવયવ માપવા માટે અજ્ઞાત પદાર્થના વર્ણપટ અને જેના g-અવયવનું મૂલ્ય ઘણી ચોકસાઈથી જાણીતું હોય તેવા સંદર્ભ પદાર્થના વર્ણપટના કેન્દ્ર વચ્ચેનું ક્ષેત્ર-અલગન (field separation) માપવું અનુકૂળ પડે છે. સંદર્ભ પદાર્થ તરીકે સંપૂર્ણ મુક્ત મૂલક અવસ્થા ધરાવતા બારીક ચૂર્ણરૂપ ડાયફિનાઇલ પિક્રાઇલહાઇડ્રેઝિલ (DPPH) લઈ શકાય. આથી ΔH ક્ષેત્ર અલગન ધરાવતા બે સંકેત (signals) એકીસાથે જોઈ શકાય છે. તે ઉપરથી g-અવયવ નીચે પ્રમાણે ગણી શકાય :
જ્યાં H એ સંસ્પંદન (resonance) આવૃત્તિ છે. જો અજ્ઞાત પદાર્થ તેનું કેન્દ્ર ઊંચા ક્ષેત્રે ધરાવે તો ΔH ધન મૂલ્ય ધરાવશે.
જ. દા. તલાટી