જીવશાસ્ત્રો : તમામ પ્રકારના સજીવોનો અભ્યાસ કરાવતું શાસ્ત્ર. પ્રત્યેક સજીવ પર્યાવરણના સંપર્કમાં રહીને જીવનાવશ્યક પદાર્થોને મેળવે છે અને પોતાનો વિકાસ સાધે છે. સજીવોનો વિગતવાર અભ્યાસ કરવો હોય તો તેમના નિવાસો ઉપરાંત શરીરની વિશિષ્ટ રચના, શરીરમાં થતી વિવિધ જૈવી ક્રિયાઓ અને સંતતિ જેવાં વિવિધ પાસાંનો અભ્યાસ કરવો પડે છે. તેના અનુસંધાનમાં જીવશાસ્ત્રને વિવિધ શાખાઓમાં વહેંચવામાં આવેલ છે. જીવશાસ્ત્રમાં કેટલીક અગત્યની શાખાઓ નીચે મુજબ છે :
(ક) પર્યાવરણલક્ષી : (1) પરિસ્થિતિવિદ્યા (ecology);
(ખ) શરીરલક્ષી : (2) શરીરરચના (anatomy), (3) આણ્વિક જીવશાસ્ત્ર (molecular biology), (4) કોષવિદ્યા (cytology), (5) પેશીવિદ્યા (histology), (6) દેહધર્મવિદ્યા (physiology), (7) સુજનનશાસ્ત્ર (eugenics), (8) આચારશાસ્ત્ર (behavioural science / ethology);
(ગ) સમૂહલક્ષી : (9) વર્ગીકરણ (classification), (10) સજૈવ ઉત્ક્રાંતિ (organic evolution), (11) અને (12) જનીનવિજ્ઞાન અને આનુવંશિકતા (genetics and heredity);
(ઘ) પ્રયુક્ત શાખાઓ : (13) કીટકશાસ્ત્ર, (14) પશુરોગવિજ્ઞાન (veterinary science), (15) પશુપાલન (animal husbandry), (16) કૃમિવિદ્યા (helminthology), (17) પરોપજીવી કીટકવિજ્ઞાન (parasitology), (18) કુક્કુટપાલનશાસ્ત્ર (poultry science), (19) મત્સ્યોદ્યોગ (fisheries), (20) આયુર્વિજ્ઞાન (medical science).
(1) પરિસ્થિતિવિદ્યા અને નિવસનતંત્ર : સજીવો જુદાં જુદાં પર્યાવરણોમાં વાસ કરતા હોય છે. દાખલા તરીકે વાદળી, શૂળત્વચી (echinoderms), કેટલીક માછલીઓ, મૃદુકાય (mollusc) જેવાં પ્રાણીઓ દરિયામાં વસે છે, જ્યારે બીજાં કેટલાંક પ્રાણીઓ મીઠાં જળાશયોમાં રહેતાં હોય છે. સિંહ, હાથી,સાપ,કાળિયાર, હરણ જેવાં પ્રાણીઓ જંગલમાં રહે છે અને તે વન્ય પ્રાણીઓ તરીકે જાણીતાં છે. આ બધાં પ્રાણીઓ પોતાના વિશેષ નિવાસોમાં રહેવા ટેવાયેલાં છે.
(2) શરીરરચના (અથવા આકારવિદ્યા) : પ્રત્યેક પ્રાણીનો એક વિશિષ્ટ ઘાટ હોય છે. માછલીનો દાખલો લઈએ. મોટા ભાગની માછલીઓ સુવાહી (streamlined) હોય છે. પરંતુ કેટલીક માછલીઓ દડો, ટિપૉય, સાપ, જીભ, ચલમ જેવા આકારો ધરાવે છે. સસ્તન હોવા છતાં માનવમાત્ર બે પગની મદદથી પ્રચલન કરે છે, જ્યારે મોટા ભાગનાં સસ્તનો ચતુષ્પાદી છે. વહેલને કે સાપને પગ હોતા જ નથી. આ બધી વિવિધતાઓ પ્રાણીઓની આદત અને પર્યાવરણને અનુકૂલન માટેની હોય છે. આકારવિદ્યા દ્વારા શરીરનાં વિવિધ તંત્રો અને તેનાં વિવિધ અંગોનો પરિચય સ્થૂલ કક્ષાએ કરી શકાય છે.
(3) આણ્વિક જીવશાસ્ત્ર : સજીવ સૃષ્ટિમાં અત્યંત વિવિધતા રહેલી છે; પરંતુ આણ્વિક ર્દષ્ટિએ તેમાં ઘણું સામ્ય હોય છે. મંકોડી કે માનવ, અમીબા કે અજગર, બધાં પ્રાણીઓનું બંધારણ પ્રોટીન, લિપિડો, કાર્બોદિતો અને ન્યૂક્લિઇક ઍસિડોના અણુઓનું બનેલું છે. મોટા ભાગની જૈવિક ક્રિયાઓ પણ આણ્વિક કક્ષાએ થતી હોય છે. માછલી તરીને, જ્યારે માનવ ચાલીને પ્રચલન કરે છે. પરંતુ બંને પ્રાણીઓનાં પ્રચલનાંગોના સ્નાયુઓમાં આણ્વિક કક્ષાએ થતી પ્રક્રિયાઓ સમાન હોય છે.
(4) કોષવિદ્યા : પ્રાણીઓના કોષમાં આવેલી અંગિકાઓ (organelles) એકસરખી હોય છે; દાખલા તરીકે બધા જ કોષો કણાભસૂત્રો (mitochondria) ધરાવતા હોય છે, જે એક અગત્યનું શ્વસનઅંગિકા છે. આનુવંશિક લક્ષણો માટે જવાબદાર DNAના અણુઓ બધાં પ્રાણીઓના કોષકેન્દ્રમાં કેન્દ્રિત થયેલાં હોય છે.
(5) પેશીવિદ્યા : કોષોનાં મોટા ભાગનાં લક્ષણો સરખાં હોવા છતાં, કાર્યની ર્દષ્ટિએ કોષોને મુખ્ય 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. સપાટીએ આવેલા કોષોનો સમાવેશ અધિચ્છદ (epithelium) પેશીમાં કરવામાં આવે છે. કોષોના સમૂહને આધાર આપનાર અથવા વિવિધ ભાગોને જોડનાર કોષોના સમૂહને સંયોજક પેશી કહે છે. સૂક્ષ્મ અંગોની ફરતે આરક્ષક કવચ બની રક્ષણ આપનાર તેમજ ઉચ્ચાલક (lever) બનીને હલનચલનમાં મદદરૂપ થનાર પેશી કંકાલ (skeletal) પેશી તરીકે ઓળખાય છે. સ્નાયુપેશીના કોષો સંકોચનશીલ હોય છે, જ્યારે ચેતાપેશી આવેગોને ઝીલી સંદેશાનું વહન કરે છે.
(6) દેહધર્મવિદ્યા : શારીરિક પ્રક્રિયા સાથે સંકળાયેલ વિજ્ઞાન. બધાં પ્રાણીઓ પર્યાવરણમાંથી પોષક તત્વોને આહાર રૂપે મેળવીને તેને પચાવે છે. પાચનતંત્ર આ કાર્ય ઉપાડે છે. પચેલ ખોરાકનું શોષણ કરી તેને શરીરના વિવિધ ભાગો સુધી પહોંચાડનાર તંત્રને અભિસરણતંત્ર કહે છે. તે ખોરાક ઉપરાંત ઑક્સિજન, અંત:સ્રાવો જેવા પદાર્થોને પણ શરીરના બધા કોષો તરફ લઈ જાય છે. વળી ચયાપચયી પ્રતિક્રિયા કે અન્ય કારણસર શરીરમાં આવેલ નકામાં અને હાનિકારક તત્વોને શરીરની બહાર કાઢવામાં પણ તે મદદરૂપ બને છે. પ્રવાહી રૂપે આવેલાં યૂરિયા જેવાં ઉત્સર્ગદ્રવ્યોને રુધિરમાંથી અલગ કરી મૂત્રસ્વરૂપે શરીરમાંથી બહાર કાઢવાનું કાર્ય ઉત્સર્ગતંત્ર કરે છે. રસાયણો અને આવેગો દ્વારા સંજોગોનુસાર શરીરના વિવિધ ભાગોનાં કાર્યોનું સંકલન અને નિયમન કરનાર તંત્રો અનુક્રમે અંત:સ્રાવી તંત્ર અને ચેતાતંત્ર તરીકે ઓળખાય છે. વંશવેલો ચાલુ રાખવા સંતાનઉત્પત્તિ સાથે સંકળાયેલ તંત્રને પ્રજનનતંત્ર કહે છે.
(7) સુજનનશાસ્ત્ર (Eugenics) : કેટલાક માનવી ખામી દર્શાવનારાં લક્ષણો ધરાવતા હોય છે, જ્યારે અન્ય કેટલાક, અત્યંત સારાં લક્ષણો ધરાવતા હોય છે. આમાંનાં ઘણાં લક્ષણો આનુવંશિક હોય છે. ખામી દર્શાવનારાં લક્ષણો ટાળવામાં આવે અને માત્ર સારાં લક્ષણો ધરાવતાં સંતાનો જન્મ પામે તેને લગતા વિજ્ઞાનને સુજનનશાસ્ત્ર કહે છે.
(8) આચારશાસ્ત્ર : આનુવંશિકતા, પર્યાવરણ અને કેળવણીને અધીન પ્રાણીઓ વિશિષ્ટ આદતોને અનુસરે છે. ભક્ષ્યને પકડવા કરોળિયા જાળ બાંધે છે, જ્યારે ઢોર-બગલો ઢોરની પાછળ ફરીને કીટકો પકડીને ખાય છે. ઘણાં પ્રાણીઓની બાળસંભાળ અંગેની આદતો રસપ્રદ હોય છે. એરિયસ સમૂહની બિડાલ માછલીની માદા ફલિતાંડોને નરના મોઢામાં મૂકે છે; તેમની સંતતિ ત્યાં જ પેદા થતી હોય છે. સ્ટિકલ-બૅક માછલી વનસ્પતિમાંથી પારણું બાંધી તેમાં ઈંડાં મૂકી સંતાનોનું જતન કરે છે. બિલાડી પોતાનાં નવજાત બચ્ચાંને સુરક્ષિત રાખવા સ્થળ બદલ્યાં કરે છે. પોલીસતંત્રના ગુનાશોધક કૂતરા કેફી દ્રવ્યોને અને ગુનેગારોને પકડવા અનેક રીતે મદદરૂપ બને છે.
(9) વર્ગીકરણ : સમાન લક્ષણો ધરાવતાં પ્રાણીઓને એક જ સમૂહનાં ગણવામાં આવે છે; દાખલા તરીકે, કરોડસ્તંભ ધરાવતાં બધાં પ્રાણીઓ પૃષ્ઠવંશી તરીકે ઓળખાય છે; જ્યારે સ્તનગ્રંથિ (mammary gland) ધરાવતાં પૃષ્ઠવંશીઓને સસ્તન કહે છે. અંગૂઠો ધરાવતાં સસ્તનોને અંગુષ્ઠધારી (primate) સમૂહમાં મૂકવામાં આવે છે. અંગુષ્ઠધારીઓનું વિભાજન લૉરિસ, ચિમ્પાન્ઝી, ગોરીલા અને માનવમાં કરવામાં આવે છે. સમાન લક્ષણો ધરાવતાં પ્રાણીઓને સમાન સમૂહોમાં વર્ગીકૃત કરવા સંબંધી વિજ્ઞાનને વર્ગીકરણ કહે છે.
(10) સજૈવ (organic) ઉત્ક્રાંતિ : નિર્જીવ સૃષ્ટિમાંથી સજીવ સૃષ્ટિનું નિર્માણ અને જનીનિક અનુત્ક્રમણીય ફેરફારોને લીધે ઉદભવતી નવી જાતિનો ખ્યાલ આપતી કુદરતી પ્રક્રિયાને સજૈવ ઉત્ક્રાંતિ કહે છે. આશરે 250 કરોડ વર્ષો પૂર્વે સૌથી સાદા સ્વરૂપના સજીવો અસ્તિત્વમાં આવ્યા. સમય જતાં સજીવોનું વિભાજન વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિમાં થયું. શરૂઆતનાં પ્રાણીઓ એકકોષી હતાં. ક્રમશ: અપૃષ્ઠવંશી પ્રાણીઓ ઉપરાંત માછલી, ઉભયજીવી, સરીસૃપો, વિહંગો અને સસ્તનોનું નિર્માણ થયું. આમ જુદા જુદા સજીવોની ઉત્પત્તિ અને વિકાસનો ખ્યાલ ઉત્ક્રાંતિ નામની શાખાના અભ્યાસ દ્વારા મેળવી શકાય છે.
(11) અને (12) જનીનવિજ્ઞાન અને આનુવંશિકતા : સામાન્ય રીતે પ્રજનકોનાં લક્ષણો સંતાનોમાં ઊતરતાં હોય છે; દાખલા તરીકે, પશ્ચિમના દેશોના લોકોની ચામડી ગોરી હોય છે, જ્યારે હબસી કાળા (રંગના) હોય છે. શ્વેતવર્ણી વ્યક્તિ કાળા રંગની વ્યક્તિ સાથે પરણે તો સંતતિ શ્વેતવર્ણી, કૃષ્ણવર્ણી અથવા મિશ્રવર્ણી હોઈ શકે. આમ આવાં લક્ષણો માબાપને મળતાં હોય કે ન પણ હોય. વારસાગત લક્ષણોના સંચારણ માટે જનનકોષોમાં આવેલાં જનીનો કારણભૂત હોય છે. સંતાનોમાં માબાપનાં લક્ષણો કેટલે અંશે અને ક્યાં પરિબળોને અધીન ઊતરે છે તેનો અને કોઈ પણ સમાજમાં દેખાતાં ભિન્ન લક્ષણોનો ખ્યાલ આપતા વિજ્ઞાનને જનીનવિજ્ઞાન અને આનુવંશિકતા કહે છે.
ઉપર જણાવેલી પ્રાણીશાસ્ત્રની શાખાઓ સૈદ્ધાંતિક સ્તરે પ્રાણીઓનો પરિચય કરાવે છે. પ્રયુક્ત શાખાઓના અધ્યયન દ્વારા આર્થિક ઉપયોગિતા વિશે માહિતી મેળવી શકાય. કેટલીક અગત્યની પ્રયુક્ત શાખાઓની માહિતી આ પ્રમાણે છે.
(13) કીટકશાસ્ત્ર : પૃથ્વી પર વસતી 60 % જેટલી પ્રાણીસૃષ્ટિ માત્ર કીટકોની બનેલી છે. કીટકો વિવિધ અવસ્થામાંથી પસાર થઈને વિપરીત પરિબળોનો સામનો કરી પુખ્ત બને છે. અન્ય પ્રાણીઓની જેમ કીટકો પણ વિવિધ પ્રકારનો ખોરાક લેતા હોય છે. ખોરાક માટે અન્ય સજીવો પર આધાર રાખતા હોવાથી તે માનવહિત સાથે સંકળાયેલ કૃષિપાકો અને પાળેલાં જાનવરમાંથી ખોરાક મેળવી માનવને આર્થિક ર્દષ્ટિએ હાનિ પહોંચાડે છે. કીટકોને લીધે માનવી મલેરિયા, હાથીપગો, મરકી જેવા રોગોથી પીડાય છે. મચ્છર, ચાંચડ, માંકડ જેવા કીટકો માનવનું લોહી ચૂસે છે. જોકે ઘણા કીટકો આર્થિક ર્દષ્ટિએ અત્યંત ઉપયોગી પણ છે. રેશમ ફૂદું, મધમાખી વગેરે કીટકો રેશમ, મધ, મીણ વગેરેનું ઉત્પાદન કરે છે. પતંગિયાં અને અન્ય ઘણા કીટકો પરાગનયન દ્વારા વનસ્પતિઓમાં ફલીકરણને સહાયરૂપ નીવડે છે.
(14) અને (15) પશુરોગવિજ્ઞાન અને પશુપાલન : માનવીએ પાળેલાં ગાય, ભેંસ, ઘોડા જેવાં પ્રાણીઓનાં સંવર્ધન, પાલનપોષણ અને ચિકિત્સા જેવાં વિવિધ પાસાં સાથે સંકળાયેલ વિજ્ઞાન.
(16) કૃમિવિદ્યા : જાતજાતના કૃમિઓ માછલી, પક્ષીઓ અને સસ્તનોનાં શરીરમાં પરોપજીવી જીવન જીવતા હોય છે. જાતજાતના ચપટા અને ગોળ કૃમિઓ પ્રાણીઓનાં શરીરમાં વાસ કરે છે. કેટલીક વાર તે જીવલેણ પુરવાર થાય છે. વાળો, રજ્જુકૃમિ, આંકડીકૃમિ, પટ્ટીકૃમિ જેવા કૃમિઓ માનવશરીરમાં વાસ કરતા હોય છે.
(17) પરોપજીવી કીટકવિજ્ઞાન : મલેરિયાના જંતુ જેવા સૂક્ષ્મજીવોથી માંડીને કૃમિઓ જેવા મોટા જંતુઓ માનવશરીરમાં વાસ કરતા હોય છે. બૅક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવો માનવસહિત ઘણાં પ્રાણીઓમાં રોગ ઉપજાવે છે. આવા કીટકો દ્વારા ફેલાતા પરોપજીવી સજીવોને લગતા વિજ્ઞાનને પરોપજીવી કીટકવિજ્ઞાન કહે છે.
(18) કુક્કુટપાલનશાસ્ત્ર : મરઘીનાં ઈંડાં અને મરઘી/મરઘાનું માંસ માનવનો એક અગત્યનો આહાર છે. ઉપરાંત મરઘીનાં ઈંડાંમાંથી જાતજાતના પૌષ્ટિક ખોરાક બનાવાય છે. મરઘી-મરઘાનું પાલન અને ઈંડાંનું ઉત્પાદન, રોગનિદાન, ઉપચાર વગેરે મરઘાને લગતાં પાસાંનો સમાવેશ આ શાસ્ત્રમાં થાય છે.
(19) મત્સ્યોદ્યોગ : વધતી વસ્તીના ખોરાકની માગને પહોંચી વળવા દરિયાઈ ખોરાક અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. દરિયો અત્યંત વિશાળ છે અને માત્ર દરિયાઈ ખોરાક દ્વારા માનવી પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મેળવી શકે છે. ભારતમાં મત્સ્ય-સંવર્ધન, મચ્છીમારી, દરિયાઈ ખોરાકની સાચવણી અને નિકાસ મોટા પાયે થઈ રહ્યાં છે. મત્સ્યોદ્યોગ ભારતમાં અને દુનિયામાં સર્વત્ર મોટા પાયે વિકસી રહ્યો છે.
(20) આયુર્વિજ્ઞાન : માનવસ્વાસ્થ્ય સાથે સંકળાયેલ આ વિજ્ઞાનથી સૌ પરિચિત છે. શિશુચિકિત્સા, સ્ત્રીરોગવિજ્ઞાન, પેશીરોગવિજ્ઞાન, દંતવિજ્ઞાન, નેત્રચિકિત્સા, શલ્યશાસ્ત્ર, મનોવિકારવિજ્ઞાન જેવાં અનેક શાસ્ત્રો માનવને થતા રોગો, રોગનિદાન, ચિકિત્સા, સારવાર, રોગનિવારક ઉપાયો દ્વારા માનવસ્વાસ્થ્ય જાળવી રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે.
પ્રાણીશાસ્ત્રની અન્ય શાખાઓમાં પ્રજીવવિજ્ઞાન (protozoology), મત્સ્યવિજ્ઞાન (ichthyology), જીવાશ્મવિજ્ઞાન (paleontology), દુગ્ધવિજ્ઞાન (dairy science) જેવી અનેક શાખાઓનો સમાવેશ થાય છે.
રા. ય. ગુપ્તે