જીવનવ્યવસ્થા (1963) : કાકાસાહેબ કાલેલકરનાં નવજીવન દ્વારા પ્રકાશિત ધર્મવિષયક ગુજરાતી વ્યાખ્યાનો અને લેખોનો સંગ્રહ. સંગ્રહ (1) વિવિધ ધર્મો, (2) ધાર્મિક સુધારણા, (3) ધર્મગ્રંથોવિષયક, (4) રહસ્યનું ઉદઘાટન, (5) મંદિરો, (6) પ્રાસંગિક અને પ્રકીર્ણ – એમ છ ખંડોમાં વિભક્ત છે. ખંડોમાં અનુક્રમે 18, 14, 2, 33, 8 અને 19 – એમ કુલ 94 લખાણો છે. ધર્મચિંતન, ધર્મરહસ્ય, મંદિરો તેમજ ધર્મગ્રંથો વિશે લખાયેલા ગ્રંથનું ‘જીવનવ્યવસ્થા’ નામકરણ યથાર્થ છે. કાકાસાહેબે કહ્યું છે : ‘‘આ લેખસંગ્રહમાં મેં જે ચિંતન કર્યું છે તે આપણા ઋષિમુનિઓના અને સંતમહાત્માઓના સાહિત્યના ભક્તિનમ્ર પણ સ્વતંત્ર અધ્યયનમાંથી જ ઉત્પન્ન થયું છે.’’
ધર્મ એટલે જીવનમીમાંસા, જીવનવ્યવસ્થા, જીવનર્દષ્ટિ; ધર્મ એટલે સંસ્કૃતિ, વ્યાપક સમાજશાસ્ત્ર એવી કાકાસાહેબની માન્યતાનું અહીં પ્રતિપાદન થયું છે. એમની વિચારણા વેદ, ઉપનિષદ, ગીતા, સંતો તથા ગાંધી વિચારધારાથી પુષ્ટ થયેલી વરતાય છે. તેઓ ધર્મને વ્યવહારમાં આચરવાની વસ્તુ લેખે છે. ધર્મ નીતિનો પોષક હોઈ સમાજને ઉપકારક ગણે છે. હૃદયવિકાસ સાધે અને વિશ્વ સાથે આંતરસંવાદ સર્જે તે સાચો ધર્મ.
‘વિવિધ ધર્મો’ના ખંડમાં કાકાસાહેબ આર્યધર્મની સિદ્ધિ અને પરિવર્તનશીલતા પર ભાર મૂકી જૈન અને બૌદ્ધ ધર્મની તેમજ પ્રાર્થનાસમાજ અને આર્યસમાજ જેવી ધાર્મિક સંસ્થાઓની વિચાર-પરંપરા ને આદિ ધર્મને ગુણગ્રાહી ર્દષ્ટિથી જુએ છે. ‘ધર્મસુધારણા’ના ખંડમાં તેમણે ધર્મ અને રિવાજની યુગાનુસાર પરિવર્તનની આવશ્યયકતા સ્વીકારી ધર્મના શુદ્ધ સ્વરૂપને જાળવવાનો અનુરોધ કર્યો છે તથા પ્રેમ અને આત્મીયતાના પાયામાં ધર્મની સર્વોપરીતા સમજાવી છે. ‘ધર્મગ્રંથોવિષયક’ ખંડમાં કાકાસાહેબે ‘મહાભારત’ ગ્રંથની આર્યભવ્યતાનો નિર્દેશ કરી, ‘રામાયણ’ સાથે તુલના કરી કૃષ્ણ, વ્યાસ, ભીષ્મ – એ મંગલમૂર્તિમાંથી ભીષ્મની પરમ ભાગવત તરીકે પ્રતિષ્ઠા કરી છે. ‘રહસ્યનું ઉદઘાટન’ ખંડમાં પ્રસ્થાનત્રયી તેમજ ભારતીય શાસ્ત્રોની લાક્ષણિકતા વિશે નિરૂપણ કરી જીવ, આત્મા, ઈશ્વર, નાસ્તિકતા, અંધભક્તિ, વહેમ અને શ્રદ્ધા જેવા વિષયોને બુદ્ધિપૂત ર્દષ્ટિએ તપાસ્યા છે. સમગ્ર વિચારણામાં એમનું ર્દષ્ટિબિંદુ સમન્વયનું છે.
‘મંદિરો’ ખંડમાં કાકાસાહેબે મંદિરોનું પ્રાચીન અને અર્વાચીન કાળમાં મહત્વ દર્શાવ્યું છે. મૂર્તિપૂજા, કર્મકાંડ, ભક્તિ આદિ વિશે સંતર્પક મંતવ્યો આપી મંદિરોને ધાર્મિક અને સામાજિક સેવાનાં કેન્દ્રો ગણવાનો આદર્શ દર્શાવ્યો છે. ‘પ્રાસંગિક અને પ્રકીર્ણ’ ખંડમાં ધર્મને આનુષંગિક એવા જીવનવ્યવહારના પ્રશ્નોને પ્રેમ, આત્મીયતા અને નીતિના આધારે મૂલવ્યા છે.
આ ગ્રંથમાં કાકાસાહેબ માનવસંસ્કૃતિના સમર્થ વિચારક રહ્યા છે, જોકે વિચારોનું ક્યાંક ક્યાંક પુનરાવર્તન થયું છે. કાકાસાહેબ ગુજરાતી સાહિત્યના એક સમર્થ નિબંધકાર અને ગદ્યકાર તરીકે અહીં ઊપસે છે. તેમનું ગદ્ય વિષયને અનુરૂપ સૌંદર્યનિષ્ઠ, નિર્મળ, ક્યાંક અલંકારોથી વિભૂષિત, વાગ્વૈભવી છતાં સરળ, લક્ષ્યગામી, સ્પર્શક્ષમ, કલ્પનાશીલ અને કવિતાની કોટિનું છે.
મનોજ દરુ