જીવનવીમો : મોટા કે અણધાર્યા ખર્ચની આકસ્મિકતા સામેના પ્રબંધ રૂપે વ્યક્તિના જીવન સામે નિયત મુદતે નિશ્ચિત રકમ મળી રહે તેવી યોજના. ચોક્કસ મુદત પૂરી થતાં વીમાદાર જીવિત હોય તો તેને, અને મુદત પૂરી થતાં અગાઉ અચાનક મૃત્યુ પામે તો તેની પાછળ નીમેલી વ્યક્તિને વીમાની રકમ મળે તેવો વીમાદાર અને વીમા-કંપની વચ્ચેનો કરાર (જેના લખાણને પૉલિસી કહે છે) અત્યંત મહત્વનો તથા શુભનિષ્ઠા અને શુદ્ધ વિશ્ર્વાસ પર આધારિત છે. નફા સહિતની પૉલિસી ઉપર વીમાની મુદત દરમિયાન, વીમા-કંપનીએ સમયે સમયે જાહેર કરેલ બોનસની રકમ પણ તેને મળે છે. વ્યક્તિ પોતાના કે સ્વજનના, પોતાના અથવા સગીર બાળકોના જીવનનો વીમો ઉતરાવી શકે છે.

સૌપહેલાં, વીમા-કંપનીએ મુકરર કરેલું પ્રસ્તાવપત્રક ભરવાનું હોય છે, એટલે કે વીમા-કંપનીને વીમા માટે પ્રસ્તાવ કરવાનો હોય છે. પત્રકમાં, વ્યક્તિએ પોતાના જીવન વિશે વય આદિ માગેલી વિગતો, સ્પષ્ટ અને સાચી દર્શાવવાની હોય છે. આ વિગતોને આધારે જ વીમા-કંપની જોખમ સ્વીકારે છે. આથી પ્રસ્તાવ કરનારે પ્રસ્તાવ તથા અંગત અહેવાલના પ્રશ્નોના સાચા જવાબો આપવા જોઈએ. આમ કરવામાં તેની ચૂક થાય અથવા વીમા-કંપનીને પાછળથી ખબર પડે કે છુપાવેલી માહિતી વીમો ઉતારતી વખતે ધ્યાનમાં લેવા જેવી મહત્વની હતી તો વીમા-કંપની વીમા પૉલિસી રદ કરી શકે છે, ભરેલાં પ્રીમિયમ જપ્ત કરી શકે છે અને તે પૉલિસી પર માગણી (claim) થાય તો તે પણ નકારી શકે છે. પત્રક મળ્યેથી વીમા-કંપની વિગતોની ચકાસણી કરી, જરૂર જણાય તો ડૉક્ટરનો અહેવાલ મેળવી, પહેલું પ્રીમિયમ ભરવાનું જણાવે છે, જે ભર્યેથી વીમાનો કરાર અસ્તિત્વમાં આવે છે. આ કરાર શરૂ કરતી વખતે વીમાદારની પસંદગી પ્રમાણે વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક કે માસિક હપતામાં પ્રીમિયમની રકમ ભરવાની સગવડ મળે છે. આ પ્રીમિયમની રકમ ભરવા માટે પણ વીમા-કંપની ધારાધોરણ અનુસાર અમુક સમયની છૂટ આપે છે.

ભારતમાં જીવનવીમાની શરૂઆત એક સૈકા ઉપરાંતથી થઈ હોવા છતાં, દેશમાં તેની વિશિષ્ટતા તથા ઉપયોગિતાની સમજનો જોઈએ  તેટલા પ્રમાણમાં પ્રચાર થયો નથી. જોકે 1956માં જીવનવીમાના રાષ્ટ્રીયકરણ પછી એ નિગમ દ્વારા જીવનવીમાને વધુ લોકોપયોગી બનાવવા પ્રયત્નો થયા છે તથા સમાજકલ્યાણના હેતુઓને લક્ષમાં રાખી, અનેક પ્રકારની વિવિધ પૉલિસીઓ અવારનવાર બહાર પાડવામાં આવતી જાય છે; દા.ત., જીવનસાથી, જીવનમિત્ર, જીવનસરિતા, જીવનછાયા વગેરે, જેથી વીમાદારના જીવનમાં આવતા મોટા ખર્ચાના વિવિધ પ્રસંગો વખતે જોઈતાં નાણાં મળી રહે. આમ, જીવનવીમો વ્યક્તિના જીવનની ઓચિંતી છતાં નિશ્ચિત ઘટના રૂપે મૃત્યુથી ઉદભવતી કૌટુંબિક આર્થિક સમસ્યા સામે રક્ષણ અર્પે છે તથા હપતે હપતે પ્રીમિયમ ભરવાની સગવડ દ્વારા બચતની ભાવનાને પણ પોષે છે. બીજી બચત યોજનામાં વ્યક્તિના અવસાન બાદ ફક્ત ભેગી થયેલી રકમ પરત મળે છે. તે જોતાં જીવનવીમો એ શ્રેષ્ઠ બચત યોજના લેખાય, કારણ કે આ યોજનામાં ફરજિયાત બચત કરવાનું  પ્રોત્સાહન મળવા ઉપરાંત વીમા-કંપની જોખમ પણ લે છે અને વીમાની મુદત પૂરી થતાં અગાઉ અવસાન થયું હોય છતાં વીમાની પૉલિસીમાં દર્શાવેલી પૂરેપૂરી રકમ ચૂકવી આપે છે. જીવનવીમાના અન્ય કાયદામાં કરકસરની ટેવ, જરૂર પડ્યે કરજ (loan) તરીકે નાણાં મેળવવાની સુવિધા, આર્થિક સંકટમાં પૉલિસીનું શરણમૂલ્ય (surrender value) મેળવવાની સુવિધા, તેમજ આવકવેરામાં રાહત મહત્વનાં છે. આમ જીવનવીમો એ દુનિયાના તમામ દેશોએ સ્વીકારેલ એક એવી સંસ્થા છે, જે મરણથી પરિણમતી અસહાયતાને ઓછી કરે છે તથા અનિશ્ચિતતાને નિશ્ચિતતામાં બદલે છે. કુટુંબનું ભરણપોષણ કરતી વ્યક્તિના અકાળ અવસાન સમયે, કુટુંબ માટે સર્જાતી કારમી પરિસ્થિતિમાં સમયસર સહાયરૂપ બનતી સંસ્થા છે. જીવનવીમો અચાનક છતાં નિશ્ચિત મૃત્યુને કારણે ઉદભવતી સમસ્યાઓનો આધુનિક સમયનો આંશિક ઉકેલ છે.

ભારતમાં જીવનવીમા-ઉદ્યોગનો આરંભ ઈ. સ. 1818માં યુરોપિયનોએ સ્થાપિત કરેલી ધી ઑરિયેન્ટ લાઇફ ઇન્સ્યૉરન્સ કંપનીથી થયો હતો. પ્રથમ ભારતીય જીવનવીમા-કંપની બૉમ્બે લાઇફ ઇન્સ્યૉરન્સ કંપનીની શરૂઆત ઈ. સ. 1870માં સામાન્ય દરે ભારતીયોના જીવનવીમા ઉતારવા માટે થઈ હતી તે જ વર્ષમાં બ્રિટિશ સરકારે ભારતમાં પ્રથમ વાર વીમાનો કાયદો ઘડ્યો હતો. તેના ચાર વર્ષ બાદ એટલે કે ઈ. સ. 1874માં શ્રી ફિરોઝશાહ મહેતાએ ઑરિયેન્ટલ ગવર્નમેન્ટ સિક્યૉરિટી લાઇફ ઇન્સ્યૉરન્સ કંપનીની સ્થાપના કરી હતી. ત્યારબાદ ભારતમાં સંખ્યાબંધ  વિદેશી તેમજ દેશી વીમા-કંપનીઓ અસ્તિત્વમાં આવી હતી.

ઈ. સ. 1912માં વીમાઉદ્યોગને નિયમબદ્ધ અને વ્યવસ્થિત કરવા માટે પ્રથમ ભારતીય વીમા-કાયદો પસાર કરવામાં આવ્યો હતો, જે બ્રિટનના વીમા-કાયદા પર આધારિત હતો. આજે પણ ભારતમાં મહદ્અંશે આ નિયમો જ ચાલે છે; પરંતુ એક નિયમ તેમાં અપવાદ છે. વીમા-કાયદાની કલમ 64 V B નીચે ઠરાવવામાં આવ્યું છે કે વીમાનું પ્રીમિયમ અગાઉથી મળે અથવા તો તેની ચુકવણીની બાંયધરી અગાઉથી મળે અથવા તો નિયમાનુસાર રકમ જમા કરવામાં આવે પછી જ વીમો વીમા લેનારની જવાબદારી બની રહે છે. આ જવાબદારી પ્રીમિયમની ચુકવણીની તારીખથી જ ગણવામાં આવે છે. આ શરત ફક્ત ભારતના વીમા-ઉદ્યોગ પૂરતી સીમિત છે. વિશ્વના મહત્તમ દેશોમાં તે અમલમાં નથી.

જાન્યુઆરી, 1956માં કેન્દ્ર સરકારે ભારતના જીવનવીમા-ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ કરીને મહત્વનું પગલું ભર્યું હતું. તે દિવસે 154 ભારતીય, 16 બિનભારતીય અને 75 પ્રૉવિડન્ટ સોસાયટીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. તેનો મુખ્ય હેતુ બચત કરવાનાં માધ્યમોને વિસ્તૃત કરી રાષ્ટ્રીય યોજનાઓ માટે નાણાં એકત્ર કરવાનો હતો. તેનાં બીજાં કારણોમાં કેટલીક વીમા-કંપનીઓ ફડચામાં ગઈ હતી તે અને કેટલીક કંપનીઓના અનૈતિક વ્યવહારને ગણાવી શકાય.

જીવનવીમા નિગમ એક જાહેર સંસ્થા છે. તેનો વહીવટ 15 સભ્યોની સમિતિ કરે છે. તેની ભારત તેમજ વિદેશમાં આશરે 2500થી વધુ શાખાઓ કાર્યરત છે. ઈ. સ. 2010ના વર્ષને અંતે નિગમે આશરે રૂ. 1.86 લાખ કરોડનું પ્રીમિયમ એકત્ર કર્યું હતું.

જૂન 1998માં ભારત સરકારે જીવનવીમા અને સામાન્ય વીમા ઉદ્યોગનો ખાનગી કંપનીઓને માટે ખુલ્લો મૂકવાનો નિર્ણય લીધો તે પહેલાં ભારતીય જીવનવીમા નિગમે મેળવેલ કેટલીક સિદ્ધિઓની માહિતી નીચેની સારણીઓમાં પ્રસ્તુત કરી છે :

સારણી 1

ભારતીય જીવનવીમા નિગમનો વિકાસ

વર્ષ પૉલિસીની સંખ્યા

કુલ (લાખમાં)

(લાખમાં)

ગ્રામ્ય પ્રદેશમાં

પ્રીમિયમ

રૂ. (કરોડમાં)

1957 9.32 1.02 88.65
1969-70 13.97 4.61 260.42
1979-80 20.96 5.91 875.37
1989-90 73.93 30.48 4489.39
1997-98 133.31 68.40 19,252.07
2007-08 376.12 NA 1,49,390

સારણી 2

ભારતીય જીવનવીમા નિગમ વીમાની ચુકવણી

                                                                        (રૂ. કરોડમાં)

વર્ષ મૃત્યુ પૉલિસી પાકતાં કુલ
1975-76 37.65 128.20 185.65
1980-81 64.62 230.88 295.50
1985-86 125.71 603.09 728.80
1990-91 312.47 1438.42 1750.89
1995-96 797.95 3734.27 4532.22
1998-99 1378.76 6237.42 7615.78
2009-10 7031.62 46917.93 53.949.55

વિશ્વના બીજા દેશોની સરખામણીમાં ભારતીય જીવનવીમા નિગમનો વિકાસ, નફો, નાણાકીય સધ્ધરતા, તકનીકી અદ્યતનીકરણ પુનર્વીમા-આયોજન (reinsurance) વગેરે ક્ષેત્રોમાં સન્માનજનક રહ્યું છે. આમ છતાં જીવનવીમા-ઉદ્યોગ દેશની 24 ટકા વીમાલાયક વસ્તીને જ આવરી લેવામાં સફળ થયો છે. તેનું જીવનવીમા અને સામાન્ય વીમાનું પ્રીમિયમ G-7 દેશોના સામાન્ય ઘરગથ્થુ ઉત્પાદન (GDP)ના 9.2 ટકાની સરખામણીમાં ફક્ત 2 ટકા જેટલું છે : વિવિધ દેશોમાં વીમા દ્વારા વસ્તીના આવરણની માહિતી નીચેની સારણીમાં  પ્રસ્તુત કરવામાં આવી
છે :

સારણી 3

જીવનવીમો અને સામાન્ય વીમો : વસ્તીનું આવરણ

1 અમેરિકા 70 %
2 ઇંગ્લૅન્ડ 65 %
3 સિંગાપુર 62 %
4 મલેશિયા 30 %
5 ભારત 24 %

વૈશ્વિકીકરણના આ યુગમાં વિવિધ દેશોના સહયોગ અને સહકાર  વિના પ્રગતિ હાંસલ કરવી મુશ્કેલ બની રહે છે. કોઈ પણ દેશ માટે ઇજારાશાહી હેઠળ લાંબાગાળાની પ્રગતિ સાધવી લગભગ અશક્ય બની રહે છે. રશિયા અને ચીન તેના દાખલા છે. વળી વીમાનો મૂળભૂત સિદ્ધાંત જોખમને શક્ય તેટલા વધુ એકમો વચ્ચે વહેંચવાનો હોય છે. પછી તે એકમ (policy) મોટી રકમનું હોય કે નાની. આ જ સિદ્ધાંતને અનુસરીને ભારત સરકારે વીમા-ઉદ્યોગમાં ખાનગી ક્ષેત્રને આવકારી ઉદ્યોગનું શક્ય તેટલું વિસ્તૃતીકરણ કરવાની નીતિ અપનાવી છે : તે અનુસાર જૂન, 1998માં ભારત સરકારે જીવનવીમા અને સામાન્ય વીમા-ઉદ્યોગને ખાનગી ક્ષેત્રની કંપનીઓ માટે ખુલ્લો મૂક્યો હતો. ઑગસ્ટ, 1998માં વીમા-ઉદ્યોગ પર દેખરેખ રાખવા માટે ફરિયાદ-અધિકારી (Ombudsman)ની નિમણૂક કરવામાં આવી હતી જ્યારે ડિસેમ્બર, 1999માં વીમા-ઉદ્યોગનું નિયંત્રણ કરવા માટે ભારતીય વીમાનિયંત્રણ અધિકાર(Insurance Regulatory Authority of India – IRAI)ની સ્થાપનાને લોકસભાએ બહાલી આપી હતી.

આ ઉદારીકરણની નીતિને પરિણામે વિદેશી વીમા-કંપનીઓને ભારતીય વીમા-ઉદ્યોગમાં પ્રવેશ કરવાનો અવકાશ મળ્યો હતો. તેઓ ભારતના આશરે 75 ટકા વણખેડાયેલ બહોળા બજારનો લાભ લેવા માટે આવશ્યક મૂડીરોકાણ અને અવનવી વીમાયોજનાઓ સાથે ભારતની પ્રજાની વીમાક્ષેત્રની સેવાની અપેક્ષાઓ સંતોષવા તત્પર હતા. છેલ્લા દશકામાં 20 જેટલી વિદેશી કંપનીઓએ ભારતીય કંપનીઓ સાથે સહયોગ કરી ભારતના વીમાક્ષેત્રમાં પગરણ માંડ્યાં છે. તેમાં એચ.ડી.એફ.સી. સ્ટેન્ડર્ડ લાઇફ ઇન્સ્યૉરન્સ, મૅક્સ ન્યૂયૉર્ક, આઇ.સી.આઇ.સી.આઇ. પ્રુડન્શિયલ, ટાટા-ઓ.આઇ.જી. મેટલાઇફ ઇન્સ્યૉરન્સ એલિયેન્ઝ બજાજ વગેરે જીવનવીમા તેમજ સામાન્ય વીમાક્ષેત્રે કાર્યરત છે.

ભારતમાં જીવનવીમા ક્ષેત્રે ઈ. સ. 2008ના અંતે ભારતીય જીવનવીમા નિગમની 2522 અને ખાનગી કંપનીઓની 6391 શાખાઓ મળીને કુલ 8913 શાખાઓ કાર્યરત હતી. તેમાં જીવનવીમા નિગમની 3.76 કરોડ અને ખાનગી કંપનીઓની 1.32 કરોડ પૉલિસીઓ મળીને કુલ 5.08 કરોડ પૉલિસીઓ ઉતારવામાં આવી હતી જ્યારે જીવનવીમા નિગમે રૂ. 1.49 લાખ કરોડ (74 ટકા) અને ખાનગી વીમા-કંપનીઓએ 3.51 હજાર કરોડ મળીને કુલ રૂ. 2.01 લાખ કરોડનું પ્રીમિયમ મેળવ્યું હતું.

ગુજરાત રાજ્યમાં ભારતીય વીમા નિગમની 142 શાખાઓ છે. ઈ. સ. 2008-09ના વર્ષ દરમિયાન નિગમે ગુજરાતમાં 18.63 લાખ વીમા-પૉલિસીઓ ઉતારી હતી અને આશરે રૂ. 29.881 કરોડનું પ્રીમિયમ મેળવ્યું હતું.

ભારતના આર્થિક વિકાસ તેમજ વિદેશી કંપનીઓના વીમાક્ષેત્રે બહોળા અનુભવને પરિણામે ભારતીય વીમા-ઉદ્યોગ ગણનાપાત્ર પ્રગતિ સાધી શકશે તે માટે કોઈ શંકા નથી.

ઈન્દુભાઈ દોશી

સંદીપ ભટ્ટ

જિગીશ દેરાસરી