જીવનનો આનંદ (1936) : કાકા કાલેલકર (દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર 1885–1952)ના કુદરત અને કલાવિષયક લેખોનો સંગ્રહ. કુદરત અને કલા વિશેની કાકાસાહેબની સૂક્ષ્મ ર્દષ્ટિનો તથા એમની સર્જકપ્રતિભાનો આહલાદક પરિચય આ સંગ્રહમાં થાય છે.
નાનપણથી જ એમને પ્રકૃતિ જોડે ઘેરો આત્મીયભાવ જાગેલો. પ્રકૃતિને એમણે જડ નહિ, પણ ચૈતન્યસભર માની છે. નદી, સાગર, સરોવર, અંધારી રાત, વાદળાં, વૃક્ષો, ફૂલો, પક્ષી, તારા – એ બધાંની સુંદરતાનું એ દર્શન કરાવે છે. અંધારી રાતનું એમને વિશેષ આકર્ષણ છે, કારણ કે એ રાતમાં આકાશના વૈભવને પ્રત્યક્ષ કરવાનો લહાવો મળે છે. તારાઓને એ દેવોનું કાવ્ય કહી બિરદાવે છે અને તારાના પરિચયને સંસ્કારિતાનું લક્ષણ માને છે. વળી, પ્રકૃતિપ્રેમીઓને અત્યાર સુધી ન આકર્ષેલાં તત્વોની ભીતરી સુંદરતા દર્શાવે છે.
એમના કળા વિશેના લેખોમાં ચિત્રકલા, સ્થાપત્યકલા, સંગીત ઇત્યાદિ કલાનો પરિચય આપીને, કલાવિષયક વિવિધ મંતવ્યોને તપાસીને કલા અને જીવનનો અતૂટ સંબંધ તે દર્શાવે છે.
આ રીતે ‘જીવનનો આનંદ’ પ્રકૃતિ અને કલાવિષયક ચિંતનથી સમૃદ્ધ છે. પ્રકૃતિ અને કલા એ બે તત્વો જીવનનો સાચો આનંદ પૂરો પાડે છે, એ રીતે કૃતિનું શીર્ષક સાર્થક છે.
ચન્દ્રકાન્ત મહેતા