જીવનનું પરોઢ (1948) : પ્રભુદાસ ગાંધીનું આત્મકથાનક. 4 ભાગ અને ડેમી કદનાં 644 પૃષ્ઠમાં વિસ્તરેલું આ પુસ્તક માત્ર સાહિત્યિક ર્દષ્ટિએ જ નહિ, શૈક્ષણિક તેમજ સામાજિક ર્દષ્ટિએ પણ અપૂર્વ કહી શકાય તેવું છે. લેખકે પોતાના દોષોને છુપાવવાનો પ્રયાસ કર્યો નથી, ઊલટાનું પોતાના એકેએક દોષનું બયાન કર્યું છે. અન્ય લોકો વિશે પણ એમણે નિર્ભીકતાથી સત્યકથન કર્યું છે. એમ કરવામાં એમણે કલાયુક્ત સંયમ દાખવ્યો છે.

ગાંધીજીના વ્યક્તિત્વના અનેકવિધ કોમલ-ભવ્ય અંશો આ પુસ્તકમાં સાધાર પ્રગટ થાય છે. સમગ્ર પુસ્તકમાં પ્રભુદાસના મનમાં રહેલી બાપુભક્તિ તેમજ મગનલાલભાઈ ગાંધી પ્રત્યેનો એમનો આદર સ્પષ્ટ થાય છે. ગાંધીજીના હનુમાન એવા મગનભાઈના જીવનનો યથાર્થ ચિતાર તથા ગાંધીકુટુંબનો જરૂરી ઇતિહાસ આ પુસ્તકમાં સુપેરે મળે છે અને એ રીતે ગાંધીજીની આત્મકથાને પૂરક માહિતી મળે છે.

ગુજરાતી ગદ્યનો પણ સમર્થ વિનિયોગ પુસ્તકમાં થયો છે. સ્થળવિશેષનાં વર્ણનો અને કુદરત સાથે ઘાસપાન, ફળફૂલ, પક્ષીઓ અને વાદળાં સાથે તદાકાર થવાનો આનંદ જ્યારે લેખક વર્ણવે છે ત્યારે એમની કલમનું સામર્થ્ય પ્રગટ થાય છે. મનોવિશ્લેષણમાં પણ તેમને પ્રશસ્ય સફળતા સાંપડી છે.

પ્રસાદ બ્રહ્મભટ્ટ