જીવનપલટો (1948) : વેન્ગાર્ડ પિક્ચર્સનું પ્રથમ ગુજરાતી ચિત્રપટ. નિર્માણ : જયંતીલાલ સંઘવી, દિગ્દર્શન : હીરાલાલ ડૉક્ટર તથા અમૃતલાલ ઠાકર, કથાનક : હીરાલાલ ડૉક્ટર તથા જયંતીલાલ સંઘવી, પટકથા : હીરાલાલ ડૉક્ટર, સંગીત : અવિનાશ વ્યાસ, ગીતકાર : અવિનાશ વ્યાસ, રઘુનાથ બ્રહ્મભટ્ટ, પં. સ્વરૂપ વ્યાસ, પં. બાલમ. પ્રમુખ કલાકારો : નિરૂપા રૉય, હસમુખકુમાર, કલ્પનાકુમારી, કેસરબાઈ.

ચિત્રનું કથાનક ગાંધીયુગી આદર્શો અને પતિતોદ્ધારની ભાવના પર રચાયેલું છે. ચિત્રમાં ‘ગરબો ઘૂમતો રે આવ્યો, આઝાદીને આંગણે’ જેવો આઝાદીપ્રાપ્તિના આનંદને વ્યક્ત કરતો ગરબો મૂકવામાં આવ્યો છે. મૂળ નાટક માટે લખાયેલું પરંતુ આ ચિત્રમાં મુકાયેલું રઘુનાથ બ્રહ્મભટ્ટનું ગીત ‘રસજ્યોત હતી તારા નયનમાં, મારાં નયનોમાં આવી સમાઈ ગઈ’ ખૂબ જાણીતું બન્યું. અવિનાશ વ્યાસનું રચેલું ‘મારા ખીલ્યા રે સુમન કેરી પાંખડી, આજ સાસરિયે જાય મારી રાંકડી’ કન્યા-વિદાયનું ગીત સુંદર છે. મહાત્મા ગાંધીના જીવનને વર્ણવતાં ‘રાષ્ટ્રીય કૂચગીત ‘અય હિન્દ તેરી શાનકા ચમકા હૈ સિતારા’ એ જમાનાનું મશહૂર ગીત નીવડ્યું.

હરીશ રઘુવંશી