જીવનધોરણ : સમગ્ર પ્રજા કે કોઈ એક વર્ગના જીવનવ્યવહારના આર્થિક સ્તરની કક્ષા. સામાન્ય રીતે આવક અને સંપત્તિની વહેંચણી ધ્યાનમાં લઈને સમાજને ત્રણ મુખ્ય આર્થિક વર્ગોમાં વહેંચવામાં આવે છે : (1) ગરીબ અથવા નીચલો વર્ગ, (2) મધ્યમવર્ગ, (3) તવંગર અથવા ધનિક વર્ગ. જે વર્ગના લોકો જીવનની લઘુતમ સપાટીએ અથવા તેનાથી પણ નીચલી સપાટીએ જીવતા હોય છે, જે વર્ગના લોકો જીવનની પ્રાથમિક જરૂરિયાતો પૂરતી જ આવક મેળવી શકતા હોય છે, જે વર્ગના લોકો પાસે કોઈ સંપત્તિ કે અસ્કામતો સંચિત થયેલી હોતી નથી તે લોકોને ગરીબ વર્ગમાં ગણવામાં આવે છે અને તેથી અન્ય બે વર્ગો કરતાં તેમનું જીવનધોરણ નીચું હોય છે. વિશ્વના અલ્પવિકસિત અને વિકાસશીલ દેશોની કુલ વસ્તીમાં આ વર્ગના લોકોનું પ્રમાણ વિશેષ હોય છે. આ વર્ગના લોકો મોટા ભાગે શારીરિક શ્રમ કરીને આજીવિકા મેળવતા હોય છે.

પરંતુ જે વર્ગના લોકો પ્રાથમિક જરૂરિયાતો ઉપરાંત અમુક અંશે કેટલીક સુખસગવડો (comforts) મેળવવાની ક્ષમતા ધરાવતા હોય છે તેમને સામાન્ય રીતે મધ્યમવર્ગ તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ગમાં માનસિક શ્રમ દ્વારા આજીવિકા મેળવતા શિક્ષકો; સરકારી કે જાહેર ક્ષેત્રના બુદ્ધિજીવી કર્મચારીઓ; ઉદ્યોગ, વ્યાપાર, બૅંકિંગ, વીમો, વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર જેવાં ક્ષેત્રો (tertiary sector) સાથે સંકળાયેલા કર્મચારીઓ વગેરે આવે. તેમનો જીવનસ્તર ઊંચો હોય છે. આ વર્ગ મર્યાદિત પ્રમાણમાં મકાન જેવી સંપત્તિ પણ ધરાવતો હોય છે.

ત્રીજા એટલે કે ધનિક વર્ગમાં ઊંચી આવક મેળવવાની તથા સંપત્તિનો સંચય કરવાની ક્ષમતા ધરાવતા લોકોનો સમાવેશ કરવામાં આવે છે. આ વર્ગમાં વ્યાપારીઓ, મોટા ઉદ્યોગપતિઓ, જુદા જુદા  વ્યવસાયમાં ઊંચા હોદ્દા ધરાવતા અધિકારીઓ, ધનિક ખેડૂતો, નિષ્ણાત ડૉક્ટરો, વ્યાવસાયિક સફળતા પ્રાપ્ત કરી ચૂકેલા વકીલો, પરામર્શકો (consultants), વ્યવસ્થાપકો, એન્જિનિયરો, બાંધકામ વ્યવસાયીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો, રાજકીય અગ્રણીઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ વર્ગના લોકો પ્રાથમિક જરૂરિયાતો અને સુખસગવડો ઉપરાંત મોજશોખની વસ્તુઓ ઉપરાંત નવી નવી ફૅશન અપનાવવાની ક્ષમતા પણ ધરાવતા હોય છે. તેમના જીવનધોરણની સપાટી ખૂબ ઊંચી હોય છે. દેશની મોટા ભાગની સંપત્તિ આ વર્ગના હાથમાં કેન્દ્રિત થયેલી હોય છે.

આવક અને સંપત્તિ ઉપરાંત વસ્તુઓ અને સેવાઓ પ્રાપ્ત કરવાની સુલભતા, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની સપાટી, આર્થિક વિકાસનો વૃદ્ધિદર, સર્વસામાન્ય ભાવસપાટી, રાજ્યની આર્થિક અને રાજકોષીય નીતિ, રાષ્ટ્રીય આવકની વહેંચણીનું સ્વરૂપ, પ્રજાની આર્થિક આકાંક્ષાઓ, સામાજિક માળખું અને રાજકીય સ્થિરતા જેવાં અનેક પરિબળો જીવનધોરણની સપાટી પર અસર કરતાં હોય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે