જીઓડ : ગોળાકાર કે અનિયમિત, આંતરપોલાણધારક પાષાણ, જેની અંદરની દીવાલો નાના, અણીદાર કે દ્રાક્ષનાં ઝૂમખાં જેવા સ્ફટિકગુચ્છથી બનેલા આવરણથી જડાયેલી હોય. આવા પોલાણધારક પાષાણ મોટે ભાગે ચૂનાખડકના સ્તરોમાં વધુ પ્રમાણમાં અને ક્વચિત્ કેટલાક શેલ ખડકોમાં પણ જોવા મળે છે. તેમનું બાહ્યપડ ઘનિષ્ઠ કૅલ્શિડોની સિલિકાનું અને આંતરપડ ક્વાર્ટ્ઝ સ્ફટિકોનું બનેલું હોય છે. ક્વાર્ટ્ઝ સ્ફટિકો સુંદર દેખાવવાળા અને પોલાણના કેન્દ્રતરફી અણીવાળા હોય છે. કેટલાંક પોલાણ જળથી ભરાયેલાં, તો કેટલાંક ઘસારાથી થયેલી વિવૃતિને કારણે શુષ્ક હોય છે. કેટલાંક પોલાણો કૅલ્સાઇટ કે ડૉલોમાઇટના સ્ફટિકોવાળાં તો કેટલાંક સિલિકા અને કૅલ્સાઇટનાં વારાફરતી ગોઠવાયેલાં પડોવાળાં પણ હોય છે. તેમ છતાં, સામાન્ય રીતે કહી શકાય કે મોટા ભાગનાં પોલાણ પટ્ટીરચનાવાળાં હોઈ તેમનું માળખું ક્રમિક પ્રક્ષેપણ ક્રિયાથી બનેલું હોવાનું સૂચવવામાં આવેલું છે.

જીઓડની રચના કે ઉત્પત્તિનો વિચાર કરતાં જણાય છે કે પાષાણમાં પોલાણનું અસ્તિત્વ હોવું એ મૂળભૂત જરૂરિયાત છે. એ સંદર્ભમાં જોતાં જીવાવશેષ કવચનાં પોલાણો પણ આવાં માળખાં તૈયાર કરી શકે, જે ક્યારેક જોવા મળેલાં છે. પોલાણોના બાહ્ય પડનો વિકાસ પ્રક્ષેપિત દ્રવ્યના વિસ્તરણથી થતો જતો હોય છે, જેમાં કૅલ્શિડોની સિલિકા, મૂળભૂત, સિલિકા જેલને સમકક્ષ હોઈ, સખત થતું જાય છે અને આમ માળખું બંધાય છે. સિલિકા જેલની અંદર ભરાયેલા મૂળભૂત દરિયાઈ જળના પરાસરણી (osmotic) દાબથી અને જેલની બહારના ભાગ ઉપર સ્વચ્છ જળના દાબથી વિસ્તરણ થતું જાય છે અને એ રીતે પોલાણ ઉદભવતું જાય છે. પોલાણના અંતર્ગત ભાગમાં અંદર તરફી અણીવાળા ક્વાટર્ઝ સ્ફટિકોનું પછીથી પ્રાપ્ત થતા ભૂગર્ભજળમાંથી પ્રક્ષેપણ થઈ પુરવણી થાય છે અને એ રીતે પોલાણવાળા પાષાણ અસ્તિત્વમાં આવે છે.

ગિરીશભાઈ પંડ્યા