જી. તિલકવતી (જ. 1951, ધર્મપુરી, તમિળનાડુ) : તમિળ નવલકથાકાર, વાર્તાકાર અને અનુવાદક. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘કલમરમ’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અર્થશાસ્ત્રમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ ભારતીય પોલીસસેવા સાથે સંકળાયેલાં છે.

જી. તિલકવતી

તેઓ મલયાળમ, તેલુગુ, ફ્રેન્ચ, હિંદી તથા અંગ્રેજી ભાષાની જાણકારી ધરાવે છે. તેમના પ્રકાશિત ગ્રંથોમાં 17 નવલિકાઓ, 130 વાર્તાસંગ્રહ, 3 નિબંધસંગ્રહ અને 4 અનુવાદ-કૃતિઓનો સમાવેશ થાય છે. ‘અલઈ પુરળુમ કરૈયોરમ’ (કાવ્યસંગ્રહ); ‘અરસિગળ અલુવતિલ્લઈ’, ‘કડરક્કરૈક્કુપોક્કુમ્ પાથઈ’ (વાર્તાસંગ્રહ), ‘નેન્જિલ આસૈ’, ‘નાલૈ એનતુ રાજાંગમ’, ‘ઇનિમેલ વિદિયુમ’, ‘પાદિનિ પેન’, ‘કનવઈ સૂડિયા નક્ષત્રમ્’ (નવલિકાઓ); ‘સોપ્પના ભૂમિયિલ’, ‘કલમરમ’, ‘વાર્તઈ તવરી વિટ્ટાલ’, ‘તેઇયુમો સૂરિયન (નવલકથા) તેમના ઉલ્લેખનીય ગ્રંથો છે. તેમણે અમિતાભ ઘોષની નવલકથા ‘શૈડો લાઇંસ’, કુર્રતુલ-એન હૈદરનો વાર્તાસંગ્રહ ‘પતઝડ કી આવાજ’ અને અમેરિકન–યુરોપીય વાર્તાઓને તમિળમાં અનૂદિત કરી છે. તેમની વાર્તાઓ અને નવલકથાઓને આધારે ધારાવાહિક તથા ફિલ્મોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમને વી. જી. પી. સંતાનામ્મલ પુરસ્કાર, થાઈ મૅગેઝિનનો સર્વશ્રેષ્ઠ વાર્તાપુરસ્કાર, પુદુચેરી (પોંડિચેરી) સાહિત્યિક પુરસ્કાર, ઇલક્કિય ચિન્તનૈ પુરસ્કાર તથા તમિળનાડુ સરકારનો શ્રેષ્ઠ નવલકથાકાર પુરસ્કાર – તેમનાથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘કલમરમ’ નામક વાર્તાસંગ્રહમાં બાંધકામમાં સંકળાયેલ અસંગઠિત મજૂરોના જીવન-સંઘર્ષનું આબેહૂબ ચિત્રાંકન છે. ગરીબ લોકોની જિંદગી, વ્યાવસાયિક અવગુણો અને ભવનનિર્માતાઓની વધુમાં વધુ કમાવાની લાલસાનું જીવંત દર્શન તેમાં અભિવ્યક્ત કરવામાં આવ્યું છે. તેમાં સજાવેલી શૈલી, સકારાત્મક જીવનષ્ટિ અને મજૂરોને સંગઠિત થવાનો ર્દઢ અને ઉત્સાહપ્રેરક સંદેશ હોવાને કારણે આ કૃતિ મલયાળમમાં લખાયેલ ભારતીય કથાસાહિત્યની મહત્વની ભેટ ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા