જિન દ થેવેનો (જ. 1633, પૅરિસ; અ. 28 નવેમ્બર 1667, નૈના, તબરીઝ) : જગતનો નામાંકિત પ્રવાસી. ગુજરાતમાં એ 1666માં આવ્યો હતો. તેણે કરેલું સૂરત અને અમદાવાદનું વર્ણન ઘણું બારીક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે.
18 વર્ષે પૅરિસ યુનિવર્સિટીની નવારે કૉલેજમાંથી ભણી ઊતરેલો થેવેનો જગતપ્રવાસનાં સ્વપ્નાં સેવતો હતો. આ ઉપક્રમમાં એણે 19મે વર્ષે 1652માં યુરોપનો પ્રવાસ ખેડ્યો ને છેક કૉન્સ્ટેન્ટિનોપલ સુધી પહોંચ્યો. ત્યારબાદ એ પ્રવાસ લંબાવીને તે ઇજિપ્ત અને પૅલેસ્ટાઇનમાં પણ ફર્યો. 7 વર્ષ બાદ 1659માં તે માતૃભૂમિ પાછો ફર્યો. ત્યારબાદ પ્રવાસ માટે ઉપયોગી એવો અભ્યાસ કરવામાં 4 વર્ષ ગાળ્યાં. 1663માં તે ઇરાક, ઈરાન અને હિંદુસ્તાનની દરિયાઈ સફરે નીકળ્યો. ઈરાનમાં તેને પ્રસિદ્ધ પ્રવાસી એમ. દ તેવરનિયર મળી ગયો. તેઓ બંને શિરાઝ થઈને અબ્બાસ બંદરે ગયા. પણ ત્યાં ડચ લોકોના વિરોધને લઈને થેવેનોને એ બંદરેથી ભારત આવવાનો પરવાનો ન મળ્યો. આથી તે બસરા ગયો અને ત્યાંથી અંગ્રેજ જહાજ ‘હોપવેલ’ મારફત 16 જાન્યુઆરી 1666ના રોજ સૂરત બંદરે આવી પહોંચ્યો. હિંદુસ્તાનમાં તે 13 મહિના સુધી ફર્યો, જેમાંનો શરૂઆતનો સમય ગુજરાતના પ્રવાસમાં વીત્યો. પ્રવાસ દરમિયાન તે ફ્રેંચ ભાષામાં તેનો પ્રવાસ-વૃત્તાંત પણ લખતો રહ્યો. સૂરત, અમદાવાદ, ખંભાત, ગોવળકોંડા અને છેક મછલીપટ્ટમ સુધી તેણે પ્રવાસ ખેડેલો.
13 મહિનાનો ભારતનો પ્રવાસ પૂરો કરીને તે 1666ના છેલ્લા દિવસોમાં સૂરત આવ્યો. અહીંથી બંદર અબ્બાસનો પરવાનો મળતાં તે ફેબ્રુઆરી 1667માં વળતા પ્રવાસ માટે રવાના થયો. ઈરાનમાં શિરાઝ પાસે પોતાની જ પિસ્તોલમાંથી અચાનક છૂટેલી ગોળી વાગતાં તેની સાથળ વીંધાઈ ગઈ. ઇસ્ફાનમાં એણે સારવાર કરાવી ને તે સારો થયા બાદ રવાના થયો, પણ રસ્તામાં જીવલેણ માંદગીમાં સપડાતાં તબરીઝથી 160.9 કિમી. દૂર આવેલા નૈના ગામે 34 વર્ષની ભરયુવાન ઉંમરે તે અકાળે અવસાન પામ્યો.
થેવેનો ફ્રેંચ અને અંગ્રેજી ઉપરાંત તુર્કી, અરબી અને ફારસી ભાષાઓ જાણતો હોવાથી મધ્યપૂર્વનો પ્રવાસ સારી રીતે કરી શક્યો. વળી તે ભૂમિતિ, ખગોળવિદ્યા અને ગણિતવિદ્યાનો પણ જ્ઞાતા હતો. ફિલસૂફીથી એ માહિતગાર હતો અને જગતના ધર્મોનો ઊંડો અભ્યાસ કરવાની એને ખેવના હતી. આ બધાને લઈને તે પ્રવાસ દરમિયાન જેના જેના સંપર્કમાં આવ્યો તે સહુની ચાહના મેળવી શક્યો હતો.
થેવેનોનું પ્રવાસ-વર્ણન વિશદ છે. સૂરત વિશે તે લખે છે કે સૂરત બંદરના બારામાં જકાતખાતાની તપાસણી અને જકાત-વસૂલાત સખતાઈભરી હતી. આયાતી માલ પર ખ્રિસ્તીઓએ 4% અને હિંદીઓએ 5% જકાત ભરવી પડતી. એણે 2 વર્ષ પહેલાં 1664માં સૂરત પર કરેલા શિવાજીના આક્રમણનો વૃત્તાંત આપ્યો છે. એ આક્રમણથી શહેરના કોટ(આલમપનાહ)ની જર્જરિત દીવાલને ઔરંગઝેબના હુકમથી સમરાવવાનું કામ ચાલતું હતું તે એણે નજરે નિહાળ્યું હતું. સૂરતમાં નવેમ્બરથી એપ્રિલ દરમિયાન હવામાન સાનુકૂળ બનતાં આંતરરાષ્ટ્રીય વેપાર ધીકતો ચાલતો. આ ગાળામાં અરબો, ઈરાનીઓ, તુર્કો, આર્મેનિયનો, અંગ્રેજો, વલંદા વગેરે મોટી સંખ્યામાં આવતા હોઈ શહેરમાં રહેવાની આરામદાયક જગ્યાઓ શોધવાનું મુશ્કેલ બનતું. અહીં અગ્નિ એશિયાના ટાપુ-દેશોનો માલ — મસાલા, કાપડ તેમજ યુરોપ અને ચીનથી પણ માલ વેચાવા આવતો. થેવેનોએ સૂરતના એ સમયના નામાંકિત વેપારી વીરજી વોરાને પોતાના મિત્ર તરીકે ઓળખાવ્યો છે. સૂરતનાં ‘બેગમવાડી’ નામે મશહૂર બાગ અને ગોપી તળાવ જોઈને તે આફરીન થયો હતો. તેણે સૂરતમાં નીરો(તાડીનો રસ)ની મજા પણ માણી હતી.
સૂરતથી એ ભરૂચ, ડબકા (જિ. વડોદરા), પેટલાદ, સોજિત્રા અને માતર થઈને અમદાવાદ પહોંચ્યો. અમદાવાદમાં તે વલંદાઓની કોઠીમાં એક પખવાડિયું રહ્યો હતો. અમદાવાદ વિશે તે લખે છે કે આ વેપારવણજનું ધીકતું કેન્દ્ર છે. અહીં ગળીની નિકાસ બહુ મોટી છે. દિલ્હી અને લાહોરથી ઘણું કાપડ આવે છે, શહેરમાં બનેલ સાટીન, મખમલ, ટાફેટા, મશરૂ, કિનખાબ વગેરેનો માલ અહીંથી બીજે જાય છે. અમદાવાદમાં ઘણા મોટા મોટા બાગ છે. દરેક બાગને ફરતો કોટ અને પ્રવેશ પાસે મંડપ હોય છે. ‘એક વિશાળ સરોવર (કાંકરિયા) હું જોવા ગયો જેની વચ્ચે એક સુંદર બગીચો છે. બગીચાને છેડે સગવડવાળાં નાનાં નાનાં મકાન છે. શહેરને ફરતો કોટ છે ને એમાં અંતરે અંતરે બુરજો કર્યા છે. પરાં સાથે શહેરની કુલ લંબાઈ 6.24 કિમી. છે. અહીં એટલાં ઝાડપાન અને બાગબગીચા છે કે કોઈ ઊંચી જગ્યા પરથી જોઈએ તો લીલાં વૃક્ષોનું વન જ લાગે ! અહીંનું શેઠ શાંતિદાસ ઝવેરીનું દેરાસર સમગ્ર અમદાવાદનું મુખ્ય મંદિર હતું. ઔરંગઝેબે તોડાવી નખાવ્યા બાદ હવે તે ભગ્ન હાલતમાં છે તેમ છતાં તેની અંદરનો શિલ્પથી સુશોભિત ભાગ ઘણો જ સુંદર લાગે છે.
પ્રવીણચંદ્ર પરીખ