જિન્સબર્ગ, ઍલન (જ. 3 જૂન 1926, ન્યૂયૉર્ક) : અમેરિકન કવિ ને ક્રાંતિના હિમાયતી. તેમના પિતા કવિ લુઈ જિન્સબર્ગ પ્રણાલીગત શૈલીમાં લખતા, અને પુત્રની જાહેર વાચનબેઠકમાં અવારનવાર હાજરી આપતા. કોલંબિયા યુનિવર્સિટીમાંથી 1948માં સ્નાતક થયા બાદ વિશ્વભરમાં પ્રવાસ કર્યો. 1950ના દશકાના બીટ આંદોલનના અને 1960ના સાંસ્કૃતિક તથા રાજકીય વિરોધોના નેતા તરીકે તે ખૂબ
જાણીતા થયા. વિવેચકોએ જિન્સબર્ગને ´ગ્લડના વિલિયમ બ્લૅક અને અમેરિકાના વૉલ્ટ વ્હિટમનની પરંપરાના કવિ તરીકે નવાજ્યા છે. 1962માં તે ભારત આવ્યા ત્યારે તેમણે કૉલકાતામાં બીટનિકોની જમાત સ્થાપી હતી. તેને ભૂખી જમાત (hungry generation) તરીકે ઓળખાવવામાં આવેલી.
પ્રથમ કાવ્યસંગ્રહ ‘હાઉલ’(1956)ની પ્રસિદ્ધિથી સૌનું તેમના તરફ ધ્યાન દોરાયું. આ મહાકાવ્યમાં તત્કાલીન અમેરિકાની ભૌતિકવાદી જીવનશૈલી પર પ્રહાર કરાયો છે; જેમ કે, તેમના મતે સાર્દશ્યપણું અને યાંત્રિકીકરણ જેવાં પરિબળો ત્યારની સાંપ્રત પેઢીને ઉત્તમ બુદ્ધિ-શક્તિને નષ્ટ કરનારાં હતાં. કેટલાક વિવેચકો જિન્સબર્ગને અમાનવીય અને દમનકારી સમાજમાં આધ્યાત્મિક અસ્તિત્વ માટેની મથામણ રજૂ કરનાર કવિ તરીકે મૂલવે છે.
1960માં જિન્સબર્ગે જાહેરજીવનમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે સ્થાન સિદ્ધ કર્યું. રેડિયો, ફિલ્મ, ટેલિવિઝન પર વાચન અને મુલાકાતના તેમના કાર્યક્રમ યોજાવા લાગ્યા. વિયેટનામ યુદ્ધ સામે પણ તેમણે વિરોધ પ્રગટ કર્યો. સાહિત્ય-સંસ્કારના ક્ષેત્રે, આવી લડાયકવૃત્તિ દાખવનાર જિન્સબર્ગ સહૃદયી વ્યક્તિત્વ ધરાવતા હતા અને ક્રોધે ચડેલા દેખાવકારોને બૌદ્ધ મંત્ર અને સમાધાનભર્યા સંદેશાથી શાંત પાડવા પ્રયત્નશીલ રહેતા.
1956માં માતાનું અવસાન જિન્સબર્ગની પ્રસિદ્ધ પ્રશસ્તિ ‘કડિશ’ (1961) માટે પ્રેરક બન્યું. તેમની અન્ય કૃતિઓમાં ‘રિયાલિટી સૅન્ડવિચીઝ’ (1963) તથા ‘માઇન્ડ બ્રીઝ’(1977)નો સમાવેશ થાય છે. ‘ધ ફૉલ ઑવ્ અમેરિકા : પોએમ્સ ઑવ્ ધિસ સ્ટેટ્સ’ને 1974નો નૅશનલ બુક ઍવૉર્ડ મળ્યો. તેમના લખાણમાં અમુક પૌરસ્ત્ય અને પાશ્ર્ચાત્ય ધાર્મિક ગ્રંથોના આધ્યાત્મિક અને સંવાદી ગુણધર્મો તથા આધુનિક જીવનનાં વિષયવસ્તુ, ભાષા અને પ્રતીકો એકસાથે સંયોજાયેલાં છે.
પોતાના સમકાલીન વિલિયમ કાર્લોસ વિલિયમ્સ તથા મિત્ર જૅક કેરવાકનો પોતે પ્રભાવ ઝીલ્યો હોવાનું તેમણે સ્વીકાર્યું છે.
મંજુલા વર્મા