જિપ્સમ પ્લેટ

January, 2012

જિપ્સમ પ્લેટ : જિપ્સમ પ્લેટને ચિરોડી છેદિકા જેવા નામથી ઓળખાવી શકાય. જિપ્સમ પ્લેટની રચના માટે તદ્દન શુદ્ધ ચિરોડી કે સેલેનાઇટ પસંદ કરવામાં આવે છે. તેનો આડછેદ એવી રીતે કાપીને ઉપયોગમાં લેવામાં આવ્યો હોય છે કે માઇક્રોસ્કોપના ક્રૉસ્ડ નિકોલ્સ વચ્ચેની ગોઠવણીમાં મૂકતાં તે પ્રથમ ક્રમનો લાલ ધ્રુવીભૂત રંગ દર્શાવે છે. જોકે આ રંગ વાસ્તવમાં તો લાલને બદલે વધુ પડતા જાંબલી જેવો દેખાતો હોય છે. આ પ્રકારનો ખનિજછેદ ધાતુની પટ્ટી કે કાચની બે પટ્ટી વચ્ચે એવી રીતે બેસાડવામાં આવેલો હોય છે કે ખનિજની તેજ (fast) કે ધીમી (slow) સ્પંદનદિશા તેની લંબાઈને સમાંતર રહે. જિપ્સમ પ્લેટનો ઉપયોગ અસાવર્તિક વિષમદિક્ધર્મીય  – ખનિજોની પ્રકાશીય સંજ્ઞા, ચોક્કસ વિલોપસ્થિતિ તેમજ ખનિજ સ્ફટિકની સ્પંદનદિશા નક્કી કરવા માટે થાય છે. જિપ્સમ પ્લેટને ‘first order red plate’ અથવા ‘sensitive tint’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે