જિન્દ : હરિયાણા રાજ્યના 22 જિલ્લાઓમાંનો એક જિલ્લો અને શહેર.
ભૌગોલિક સ્થાન – આબોહવા : આ જિલ્લો 29 19´ ઉ. અ. અને 76 19´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની ઉત્તર દિશાએ કૈથલ, પૂર્વ તરફ પાણીપત અને સોનીપત જિલ્લો, દક્ષિણે રોહતક જિલ્લો, વાયવ્યે પંજાબ રાજ્ય જે સીમા ધરાવે છે. આ જિલ્લો સમુદ્રસપાટીથી 227 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. હરિયાણા રાજ્યના લગભગ મધ્યમાં આ જિલ્લો આવેલો છે. ભારતના સમતળ મેદાની પ્રદેશમાં આ જિલ્લો આવેલો છે.
સમુદ્રથી સુદૂર આ જિલ્લો આવેલો હોવાથી અહીંની આબોહવા વિષમ છે. ઉનાળો અતિશય ગરમ શિયાળો સખ્ત ઠંડો અનુભવાય છે. જાન્યુઆરી માસ સૌથી ઠંડો રહે છે. સરેરાશ તાપમાન 13થી 24 સે. રહે છે. જ્યારે મે માસ સૌથ ગરમ રહે છે. સરેરાશ 46 સે. તાપમાન અનુભવાય છે. જૂનના છેલ્લા અઠવાડિયામાં કે જુલાઈના પ્રારંભમાં વરસાદ શરૂ થાય છે. સમગ્ર વર્ષાઋતુમાં સરેરાશ 50% વરસાદ જુલાઈ માસમાં પડે છે. એકંદરે વરસાદનું પ્રમાણ 459 મિમી.ની આસપાસ રહે છે.
અર્થતંત્ર : આ જિલ્લો સમતળ અને ફળદ્રૂપ હોવાથી ખેતી મુખ્ય પ્રવૃત્તિ છે. ખેતીનો આધાર વરસાદ ઉપર અવલંબિત છે. તેમ છતાં આ જિલ્લાને સરહિંદ નહેરથી સિંચાઈનો લાભ મળે છે. આ જિલ્લામાં મુખ્યત્વે ઘઉં, ચણા, શેરડી અને કપાસની ખેતી થાય છે. આ સિવાય ડાંગર, મકાઈ, કઠોળ અને તેલીબિયાં જેવા પાકો પણ લેવાય છે. ખેતી સાથે પશુપાલન પ્રવૃત્તિ વિકસી છે. આથી દૂધ અને તેની અન્ય બનાવટોનો વેપાર પણ વિકસ્યો છે.
અહીં કપાસ લોઢવાના, ખેતીના ઓજારો બનાવવાના, શેરડી પીલવાના નાના-મોટા ઉદ્યોગો વિકસ્યા છે. અહીં ખેત-પ્રવૃત્તિનો વિકાસ થાય તે માટે યાંત્રિક સાધનોનો ઉપયોગ વધુ થાય છે.
આ જિલ્લામાં રાજ્ય પરિવહનની બસો તેમજ ખાનગી બસો ઉપલબ્ધ છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 71 અહીંથી પસાર થાય છે. રાજ્ય અને જિલ્લાઓના માર્ગોનું ગીચ જાળું અહીં પથરાયેલું છે.
વસ્તી : આ જિલ્લાનો વિસ્તાર 2702 ચો.કિમી. જ્યારે વસ્તી (2011 મુજબ) 13,34,152 છે. સાક્ષરતાનું પ્રમાણ 72.7% છે. સેક્સ રેશિયો 1000 પુરુષોએ 870 સ્ત્રીઓ છે. પછાત જાતિનું પ્રમાણ આશરે 21% છે. મોટે ભાગે અહીં હિન્દુ ધર્મીઓનું પ્રમાણ 96% જેટલું છે. આ સિવાય શીખ અને મુસ્લિમ ધર્મના લોકો પણ વસે છે. મુખ્ય ભાષા હરિયાણવી છે. હિન્દી અને અંગ્રેજી ભાષા પણ બોલાય છે. વહીવટી સુગમતા માટે આ જિલ્લાને પાંચ તાલુકામાં વિભાજિત કરેલ છે.
જિન્દ શહેર : આ શહેર 29 32´ ઉ. અ. અને 76 32´ પૂ. રે. પર આવેલું છે. તેનો વિસ્તાર 440 ચો.કિમી. જ્યારે વસ્તી (2011 મુજબ) 1,67,592 છે. અહીં વરસાદ 550 મિમી. જેટલો પડે છે.
આ શહેર અનાજનું વ્યાપારી કેન્દ્ર છે. કપાસ લોઢવાના, ખાદ્યપ્રકમણ ઉદ્યોગો અને હૅન્ડલૂમ કાપડની ફૅક્ટરીઓ આવેલી છે. હોઝિયરી ઉદ્યોગોની ફૅક્ટરી આવેલી છે. પાકા રસ્તા અને રેલવે માર્ગની સાથે સુવિધા અહીં રહેલી છે. આ શહેર જિલ્લાનું જિલ્લામથક છે.
જિન્દ શહેરમાં ખાનગી અને સરકારી શાળાઓ આવેલી છે. અહીં ત્રણ કૉલેજો છે જે કુરુક્ષેત્ર સાથે જોડાયેલી છે. સાક્ષરતાનું પ્રમાણ 75% છે. સરકારી કામકાજ માટે હિન્દી અને અંગ્રેજી ભાષાનો ઉપયોગ થાય છે. જ્યારે પ્રાદેશિક ભાષા હરિયાણવી છે. દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 877 છે, જે ઘણું ઓછું કહી શકાય. આ જિલ્લામાં ખાસ જોવાલાયક સ્થળો નથી. ફક્ત જિન્દ શહેરમાં જૂના વખતનો કિલ્લો જોવાલાયક છે.
ઇતિહાસ : અહીં વૈદિક કાળમાં ભરત વંશનું રાજ્ય હતું. મહાભારત પ્રમાણે પાંડવોએ અહીં મંદિર બંધાવ્યું હતું. આ શહેર જૈન્તપુરી તરીકે ઓળખાતું હતું. જિન્દ એ સિંધુ સંસ્કૃતિના ભાગ સ્વરૂપે હોવાનું મનાય છે. આ શહેરથી 15 કિમી. દૂર રાખીગરહી (Rakhigarhi) સ્થળ આવેલું છે. જ્યાં ઉત્ખનન કરીને સિંધુ સંસ્કૃતિની વસાહત શોધાઈ છે.
1755માં મુઘલો પાસેથી બે જિલ્લાઓ જીતી લઈને સુખચેને જિન્દના દેશી રાજ્યની સ્થાપના કરી હતી. તેના અનુગામી અને પરાક્રમી પુત્ર ગજપતસિંહે 1766માં જિન્દને તેના રાજ્યની રાજધાની બનાવી હતી. આ રાજ્ય મુઘલોનું ખંડિયું રાજ્ય હતું. મુઘલ શહેનશાહે જિન્દના શાસકને રાજાનો ઇલકાબ આપ્યો હતો. 1775માં જિન્દનો કિલ્લો બંધાયો હતો. મુઘલ સત્તા નબળી પડતાં જિન્દનું રાજ્ય સ્વતંત્ર થઈ ગયું હતું. ગજપતસિંહ પછી ભાગસિંહ 1781માં ગાદીએ બેઠો હતો. તેના શાસન દરમિયાન જિન્દ રાજ્યે અંગ્રેજો સાથે મૈત્રીસંબંધ બાંધ્યો હતો. 1837માં અંગ્રેજોએ જિન્દ રાજ્યનો થોડો પ્રદેશ પડાવી લીધો હતો. 1847માં સતી, ગુલામી અને ભ્રૂણહત્યા ઉપર રાજ્યે પ્રતિબંધ મૂક્યો હતો. રાજા રઘુવીરસિંહે (1864–87) તેના રાજ્યમાં સુધારા દાખલ કર્યા હતા. તેણે સંગરૂપમાં તેની રાજધાની ફેરવી હતી. 1857ના સ્વાતંત્ર્યયુદ્ધ વખતે જિન્દ રાજ્યે અંગ્રેજોને મદદ કરી હતી. આ સિવાય અફઘાન વિગ્રહ અને 1914ના પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન પણ જર્મની વિરુદ્ધ ઇંગ્લૅન્ડને તેણે મદદ કરી હતી. છેલ્લા શાસક રાજવીરસિંહ 1948માં ગાદીએ આવ્યા અને આ જ વરસે આ રાજ્યનું પેપ્સુ (પતિયાળા ઍન્ડ ઈસ્ટ પંજાબ સ્ટેટ્સ યુનિયન – PEPSU) રાજ્ય સાથે, 1 નવેમ્બર 1956થી પંજાબ સાથે અને 1966માં હરિયાણા સાથે જોડાણ થયું છે. આઝાદી પૂર્વે આ રાજ્યમાં 7 શહેરો અને 439 ગામડાં હતાં. રાજા, દીવાન અને 2 મંત્રીઓની સહાયથી રાજ્યનો વહીવટ ચાલતો હતો.
શિવપ્રસાદ રાજગોર
નીતિન કોઠારી