જિનેશ્વરસૂરિ (ઈ. સ.ની અગિયારમી સદી) : સમર્થ વ્યાખ્યાતા અને પ્રમાણશાસ્ત્ર-પ્રબંધકોના રચયિતા. જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ એ બે ભાઈ સુવિહિતમાર્ગી શ્વેતાંબર પરંપરાના વિદ્વાન હતા. બુદ્ધિસાગરસૂરિ આગમસાહિત્યના વિશિષ્ટ જાણકાર, શાસ્ત્રોક્ત કર્મમાં નિષ્ઠાવાન અને વ્યાકરણશાસ્ત્ર રચનાર હતા. પાટણના રાજા દુર્લભરાજના પુરોહિત સોમેશ્વર, ત્યાંના યાજ્ઞિકો, શૈવાચાર્ય જ્ઞાનદેવ વગેરેને પોતાના વર્ચસથી વિશેષ પ્રભાવિત કરીને, પાટણમાં સુવિહિતમાર્ગી મુનિઓ માટે આવ-જાની સુલભતા મેળવી લેવાનું શ્રેય આ બે બંધુ આચાર્યોને છે. જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિના ગુરુ ચાંદ્રકુલ વડગચ્છના આચાર્ય વર્ધમાનસૂરિ હતા.
ગૃહસ્થ જીવનમાં આ બે બંધુઓ બ્રાહ્મણપુત્રો હતા. જિનેશ્વરસૂરિનું નામ હતું શ્રીધર અને બુદ્ધિસાગરસૂરિનું નામ હતું શ્રીપતિ. આ બે જોડિયા ભાઈ વેદવિદ્યાના પ્રકાંડ વિદ્વાન હતા અને ચૌદ વિદ્યાઓના જ્ઞાતા હતા. એક વખત દેશદેશાન્તરની યાત્રા કરવા સારુ આ બંનેએ પોતાની જન્મભૂમિ મધ્યપ્રદેશથી પ્રસ્થાન કર્યું. ફરતાં ફરતાં આ વિદ્વાન યુગલ બંધુઓ ધારાનગરીમાં પહોંચ્યા. ધારા માળવાની રાજધાની હતી. ત્યાં રાજા ભોજનું રાજ્ય હતું. એ નગરમાં શ્રેષ્ઠી લક્ષ્મીધર વિખ્યાત ધનિક હતો. એક દિવસ શ્રેષ્ઠીના ઘરમાં આગ લાગી. ઘરની ભીંત પર વીસ લાખના સિક્કાઓની લેવડદેવડ લખેલી હતી. આગની જ્વાળાઓમાં એ બધું લુપ્ત થઈ ગયું. લક્ષ્મીધર શેઠ આ બનાવથી ઘણી ચિંતામાં પડી ગયા. સંયોગવશ જોડિયા ભાઈ શ્રીધર અને શ્રીપતિ ભિક્ષા માટે આમતેમ ફરતાં લક્ષ્મીધરને ઘરે પહોંચ્યા. આ બે ભાઈઓ પહેલાં પણ કેટલીક વાર એને ઘરે આવેલા અને પૂરતી ભિક્ષા મેળવી સંતોષ પામેલા. ભિક્ષાસ્થળની સામેની ભીંત પર લખેલા રૂપિયાની લેવડદેવડનો હિસાબ આ બે ભાઈઓએ વાંચેલો અને તીવ્ર સ્મરણશક્તિને લીધે એ આખોય હિસાબ તેમને યાદ થઈ ગયેલો. એક વાર આ બે ભાઈઓ ભિક્ષા સારુ લક્ષ્મીધર શેઠને ઘરે પહોંચ્યા. હિસાબ નષ્ટ થઈ જવાથી શેઠ ઘણી ચિંતામાં રહેતા. શેઠને ઉદાસ જોઈ બંને ભાઈઓએ તેમની ઉદાસીનતાનું કારણ પૂછ્યું. શેઠે ભીંત પર લખેલ હિસાબ નાશ પામ્યાની વાત કહી. બંને ભાઈઓએ પ્રસન્ન થઈ કહ્યું, ‘શેઠ, અમે ભીંત પર લખેલો હિસાબ એક વખત વાંચ્યો હતો. એ આજે પણ અમને પૂરેપૂરો યાદ છે. બંનેએ તિથિ, વાર, સંવત અને વ્યક્તિનાં નામ સહિત આખો હિસાબ લખીને શેઠની સામે મૂકી દીધો. લક્ષ્મીધર શેઠ આ બંનેની અદભુત સ્મરણશક્તિથી ઘણા પ્રભાવિત થયા અને તેમણે બંને ભાઈઓને પોતાના ઘરે રાખી લીધા. સંયોગવશ ધારાનગરીમાં આચાર્ય વર્ધમાનસૂરિનું આગમન થયું. બંને ભાઈઓને લઈ શેઠ તેમની વંદના માટે તેમને સ્થાનકે ગયા. આમ બંને ભાઈઓ આચાર્યના સંપર્કમાં આવ્યા. આચાર્યશ્રીની વિદ્વત્તાથી બંને ભાઈઓ પ્રભાવિત થયા. લાંબા પરિચય પછી આચાર્યશ્રીએ આ બે ભાઈઓને જૈન સાધુની દીક્ષા આપી. દીક્ષા આપ્યા પછી યોગવહનપૂર્વક તેમને વર્ધમાનસૂરિએ સિદ્ધાંતશાસ્ત્ર અને જૈનદર્શનનું પ્રશિક્ષણ આપ્યું અને થોડા સમય પછી તેમની યોગ્યતા જોઈ તેમને સૂરિપદે નિયુક્ત કર્યા.
પટ્ટાવલી અનુસાર ચૈત્યવાસીઓ સાથેના શાસ્ત્રાર્થમાં વિજય પ્રાપ્ત કરવાને કારણે પાટણનરેશ દુર્લભરાજે ઈ. સ. 1024માં જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિને ખરતરગચ્છની ઉપાધિથી અલંકૃત કર્યા. તે ઉચ્ચ કોટિના ચારિત્રશીલ આચાર્ય હતા. તે સાથે તેમણે ઉચ્ચ કોટિના સાહિત્યનું પણ નિર્માણ કર્યું.
જિનેશ્વરસૂરિએ કથનાત્મક, વિવરણાત્મક અને પ્રમાણવિષયક ગ્રંથો રચ્યા. બુદ્ધિસાગરસૂરિએ વ્યાકરણ ગ્રંથ રચ્યો.
જિનેશ્વરસૂરિરચિત સાહિત્ય આ પ્રમાણે છે :
1. હરિભદ્રીય અષ્ટ પ્રકરણવૃત્તિ (ઈ.સ. 1024), 2. લીલાવતીકથા (ઈ. સ. 1026-29), 3. કથાનકકોષ (ઈ. સ. 942 ભા. પ્રાકૃત 2. સ્થ. ડિડવાના, ઈ. સ. 1042), 4. પંચલિંગી પ્રકરણ (ઈ. સ. 1036), 5. ષટ્સ્થાન પ્રકરણ, 6. પ્રમાણલક્ષ્મવૃત્તિ 4000 શ્લોક પ્રમાણ ન્યાય ગ્રંથ, 7 અષ્ટ પ્રકરણવૃત્તિ (ઈ. સ. 1024), 9. ચૈતન્યવંદનટીકા (ઈ. સ. 1036).
બુદ્ધિસાગરસૂરિએ ઈ. સ. 1024માં વ્યાકરણ રચ્યું હતું.
ઉપર્યુક્ત ગ્રંથોમાંથી મળતા સંવત સમયના આધારે જગતવત્સલ જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ વિક્રમની અગિયારમી-બારમી શતાબ્દીના સમર્થ વિદ્વાનો હતા.
રૂપેન્દ્રકુમાર પગારિયા