જિન્કગો : અનાવૃતબીજધારી વિભાગના જિન્કગોએસી કુળની એક પ્રજાતિ. જિન્કગોનું ઝાડ 40 મી. ઊંચું હોય છે. ફૂલ નાનાં હોય છે. પાંદડાં પંખા આકારનાં, ખંડિત 7થી 7.5 સેમી. લાંબાં અને ફેલાતી હસ્તાકાર (palmate) શિરાવાળાં હોય છે. ફળ નાનાં, નારંગી-પીળા જરદાળુ જેવાં, બીજનું બહારનું સ્તર માંસલ અને મંદ-સુવાસિત હોય છે; મધ્યમાં આવેલું મીજ કાષ્ઠમય અને સ્વાદમાં મીઠું હોય છે. ફૂલ ઉનાળામાં આવે છે.

આ વનસ્પતિ ચીન અને જાપાનની વતની છે. આ ઝાડ 1000 વર્ષ સુધીની વય ધરાવે છે. જિન્કગો દુનિયાનું સૌથી પુરાણું ઝાડ છે. તે લગભગ 20 કરોડ વર્ષ પહેલાંનું છે. તે 1730માં યુરોપમાં લાવવામાં આવેલ.

અમેરિકાના ઘણા ભાગોમાં જિન્કગો શોભાના વૃક્ષ તરીકે ઉગાડવામાં આવે છે. તેનાં પંખા આકારનાં પર્ણો સપુષ્પ વનસ્પતિ તરીકે લાક્ષણિક ગણાય છે.

આ પ્રજાતિમાં લીગ્નાન્સ (જિન્કોલાઇડ્સ, બાઇલોબાલાઇડ), ફ્લેવેનૉઇડ્સ, બાષ્પશીલ તેલ, ઉર્ષીઓલ્સ જેવાનો સમાવેશ થાય છે.

જિન્કગો મગજના ટૉનિક તરીકે ઉપયોગી છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી યાદશક્તિ વધ્યાના પુરાવા છે. તે મગજમાં લોહીનું પરિભ્રમણ વધારે છે, ચયાપચય-પ્રક્રિયા, ચેતાતંતુઓની ગતિનું નિયમન કરે છે અને મગજમાં ઑક્સિજનનું પ્રમાણ વધારે છે. મગજની અવ્યવસ્થા તથા એલ્ઝાઇમર જેવા રોગમાં તથા વૃદ્ધત્વમાં થતા સાંધાના દુખાવા ઉપર તેનો ઔષધ તરીકે ઉપયોગ થાય છે.

જિન્કગો મંદ શ્રવણશક્તિને સુધારે છે. તે લોહીના પરિભ્રમણ સાથે સંકળાયેલ મધુપ્રમેહ, પગની રક્તવાહિનીમાં થતો દુખાવો (Raynaud’s  syndrome), મસા, ફૂલેલી શિરાઓ (varicose vein), ઍલર્જીના કારણે થતા સોજામાં, તીવ્રગ્રાહી પ્રતિક્રિયા (anaphylactic reaction) અને દમમાં પણ ઉપયોગી છે. જિન્કગો દિવસમાં ત્રણ વાર લેવું જોઈએ. તેની કોઈ આડઅસર નથી કે તેની ટેવ પડતી નથી.

કૃષ્ણકુમાર નરસિંહભાઈ પટેલ