જિનીવા યંત્રરચના (Geneva mechanism) : સમયાંતરે પરિભ્રામી ગતિ મેળવવા માટે સામાન્યત: વપરાતી યંત્રરચના. તેની લાક્ષણિકતા વારાફરતી ગતિ અને આરામનો ગાળો છે. તેનો ઉપયોગ સૂચીકરણ (indexing) માટે પણ થાય છે.
આકૃતિમાં, A ચાલક છે. તેની ઉપર પિન અથવા રોલર (R) આવેલું છે. B અનુગામી છે, જે 4 અરીય (radial) ખાંચા ધરાવે છે. આ ખાંચાની વચ્ચે 4 અંતર્ગોળ (concave) સપાટી આવેલી છે. આ સપાટી, ચાલકની સપાટી Sની સાથે ગોઠવાય છે અને તે અનુગામીને ગતિમાં રાખે છે. આકૃતિમાં, પિન R એક ખાંચામાં દાખલ થઈ રહી છે. અનુગામીને વધુ ગતિ મળતાં, તે ખાંચામાં દાખલ થાય છે અને અનુગામીને 90° ફેરવે છે. પિન ખાંચામાંથી બહાર આવ્યા પછી ચાલક 270° સુધી ફરે ત્યાં સુધી અનુગામી સ્થિર રહે છે. જિનીવા યંત્રરચનામાં લઘુતમ ખાંચાની સંખ્યા 3ની હોય છે અને 18 કરતાં વધુ ખાંચા ક્વચિત જ વપરાય છે. સ્વિસ ઘડિયાળીએ ઘડિયાળની સ્પ્રિંગને વધુ પડતી વીંટળાતી રોકવા માટે આ યંત્રરચનાની શોધ અને ઉપયોગ કર્યાનું માનવામાં આવે છે.
પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ