જિનપ્રભસૂરિ : જિનપ્રભ નામના ઘણા આચાર્યો થયા છે. પ્રસ્તુત જિનપ્રભ ‘વિવિધ તીર્થકલ્પ’ નામક પ્રસિદ્ધ ઐતિહાસિક કૃતિના રચનાકાર છે અને સ્તોત્રસાહિત્યના વિશિષ્ટ નિર્માતા છે.

જિનપ્રભસૂરિ જિનેશ્વરસૂરિના પ્રશિષ્ય અને લઘુ ખરતરગચ્છ—અપર નામ શ્રીમાલગચ્છના સંસ્થાપક આચાર્ય જિનસિંહસૂરિના શિષ્ય હતા.

જિનપ્રભસૂરિ વૈશ્ય વંશના હતા. એમનું ગોત્ર તામ્બી હતું. તે હિલવાડીનિવાસી શ્રેષ્ઠી મહિધરના પૌત્ર અને રત્નપાલના પુત્ર હતા. તેમની માતાનું નામ ખેતલ હતું. ખેતલદેવીના પાંચ પુત્રો હતા. તેમાં જિનપ્રભસૂરિ વચલા હતા. એમનું ગૃહસ્થનામ સુભટપાલ હતું.

જિનપ્રભસૂરિ બાલ્યકાળથી જ બુદ્ધિમાન અને સમજદાર હતા. તેમના ભાઈઓમાં તે સૌથી વધારે સમજુ હતા. શ્રેષ્ઠી રત્નપાલ જિનસિંહસૂરિના પરમભક્ત હતા. તેમણે ભક્તિવશ ગુરુના નિર્દેશ અનુસાર સુભટપાલ(જિનપ્રભ)ને ગુરુનાં ચરણોમાં સમર્પી દીધા. ગુરુ પ્રત્યે અસીમ શ્રદ્ધાથી સુભટપાલે ઈ.સ. 1270માં બાલ્યકાળમાં જિનસિંહસૂરિ પાસે મુનિદીક્ષા ગ્રહણ કરી. તેમણે ગુરુચરણોમાં રહી આગમ, ન્યાય, વ્યાકરણ અને કાવ્યશાસ્ત્રનું ગહન અધ્યયન કર્યું.

કિડવાનાનગરમાં આચાર્ય જિનસિંહસૂરિએ ઈ.સ.1285માં તેમને આચાર્યપદે નીમ્યા અને પોતાના ગચ્છની બધી જવાબદારી તેમને સોંપી. તેમનું નામ જિનપ્રભ રાખ્યું.

જિનપ્રભસૂરિએ પોતાના ગુરુના વારસાને કુશળતાથી નિભાવ્યો. તે પોતાના સમયના અત્યંત પ્રભાવી જૈનશાસનપ્રભાવક આચાર્ય હતા. કહેવાય છે કે તેમની પાસે ચમત્કારિક વિદ્યાઓ હતી. તેમણે દિલ્હીના બાદશાહ મુહમ્મદ તુઘલુક(ઈ.સ.1326થી 1351 આસપાસ)ને પોતાની ચમત્કારિક વિદ્યાઓ અને વિદ્વત્તાથી પ્રભાવિત કરી તેને જૈન ધર્મ પ્રત્યે શ્રદ્ધાવાન બનાવ્યો હતો. મુસ્લિમ બાદશાહોને ઉપદેશ આપવાની શૃંખલામાં જિનપ્રભસૂરિનું નામ સર્વપ્રથમ આવે છે.

જિનપ્રભસૂરિએ ધર્મપ્રચારની સાથે સાથે ઉચ્ચ કોટિનું સાહિત્ય પણ રચ્યું. સ્તોત્રસાહિત્યના નિર્માણમાં તેમને વિશેષ રસ હતો. પ્રતિદિન જમ્યા પહેલાં પાંચ નવા શ્લોક રચવા માટે તે પ્રતિજ્ઞાબદ્ધ હતા. કહેવાય છે કે તેમણે સેંકડો સ્તોત્રો રચ્યાં અને તપાગચ્છના નવા ઊગતા સોમતિલકસૂરિનાં ચરણોમાં એ સ્તોત્રસાહિત્ય ભેટ ધર્યું અને એ રીતે તેમની પ્રત્યે બહુમાન પ્રદર્શિત કર્યું હતું.

સ્તોત્રસાહિત્ય ઉપરાંત તેમણે ઐતિહાસિક મૌલિક ગ્રંથો પણ રચ્યા. તેમની ઐતિહાસિક કૃતિઓમાં ‘વિવિધ તીર્થકલ્પ’ મૂલ્યવાન કૃતિ છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, બિહાર, ઉત્તરપ્રદેશ, પંજાબ વગેરે વિવિધ ક્ષેત્રોમાં વિચરણ કરી ત્યાંની ઐતિહાસિક ઘટનાઓનું તેમણે વર્ણન કર્યું છે. પ્રસ્તુત ગ્રંથમાં 62 કલ્પ છે અને તીર્થસ્થાનોનું વર્ણન છે. ભગવાન મહાવીરનાં આસ્થિગ્રામ, ચંપા, પૃષ્ઠચંપા, વૈશાલી આદિ 42 ચાતુર્માસિક સ્થળોનો નામસહિત ઉલ્લેખ અને પાલક, નંદ, મૌર્યવંશ, પુષ્યમિત્ર, બલમિત્ર, ભાનુમિત્ર, નરવાહન, ગર્દભિલ્લ, શક, વિક્રમાદિત્ય વગેરે રાજાઓના સમય સંબંધી માહિતી આ ગ્રંથમાંથી મળી શકે. આચાર્યશ્રીએ આ ગ્રંથની રચના વીરનિર્વાણ સંવત 1859(ઈ.સ. 1333)માં કરી હતી. એમના રચેલા ગ્રંથસમૂહમાંની કેટલીક
કૃતિઓ :

1. વિવિધ તીર્થકલ્પ (ઈ.સ. 1333) (સંસ્કૃત-પ્રાકૃત), 2. કાતંત્ર વિભ્રમટીકા (ઈ.સ. 1298), 3. દ્વયાશ્રય કાવ્ય (શ્રેણિકચરિત્ર) (ઈ.સ. 1300) (સંસ્કૃત), 4. વિધિમાર્ગપ્રપા (ઈ.સ. 1307) (અયોધ્યા), 5. સિદ્ધાન્ત આગમ રહસ્ય, 6. સંદેહ વિષૌષધિ (ઈ.સ. 1308) (અયોધ્યા), 7. ભયહર સ્તોત્રટીકા (ઈ.સ. 1300) (અયોધ્યા), 8. ઉવસગ્ગહર વૃત્તિ (ઈ.સ. 1300) (અયોધ્યા), 9. અજિતશાંતિ વૃત્તિ (ઈ.સ. 1300) (અયોધ્યા), 10. વીરસ્તુતિ (ઈ.સ. 1324), 11. દ્વયક્ષરનેમિ સ્તવ, 12. પંચપરમેષ્ઠિ સ્તવ, 13. મહાવીર ગણધર કલ્પ, 14 સપ્ત સ્મરણવૃત્તિ (ઈ.સ. 1300) (અયોધ્યા), 15. સૂરિમંત્રપ્રદેશ વિવરણ (રહસ્યકલ્પદ્રુમ), 16. સાધુ પ્રતિક્રમણ વૃત્તિ (ઈ.સ. 1308), 17. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં વિરચિત સ્તોત્રો, 18. મદનરેખા સંધિ (ઈ.સ. 1241), 19. વયરસ્વામિ ચરિત્ર (ઈ.સ. 1260), 20. નેમિનાથમુનિ સુવ્રત જન્માભિષેક, 21. પદ્માવતી ચતુષ્પાદિકા.

રૂપેન્દ્રકુમાર પગારિયા