જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ (વિક્રમની સાતમી સદી)

જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ (વિક્રમની સાતમી સદી) : નિવૃત્તિ કુળના મહાન આચાર્ય. તેમના બે ભાષ્યગ્રંથ હાલ ઉપલબ્ધ છે : (1) જિતકલ્પ ભાષ્ય તથા (2) વિશેષાવશ્યક ભાષ્ય. ‘જિતકલ્પ ભાષ્ય’માં જ્ઞાનપંચક, પ્રાયશ્ચિત્ત વગેરે અનેક આવશ્યક વિષયોનું વર્ણન છે. આવશ્યક સૂત્ર ઉપર 3 ભાષ્ય છે. તેમાં ‘વિશેષાવશ્યક ભાષ્ય’ આવશ્યક સૂત્રના પ્રથમ અધ્યયન સામાયિક સૂત્ર ઉપર છે. તેમાં 3603 ગાથા છે. વિશાળકાય ભાષ્યસાહિત્યમાં આચાર્ય જિનભદ્રગણિના વિશેષાવશ્યક ભાષ્યનું સ્થાન મહત્વપૂર્ણ છે. આ ગ્રંથ જૈન આગમોના બહુવિધ વિષયોનો પ્રતિનિધિ ગ્રંથ છે.

આ ઉપરાંત તેમણે ‘બૃહદ્ સંગ્રહણી’, ‘બૃહદ્ ક્ષેત્રસમાસ’, ‘વિશેષણવતી વિશેષાવશ્યક ભાષ્ય’, ‘સ્વોપજ્ઞવૃત્તિ’ (અપૂર્ણ), ‘જિતકલ્પ’, ‘અનુયોગદ્વાર ચૂર્ણિ’ તથા ‘ધ્યાન શતક’ આદિ ગ્રંથોની પણ રચના કરી હતી. તેમનું ચિંતન અત્યંત મૌલિક અને આગમપરંપરાને અનુકૂળ હતું. ઉત્તરવર્તી સાહિત્યકારોએ ઉચ્ચ કોટિના ભાષ્યકાર રૂપે તેમનું સ્મરણ કર્યું છે.

રૂપેન્દ્રકુમાર પગારિયા