જિંદગી યા મોત (1952) : સુપ્રસિદ્ધ સિંધી નવલકથા. ભારતના વિભાજનની વિભીષિકા અને વિસ્થાપિતોના પુનર્વસવાટ માટેની સંઘર્ષમય કરુણિકાનું નિરૂપણ કરતી આ નવલકથાના લેખક પ્રો. રામ પંજવાણી (1911–1987) છે.

સિંધના વિસ્થાપિત શિક્ષકને રઝળપાટ છતાં કલ્યાણકૅમ્પમાં કોઈ નોકરી મળતી નથી; આથી ઉંમરલાયક પુત્રીની સગાઈ એક રોગિષ્ઠ ધનવાન સાથે કરાવવા તેઓ વિવશ બની જાય છે. કન્યા અન્ય યુવકને ચાહતી હોય છે; પરંતુ પિતાની આર્થિક કઠિનાઈઓના કારણે તે પણ વિવશ બની જાય છે. કથામાં કેટલીય અણધારી ઘટનાઓ બને છે. ધનવાન યુવક પ્લાસ્ટિક સર્જરી કરાવીને સ્વસ્થ બની જાય છે. તેમ છતાં મંગેતરને બહેન ઠરાવે છે અને કન્યાનાં લગ્ન અંતે તેના પ્રેમી સાથે થાય છે.

સાચા પ્રેમને આંચ આવે નહિ અને પ્રભુમાં આસ્થા રાખવાથી કઠિનાઈઓને પાર ઉતારી શકાય છે, તે આ કથાનો સંદેશો છે.

જયંત રેલવાણી