જિંગોડા (ઇતરડી)

January, 2012

જિંગોડા (ઇતરડી) : શરીર પર વળગીને પ્રાણીઓનાં શરીરમાંથી લોહી ચૂસનાર પરોપજીવી અષ્ટપાદી. લોહી ચૂસવાથી તેનું શરીર ફૂલી જાય છે. તેથી જ તે જિંગોડા કે ગિંગોડા તરીકે ઓળખાય છે. પ્રાણીના શરીર પરથી છૂટા પડી તે ભેજવાળી જમીનમાં, ઢોરને બાંધવા માટેના તબેલાની તિરાડોમાં, ઘાસની પથારીમાં કે ગમાણમાં લાકડાની તિરાડોમાં સંખ્યાબંધ ઈંડાં મૂકે છે, તેમાંથી નીકળેલી નાની નાની ઇતરડી ઘાસ પર ચોંટી રહે છે અને ત્યાંથી પ્રાણીના શરીર પર સ્થળાંતર કરે છે. આ જ પ્રમાણે તબેલાની તિરાડોમાંથી નીકળેલી નાની ઇતરડી બહાર આવીને સીધી જ જાનવરના શરીરને ચોંટી જાય છે. ‘જુઓ’માં દર્શાવ્યા મુજબનાં પગલાં લેવાથી જિંગોડાની વસ્તી પણ ઘટાડી શકાય છે. ઉપરાંત મેલાથિયૉન 0.5 % અથવા સુમિથિયૉન 0.05 %  અથવા કાર્બારિલ 0.8 % પ્રવાહી મિશ્રણથી ભરેલા હોજમાંથી પ્રાણીને પસાર કરવાથી આવા બાહ્ય પરોપજીવીનો નાશ થાય છે. આ પ્રવાહી મિશ્રણ પંપની મદદથી પણ ઢોરના શરીર પર છાંટી શકાય. મેલાથિયૉન કે બીએચસી જેવી ભૂકા રૂપ દવાને પાતળા કપડામાં લઈને પ્રાણીના ભીના શરીર પર ભભરાવવી જોઈએ. ઉપર જણાવેલ બધી જ કીટનાશી દવાઓ ઝેરી હોઈ તેનો છંટકાવ કર્યા બાદ ઢોર તેના શરીરના કોઈ અંગને ચાટે નહિ તેનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ.

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ

પરબતભાઈ ખી. બોરડ