જાહેર હિતના દાવાઓ

જાહેર હિતના દાવાઓ : જાહેર હિતને સ્પર્શતી બાબતો અંગે અસર પામેલા નાગરિકો વતી ન્યાયાલયની દાદ માગવા રજૂ કરવામાં આવતા દાવા. અંગ્રેજ શાસનના વારસા રૂપે સ્વાધીન ભારતને મળેલા ન્યાયતંત્રના માળખામાં તથા અભિગમમાં યથાસમયે પાયાના ફેરફારો દાખલ કરવામાં આવ્યા છે. હવે નાગરિકોના મૂળભૂત તથા આનુષંગિક અધિકારોના અમલની બાબતોમાં પરંપરાગત ર્દષ્ટિકોણને બદલે નવો અભિગમ સ્વીકારવામાં આવ્યો છે. અત્યાર સુધીની પરંપરા મુજબ પોતાના અધિકારોના સંભવિત અથવા વાસ્તવિક ભંગ સામે અદાલત સમક્ષ રજૂઆત કરવાની તક માત્ર અસરગ્રસ્ત (aggrieved) નાગરિકોને જ મળતી હતી અને તેમના વતી ન્યાયાલયની દાદ માગવાનો ત્રાહિત વ્યક્તિનો અધિકાર સ્વીકારવામાં આવતો ન હતો. આમ પ્રત્યક્ષ રીતે અસરગ્રસ્ત વ્યક્તિ જ ન્યાયાલયનો સહારો લેવાનો અધિકાર ધરાવી શકે છે. આવી વિચારસરણી પર ન્યાયવિતરણની વ્યવસ્થા રચવામાં આવી હતી. અલબત્ત, તેમાં એક અપવાદ એવો માન્ય રાખવામાં આવ્યો હતો કે કોઈ અટકાયતી નાગરિક વતી તેના સગાસંબંધી કે મિત્રો ન્યાયાલય સમક્ષ હેબિયસ કૉર્પસ અરજી રજૂ કરી શકતા હતા. જાહેર હિતના દાવા દ્વારા આ વિચારસરણીના સંદર્ભમાં હવે મળેલી છૂટછાટોને ‘પ્રો બોનો પબ્લિકો’ દાવા અથવા સામાજિક કે જાહેર હિતના દાવા (social action litigation) તરીકે ઓળખવામાં આવે છે. આમ જાહેર હિતને સ્પર્શતી કોઈ પણ બાબતમાં કોઈ નાગરિક કે જાહેર સંસ્થાનાં હિતો પ્રત્યક્ષ રીતે સંડોવાયેલાં ન હોય તોપણ તે હવે ઔપચારિક ઉપસ્થાનાધિકાર(locus standi)ના આ વિસ્તરેલ અભિગમ હેઠળ બીજાનાં હિતોના રક્ષણ માટે ન્યાયાલયની દાદ માગતું આવેદનપત્ર રજૂ કરી શકે છે અને તે દ્વારા નાગરિકોના હકોનું પાલન કરાવવા અથવા હકોને નષ્ટ થતા અટકાવવા અદાલતની દરમિયાનગીરી મેળવી શકે છે. વિખ્યાત બ્રિટિશ ન્યાયવિદ્ અને જાણીતા ન્યાયાધીશ લૉર્ડ ડેનિંગ દ્વારા આ નવા અભિગમની પહેલ કરવામાં આવી હતી અને તેના અનુસરણ રૂપે જ ભારતમાં જાહેર હિતના દાવાને હવે ન્યાયાલયની સ્વીકૃતિ પ્રાપ્ત થઈ છે. આ દાવામાં નાગરિકોના હકોનાં પ્રતિપાદન તથા સમર્થન ઉપરાંત કોઈક જાહેર ફરજના અમલ-પાલનનો હેતુ પણ સામેલ હોઈ શકે છે. ન્યાયાલય સમક્ષ આ સંદર્ભમાં આવેદનપત્ર રજૂ થતાં અદાલત તેના વાજબીપણાની સમીક્ષા કરી પ્રતિવાદી સરકારી તંત્ર અગર જાહેર ક્ષેત્રના સંચાલકોનાં નિર્ણયો અને વર્તન અંગે તેમનો ખુલાસો માગી શકે છે. ભારતમાં વીસમી સદીના છેલ્લા ત્રણ દાયકા દરમિયાન સામાજિક અન્યાય તથા શોષણનો ભોગ બનેલા નિરાધાર અને કચડાયેલા નાગરિકોના હકોની સુરક્ષા અંગે ભારતનું ન્યાયતંત્ર સતત ચિંતિત અને જાગ્રત રહ્યું છે તથા દેશના નાગરિકોને સંવિધાને આપેલા હકોનાં રક્ષણ અને સંવર્ધનની દિશામાં નિરંતર સક્રિય રહ્યું છે. બંધારણીય જોગવાઈઓના અમલ માટે જવાબદાર વહીવટી તંત્ર આ અંગેની પોતાની ફરજો પ્રત્યે ઉપેક્ષા સેવે ત્યારે પોતાના હકો પ્રતિપાદિત કરવામાં સામાજિક કે આર્થિક રીતે અસમર્થ નાગરિકો કે વર્ગના અધિકારોની જાળવણી માટે, પ્રત્યક્ષ રીતે અસરગ્રસ્ત ન હોય તેવા નાગરિકો કે સંસ્થાઓ પણ જાહેર હિતના દાવા દ્વારા ન્યાયતંત્રને કાર્યાન્વિત કરી શકે છે. પોલીસતંત્રનું અમાનવીય વર્તન, તેની અટકાયતમાંના નાગરિકોનાં પોલીસ અત્યાચારથી નીપજતાં મૃત્યુ, મહિલા અટકાયતીઓ પર પોલીસનો બળાત્કાર જેવાં નિંદ્ય કૃત્યો સામે અદાલતમાં કોઈ પણ નાગરિક કે નાગરિકોનું જૂથ આવેદન રજૂ કરી શકે તથા તે દ્વારા અસરગ્રસ્તોને ન્યાયિક રાહત પહોંચાડી શકે છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા નાગરિકો, લારીગલ્લાવાળા વેપારીઓ, ફેરિયા, જાહેર સંસ્થા સંચાલિત હૉસ્પિટલોમાં સારવાર લઈ રહેલા ગરીબ અને નિરાધાર દર્દીઓ, જુદા જુદા સ્તરે આરક્ષણ પામેલા પછાત વર્ગના લોકો, વેઠપ્રથાનો ભોગ બનેલા બંધુઆ(bonded)મજૂરો, સુનાવણી હેઠળના અટકાયતીઓ, જનજાતિ વર્ગનાં જૂથો વગેરેના ન્યાયોચિત હકો પ્રસ્થાપિત કરી તેના અસરકારક અમલમાં જાહેર હિતના દાવા દ્વારા નોંધપાત્ર કામગીરી થઈ છે. આમ વિવિધ ક્ષેત્રમાં થતા અન્યાયોનું નિવારણ થાય એ જાહેર હિતના દાવાનો મુખ્ય હેતુ છે. અલબત્ત, રાજકીય હેતુઓ સાધવા માટે અગર પોતાના પ્રતિસ્પર્ધીને હાનિ પહોંચાડવા માટે કે કોઈનું ચારિત્ર્યખંડન કરવા માટે તેનો આશરો લેવાય નહિ એની પણ તકેદારી ન્યાયતંત્ર દ્વારા લેવાતી હોય છે. ફોજદારી ગુનામાં સંડોવાયેલા અપરાધીઓ વતી આવા દાવા રજૂ કરી શકાય નહિ. આવા કિસ્સામાં ગુનેગારે પોતે જ ન્યાયાલયની દાદ માગવાની હોય છે.

ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે એક ચુકાદામાં એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે દેશમાં કાયદાના શાસનનો અમલ કરવા માટે, ન્યાયવિતરણની વ્યવસ્થા અને પ્રક્રિયાને યથાર્થ બનાવવા માટે તથા બંધારણના આદર્શોને મૂર્ત રૂપ આપી તેને હાંસલ કરવાની પ્રક્રિયા વધુ ઝડપી બનાવવા માટે જાહેર હિતના દાવાના પાયામાં રહેલી વિચારસરણી તથા તેના સંદર્ભમાં સ્વીકારવામાં આવેલો અભિગમ ઉચિત ગણાય. જાહેર હિતના દાવા અંગેની આ વિચારસરણીના અનુસંધાનમાં ભારતની સર્વોચ્ચ અદાલતે બંધારણની કલમ 32 હેઠળ અત્યાર સુધી વ્યક્તિઓ, પત્રકારો, વકીલો, સંસ્થાઓ, સંગઠનો દ્વારા રજૂ કરેલાં આવેદન ઉપરાંત અસરગ્રસ્ત લોકો, પોલીસ અત્યાચારનો ભોગ બનેલા અટકાયતીઓ જેવાએ લખેલા પત્રો તથા છાપાંમાં પ્રકાશિત થયેલા સમાચારોને આધારે પણ કાર્યવાહી હાથ ધરી છે. કેટલાક કિસ્સામાં આવા દાવા રજૂ કરવા થતું ખર્ચ ભરપાઈ કરી આપવાના હુકમો પણ અદાલતે આપ્યા છે.

આવા દાવા રજૂ કર્યા પછી આવેદનકાર વ્યક્તિ અધવચ્ચેથી મનસ્વી રીતે આવેદન પાછું ખેંચી શકે નહિ તથા પોતાના આવેદનને શરતી બનાવી શકે નહિ એવી સ્પષ્ટતા પણ સર્વોચ્ચ અદાલતે કરી છે.

ઘનશ્યામ પંડિત