જાવડેકર, શંકર દત્તાત્રેય (જ. 26 સપ્ટેમ્બર 1894, મલકાપુર; અ. 10 ડિસેમ્બર 1955, ઇસ્લામપુર) : મહારાષ્ટ્રના દાર્શનિક વિદ્વાન તથા પ્રખર ગાંધીવાદી. પુણેની ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાંથી 1912માં મૅટ્રિકની પરીક્ષા તથા મુંબઈની વિલ્સન કૉલેજમાંથી 1917માં બી.એ.ની પરીક્ષા તત્વજ્ઞાન વિષય સાથે પાસ કરી. એમ.એ.નો અભ્યાસ પડતો મૂકીને 1920માં રાષ્ટ્રીય આંદોલનમાં જોડાયા. 1930, 1932–33 તથા 1942માં કારાવાસ ભોગવ્યો. 1926માં પુણેના ટિળક મહાવિદ્યાલયમાં અધ્યાપક તરીકે જોડાયા; ત્યાં તેમને ‘આચાર્ય’ની પદવી પ્રાપ્ત થઈ. 1934–55ના ગાળામાં પત્રકારત્વના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી જેમાં 1934માં ‘સ્વરાજ્ય’ સામયિક માટે, 1935માં મુંબઈના ‘નવશક્તિ’ના સંપાદક તરીકે, 1935–37 દરમિયાન પુણેના ‘લોકશક્તિ’ના સંપાદક તરીકે, 1941 તથા 1945–46ના ગાળામાં ફરી તે જ વૃત્તપત્રના સંપાદક તરીકે, 1947–48માં ‘નવભારત’ના સહસંપાદક તરીકે તથા 1950–55 દરમિયાન ‘સાધના’ના સંપાદક તરીકેની કામગીરી નોંધપાત્ર છે. આ ઉપરાંત 1920–55ના સમગ્ર ગાળા દરમિયાન તેમણે વિવિધ વૃત્તપત્રો અને સામયિકોમાં રાજકારણ, સમાજકારણ તથા દર્શન પર વિપુલ લેખનકાર્ય કર્યું અને તે દ્વારા તે જમાનાના રાષ્ટ્રીય આંદોલનના નેતાઓને બૌદ્ધિક અને સૈદ્ધાંતિક માર્ગદર્શન પૂરું પાડ્યું.
તેમના વિચારો અને જીવનશૈલી પર ગાંધીવાદ અને માર્કસવાદ બંનેની અસર વરતાતી હતી અને તેથી મહારાષ્ટ્રમાં તે સમન્વયવાદી વિચારક તરીકે ખ્યાતિ ધરાવતા હતા. સ્વદેશી, સત્યાગ્રહ, સમાનતા તથા સામાજિક અને આર્થિક ન્યાયમાં તેમની ર્દઢ શ્રદ્ધા હતી. 1920માં તેમણે વતન ઇસ્લામપુરમાં હરિજન બાળકો માટે નિશાળ શરૂ કરી હતી.
1947 સુધી તેઓ કૉંગ્રેસ સાથે રહ્યા પરંતુ તે પછી તેમના અવસાન સુધી તેઓ પ્રજાસમાજવાદી પક્ષના સંનિષ્ઠ કાર્યકર તથા પક્ષની વિચારસરણીના ઘડવૈયા રહ્યા હતા.
1949માં પુણે ખાતે ભરાયેલ અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના પ્રમુખપદે તેમની વરણી થઈ હતી.
તેમણે લખેલા ગ્રંથોમાં ‘મહારાષ્ટ્રાતીલ રાષ્ટ્રીય પક્ષાંચી ઉત્ક્રાંતિ’ (1921), ‘હિંદી રાજકારણાચે સ્વરૂપ’ (1924), ‘રાજનીતિશાસ્ત્ર પરિચય’ (1926), ‘વિશ્વકુટુંબવાદ’ (1929), ‘રાજ્યશાસ્ત્ર મીમાંસા’ (1934), ‘આધુનિક ભારત’ (1938), ‘ગાંધીવાદ’ (1942), ‘કૉંગ્રેસ આણિ મહાયુદ્ધ’ (1945), ‘લોકમાન્ય ટિળક આણિ ગાંધી’ (1946) અને ‘ગાંધીજીવનરહસ્ય’ (1946) ઇત્યાદિનો સમાવેશ થાય છે.
‘નવભારત’ વૃત્તપત્રે 1949 અને 1956માં તથા ‘સાધના’ વૃત્તપત્રે 1955માં તેમનાં જીવન અને વિચારસરણી પર વિશેષાંક પ્રકાશિત કર્યા હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે