જાલોર : રાજસ્થાનના 33 જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો અને જિલ્લા મથક. ભૌગોલિક સ્થાન 25° 21’ ઉ. અ. 72° 37’ પૂ. રે.. આઝાદી પૂર્વે તે જોધપુર રાજ્યનો ભાગ હતો. આ જિલ્લામાં જાળનાં વૃક્ષો, અન્ય વૃક્ષો કરતાં વધારે હોવાથી શહેરનું નામ જાલોર પડ્યું છે.

જિલ્લો ગુજરાતની ઉત્તર સરહદે આવેલો છે. તેની પશ્ચિમે બાડમેર જિલ્લો, પૂર્વ તરફ પાલી અને શિરોહી જિલ્લાઓ અને ઉત્તર તરફ જોધપુર જિલ્લો છે. જિલ્લાનું ક્ષેત્રફળ 10,640 ચોકિમી. અને વસ્તી 18,30,151 (2011) છે.

જાલોર જિલ્લાનો મોટો ભાગ શુષ્ક રણપ્રદેશ છે. વચ્ચે રેતીના ઢૂવા અને છૂટીછવાઈ ટેકરીઓ આવેલાં છે. આ ટેકરીઓ આશોર, દોરા, ભીનમાલ અને બકવાસ આસપાસ આવેલી છે. ઊંચાઈ આશરે 736 મી. છે. આ પ્રદેશમાં થઈને જાવાઈ, ખારી, સાગી અને સુકલ નદીઓ વહે છે જે લૂણીને મળે છે.

અહીં ઉનાળામાં મે માસમાં તાપમાન 44° સે. અને શિયાળામાં જાન્યુઆરીમાં 8° સે. રહે છે. સમુદ્રથી આ પ્રદેશ દૂર હોવાથી આબોહવા વિષમ છે. રાત્રિ અને દિવસના તાપમાનમાં ઘણો તફાવત રહે છે. પ્રદેશમાં 250 મિમી.થી 500 મિમી. વરસાદ પડે છે પણ તે અનિયમિત પડે છે. ઉનાળાની શરૂઆતમાં વાવાઝોડાને કારણે રેતી ખૂબ ઊડે છે. વરસમાં આવા 9થી 15  જેટલા વાવાઝોડાના પ્રસંગો બને છે.

અહીં ઘાસનાં બીડ તથા કાંટાવાળાં, ઊંડાં મૂળવાળાં કુમતા, હિંગોર, આલર, રોહીડા, ગોલ, લીંબડો, જાળ, બાવળ વગેરે વૃક્ષો જોવા મળે છે.

રીંછ, શિયાળ, જંગલી બિલાડી, લોંકડી, છીંકારાં, સસલાં, રોઝ વગેરે વન્ય પ્રાણીઓ જોવા મળે છે. ચકલી, બુલબુલ, બયા, પોપટ, કોયલ, ગીધ, કાબર, કાગડો વગેરે પક્ષીઓ જોવા મળે છે. ઉપરાંત, કાળોતરો નાગ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. મારવાડી ઘેટાં-બકરાં સારી ગુણવત્તાનું ઊન આપે છે. જાલોરી ગાય અને જાલોરી ઘોડા સારી ઓલાદનાં છે.

અહીં ફીલાઇટ, શિસ્ટ, આરસ, ક્વાટ્ર્ઝાઇટ, ગ્રૅનાઇટ અને રહાયોલાઇટ મુખ્ય ખડકો છે. ગુલાબી અને ભૂખરા ગ્રૅનાઇટ અને જાલાની રહાયોલાઇટ પથ્થરો જાણીતા છે. થોડા પ્રમાણમાં ફ્લોરાઇટ પણ મળે છે.

જિલ્લામાં 6,07,550 હેક્ટરમાં ખેતી થાય છે, જ્યારે 17,044 હેક્ટરમાં જંગલો છે. 2,51,261 હેક્ટર જમીન ગૌચરની અને પડતર છે. જુવાર, બાજરી, ચણા, કઠોળ અને ઘઉં મુખ્ય પાક છે. પાણીની સગવડ હોય ત્યાં ડાંગર ને તમાકુ થાય છે. જિલ્લામાં જાવાઈ નદી ઉપર બંધ બાંધીને નહેરો વાટે ખેતી માટે પાણી અપાય છે. કૂવા દ્વારા મુખ્યત્વે સિંચાઈ થાય છે.

આ જિલ્લામાં મુખ્યત્વે લઘુઉદ્યોગો આવેલા છે. આહોરમાં પાવરલૂમ ઉપર સુતરાઉ કાપડ વણાય છે. ભીનમાલમાં તેલની મિલ છે. જાલોરમાં પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવવાનું કારખાનું છે, જ્યારે સાંચોરમાં લાકડાની વસ્તુઓ બને છે.

ગુજરાતમાંથી અમદાવાદ-પાલનપુર અને આબુરોડથી જતી મીટર ગેજ રેલવે જાલોર થઈને પાકિસ્તાનની સરહદે બાડમેર સુધી જાય છે. બાડમેરથી બિશનગઢ, સંગેરાવ અને બરનેસરથી કેનિયા થઈને સાંચોર સુધી રાષ્ટ્રીય ધોરી માર્ગ જાય છે.

જાલોર, ભીનમાલ, આહોર અને સાંચોર જિલ્લાનાં મુખ્ય શહેરો છે. વરાહ શ્યામ, ચંડીનાથ મહાદેવ, હનુમાનજી તથા ચામુંડાનાં મંદિરો ચૌહાણ રજપૂતોએ બંધાવ્યાં છે. ભીનમાલ કે ભિન્નમાલ ઉર્ફે શ્રીમાલ ગુર્જર પ્રતિહાર રાજાઓની રાજધાનીનું શહેર હતું અને અહીંથી શ્રીમાળી બ્રાહ્મણ, વણિકો, સોની તથા પોરવાડ વણિકો વગેરે સ્થળાંતર કરી ગુજરાતમાં વસ્યા હતા. સાંચોર અને જાલોરના બ્રાહ્મણો ગુજરાતમાં વસ્યા હતા.

જાલોર લૂણી નદીની ઉપશાખા સુબરી નદીની દક્ષિણે આવેલું છે. તે રેલવે દ્વારા તથા રસ્તા દ્વારા જોધપુર સાથે જોડાયેલું છે. ખેતીના પાકો માટેનું મુખ્ય બજાર કે વેપારી કેન્દ્ર છે. બારમી સદીમાં ચૌહાણ રાજપૂતોની રાજધાનીનું શહેર હતું. 1310માં અલ્લાઉદ્દીન ખલજીએ જીતી લીધું. શહેરના બહારના ભાગમાં અગિયારમી સદીનો કિલ્લો છે. તેનું પ્રાચીન નામ જાબાલિપુર છે અને તે જૈન ધર્મનું કેન્દ્ર હતું. શહેરમાં રાજસ્થાન યુનિવર્સિટી સાથે જોડાયેલી કૉલેજ છે. જિલ્લાનું વેપારી અને શૈક્ષણિક કેન્દ્ર છે.

રામદેવજી અને સુધામાતાના મેળા ભાદરવા સુદ તેરસથી પૂનમ દરમિયાન ભરાય છે. આ ઉપરાંત જાલોર, ચનોદર, મુન્થાલી અને સિળિમાં શીતળા માતાના મેળા ભરાય છે. સતી માતાનો મેળો પણ પ્રખ્યાત છે.

શંકરલાલ ત્રિવેદી