જાળાં બનાવનારી ઇયળ : જુવારનાં ડૂંડાં પર જાળાં બનાવી કણસલાંને નુકસાન કરતી વિવિધ ઇયળો. તેનો ક્રિપ્ટોબ્લબસ અગ્યુસ્ટિપૅનેલાના રોમપક્ષ શ્રેણીના પાયરેલીડી કુળમાં સમાવેશ થાય છે. જુવાર ઉપરાંત કોઈક વખત આ ઇયળો મકાઈ અને રાગીને પણ નુકસાન કરે છે. પુખ્ત ફૂદું પાંખોની પહોળાઈ સાથે આશરે 15 મિમી. પહોળાઈનું હોય છે. તેની આગળની પાંખો ભૂખરી અને પાછળની પાંખો આછા ભૂખરા રંગની હોય છે. માદા ફૂદી નવાં ખૂલેલાં ફૂલો અને કણસલાં પર 14 જેટલાં ઈંડાં 3 દિવસમાં મૂકે છે. ઈંડાંઅવસ્થા 3 દિવસની હોય છે. શરૂઆતની નીકળેલી નાની ઇયળો ફૂલ પર નભે છે અને ત્યારબાદ દૂધિયા દાણા ખાય છે. ઇયળ પાતળી, રંગે ભૂખરી અને બદામી રંગના માથાવાળી હોય છે. તે શરીર પર સીધા બદામી રંગના 4 પટ્ટા ધરાવે છે. ઇયળ અવસ્થા 19થી 22 દિવસની હોય છે. તે દરમિયાન ઇયળ 5 અવસ્થા (instar) પસાર કરે છે. પુખ્ત કોશેટા અવસ્થા 7થી 20 દિવસની હોય છે. સંપૂર્ણ જીવનક્રમ પૂર્ણ થતાં એકથી દોઢ મહિના જેટલો સમય લાગે છે. ખાસ કરીને આ જીવાતનો ઉપદ્રવ જુવારનાં ડૂંડાંમાં ઉનાળામાં અને ઑક્ટોબર-નવેમ્બર માસમાં જોવા મળે છે. ઇયળો ડૂંડાં પર જાળાં બનાવી તેમાં અંદર ભરાઈ રહી દાણા ખાય છે.
આ ઉપરાંત યુબ્લેમા સિલિક્યૂલા નામની બીજી જાતિની ઇયળો જેનો સમાવેશ રોમપક્ષ શ્રેણીના નોકટ્યુડી કુળમાં થાય છે, તે પણ જુવારનાં કણસલાંમાં રહીને જાળાં બનાવીને નુકસાન કરે છે. તેનું પુખ્ત ફૂદું નાનું અને રતાશ પડતા પીળા રંગની પાંખોવાળું હોય છે જેના પર વાંકીચૂકી લીટીઓ જોવા મળે છે.
જાળાં બનાવનારી ઇયળનો ઉપદ્રવ જોવા મળે તો મૉનોક્રોટોફૉસ 0.036 %, ઍન્ડોસલ્ફાન 0.07 %, ડીડીવીપી 0.05 % પૈકી કોઈ પણ એક પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવો આવશ્યક છે.
પરબતભાઈ ખી. બોરડ
ધીરુભાઈ મનજીભાઈ કોરાટ