જાલોન (Jalaun) : ઉત્તર પ્રદેશના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન તે 26° 09’ ઉત્તર અક્ષાંશ અને 79° 21’ પૂર્વ રેખાંશની આજુબાજુનો 4565 ચોકિમી. જેટલો (પૂર્વ પશ્ચિમ 93 કિમી લંબાઈ અને ઉત્તર-દક્ષિણ 68 કિમી. પહોળાઈ) વિસ્તાર આવરી લે છે. જિલ્લાનું નામ જિલ્લા મથક જાલોન પરથી પડેલું છે. જિલ્લા મથક જાલોન હોવા છતાં ઓરાઈ વહીવટી મથક તરીકે ઉપયોગમાં લેવાય છે. તે ઝાંસી વિભાગનો જિલ્લો ગણાય છે. તેની ઉત્તરે ઓરૈયા, પૂર્વમાં કાનપુર, અગ્નિ અને દક્ષિણ તરફ હમીરપુર, દક્ષિણ તરફ ઝાંસી જિલ્લા તથા પશ્ચિમ તરફ રાજસ્થાનની સીમા આવેલાં છે.

ભૂપૃષ્ઠઆબોહવા : બુંદેલખંડ પ્રદેશના સમતળ મેદાનમાં આ જિલ્લો પથરાયેલો છે. તેની ઉત્તર અને પૂર્વ સીમા પરથી યમુના નદી વહે છે. ઉત્તર તરફ યમુના નદી આ જિલ્લાને ઓરૈયા અને કાનપુર જિલ્લાઓથી અલગ પાડે છે; તેમજ બેતવા (સહાયક) નદી તેની દક્ષિણ સીમા અને પાહુજ નદી તેની પશ્ચિમ સીમા રચે છે. જ્યારે નોન (Non) અને મેલુંજા નદીઓ તેના મધ્ય ભાગમાંથી પસાર થતી હોવાથી ત્યાં ઊંડાં કોતરો રચાયાં છે. અહીંનું ઉનાળાનું સરેરાશ તાપમાન 40° સે. જ્યારે શિયાળાનું સરેરાશ તાપમાન 10° સે. રહે છે. આ જિલ્લો સમુદ્રથી દૂર અંતરિયાળ ભાગમાં આવેલો હોવાથી અહીં દુષ્કાળની પરિસ્થિતિ અવારનવાર સર્જાય છે. અહીં વાર્ષિક સરેરાશ વરસાદ 800 મિલી. જેટલો પડે છે.

વનસ્પતિ : અહીં વૃક્ષો અને વનસ્પતિનું પ્રમાણ ઓછું (6 %) છે; તેમ છતાં બાવળનાં વૃક્ષોનું પ્રમાણ અધિક છે. ઉત્તરના ભાગોમાં આંબા અને મહુડાનાં વૃક્ષો વધુ છે.

ખેતીપશુપાલન : આ જિલ્લામાં મુખ્યત્વે જુવાર, બાજરી, ડાંગર, જવ, તેલીબિયાં, ઘઉં, કઠોળ, શેરડી વગેરે જેવા કૃષિ પાકો લેવાય છે.  બાગાયતી ખેતીમાં ડેરીની સ્થાનિક જાતની વાડીઓ આવેલી છે. અહીં ગાય, ભેંસ, ઘેટાં-બકરાં, મરઘાં-બતકાં વગેરેનો ઉછેર થાય છે. અહીંની ગાયની અજયગઢ ઓલાદ વધુ જાણીતી છે.

ગૃહઉદ્યોગવેપાર : અહીં ખેતી અને પશુપાલન પર આધારિત ગૃહઉદ્યોગો વિકસેલા છે; જેમાં ખાસ કરીને ચર્મઉદ્યોગ, હાથસાળ, ખાદ્યપ્રક્રમણ વગેરેનો સમાવેશ થાય છે. નિકાસ થતી વસ્તુઓ પૈકી  ઘઉં, બટાટા અને શેતરંજી તથા આયાતી વસ્તુઓ પૈકી ગંધક, સૂતર, કાપડ અને ઘી મુખ્ય છે.

પરિવહનપ્રવાસન : આ જિલ્લામાંથી કાનુપર-લખનૌ અને ઝાંસીને જોડતો રેલમાર્ગ ઓરાઈ પાસેથી પસાર થાય છે. કાનપુરથી ઝાંસી જતો મધ્ય રેલમાર્ગ આ જિલ્લાના મોટા ભાગને આવરી લે છે. એ જ રીતે ઉપર્યુક્ત મથકોને સાંકળતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 25 રેલમાર્ગને સમાંતર પસાર થાય છે. રાજ્ય ધોરી માર્ગ નં. 21 જાલોન નગરને ઓરાઈ સાથે તેમજ ઇટાવાહ જિલ્લાના ઓરૈયા મથકને સાંકળે છે. સડક માર્ગોની કુલ લંબાઈ આશરે 800 કિમી. જેટલી છે.

આ જિલ્લામાં મંદર સાહિબ, ગફૂર ઝંઝાની, ચૌલ બીબી, બહાદૂર શહીદ, ચૌરસી ગુંબજ (લોદી શાહ બાદશાહની કબર અથવા સિકંદર લોદીની કબર), સીરી દરવાજા જોવાલાયક સ્થળો ગણાય છે. અહીં કેટલાક સ્વાતંત્ર્ય-સેનાનીઓ થઈ ગયા છે, તેમની યાદમાં 25મી ડિસેમ્બરે મેળો ભરાય છે. આ ઉપરાંત જિલ્લામાં ‘કલ્પી’ કિલ્લો આવેલો છે, તે યમુના નદી પર છે તેમજ તેનું ઐતિહાસિક મહત્વ વધુ છે. ‘લંકા’ નામે જાણીતી ઊંચી ઇમારત અહીંના બાબુ મથુરા- પ્રસાદે બંધાવેલી, તેમાં દશ મસ્તકવાળું રાવણનું પૂતળું મૂકેલું છે.

લોકોવસ્તી : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 16,70,718 જેટલી છે. અહીં 10 શહેરો અને 1151 (209 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે. અહીં હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, શીખ લોકોની વસ્તી છે. તેઓ મોટે ભાગે હિંદી અને ઉર્દૂ ભાષાઓનો ઉપયોગ કરે છે. આ જિલ્લામાં શિક્ષણ અને આરોગ્યકેન્દ્રોની સુવિધા ઉપલબ્ધ છે.

ગિરીશભાઈ પંડ્યા

નીતિન કોઠારી

ઇતિહાસ : આ પ્રદેશની ભૂમિ સપાટ હોવાથી તે માનવવસવાટ માટે અનુકૂળ છે. તેથી પ્રાચીન સમયથી લોકો ત્યાં વસવાટ કરે છે. યમુના નદીના કિનારે આવેલું કાલ્પી આ જિલ્લાનું સૌથી પ્રાચીન નગર છે. તેનો ઉલ્લેખ મહાભારત ગ્રંથમાં પણ મળે છે. કાલ્પીમાં વ્યાસ ટીલા નામનું સ્થળ છે. ત્યાંના લોકો માને છે કે તે નામ મહાભારતના લેખક મહર્ષિ વેદવ્યાસ સાથે સંબંધ ધરાવે છે. કાલ્પીમાં એક સૂર્યમંદિર આવેલું છે. ભગવાન કૃષ્ણના પુત્ર સાંબે તે બંધાવ્યું હતું એમ માનવામાં આવે છે.

આ પ્રદેશ પર સમ્રાટ હર્ષવર્ધન રાજ્ય કરતો હતો અને ચીની પ્રવાસી યુઅન શ્ર્વાંગે તેના હેવાલમાં તેનો ઉલ્લેખ કર્યો છે. કેટલાંક વર્ષો પછી કનોજના રાજાઓનું અને તે પછી ગૂર્જર પ્રતિહારવંશના મહત્વાકાંક્ષી શાસક નાગભટ્ટનું ત્યાં શાસન હતું. તેનો પૌત્ર મિહિર જે રાજા ભોજ નામે જાણીતો થયો તે પણ ત્યાં રાજ્ય કરતો હતો. કાલિંજરના ચંદેલ વંશના રાજાઓએ તે પ્રદેશ ખાલસા કર્યો અને કેટલીક સદીઓ સુધી તેમના શાસન હેઠળ રહ્યો. તે દરમિયાન કાલ્પીનો કિલ્લો મુખ્ય ગણાતો હતો. પૃથ્વીરાજે તે પ્રદેશ જીતી લીધો હતો. 12મી સદીના છેલ્લા દાયકામાં શિહાબુદ્દીન મુહમ્મદ ઘોરીએ તે પ્રદેશ જીતી લીધો હતો. તે પછી લોદી વંશના પઠાણ સુલતાનો તથા મુઘલ શહેનશાહો તે પ્રદેશ પર રાજ્ય કરતા હતા. શહેનશાહ અકબરે આ પ્રદેશની મુલાકાત લીધી હતી અને કુલીનખાન તથા અબ્દુર રહીમ ખાન ખાનને આ પ્રદેશનો વહીવટ કરવા વાસ્તે નીમવામાં આવ્યા હતા. તે પછી 18મી સદીમાં મરાઠાઓએ ત્યાં શાસન કર્યું. તે દરમિયાન પિંઢારાનો ત્રાસ વધી ગયો હતો. અંગ્રેજોના શાસન દરમિયાન આખા જિલ્લા પર એક એકમ તરીકે વહીવટ શરૂ થયો. 1857ના વિપ્લવ દરમિયાન બ્રિટિશ લશ્કરનું મથક ઓરાઈમાં હતું. ઝાંસી ગુમાવ્યા પછી રાણી લક્ષ્મીબાઈ અને નાનાસાહેબે અંગ્રેજોનો સામનો કરવા કાલ્પી તરફ કૂચ કરી હતી. તે પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી (1947) આ પ્રદેશ અંગ્રેજોની સત્તા હેઠળ રહ્યો હતો.

જયકુમાર ર. શુક્લ