જાયરોસ્કોપ : અવકાશમાં સ્થાયી દિશા પ્રાપ્ત કરવા માટે ભ્રમણનો ઉપયોગ કરતું સાધન. સાદા જાયરોસ્કોપમાં ચાકગતિ કરતું ચક્ર કે ગોળો હોય છે, જેને રોટર કહે છે. ઉપરાંત તેમાં આધારતંત્ર પણ હોય છે. એક વાર રોટરને ગતિમાન કરવામાં આવે પછી જાયરોસ્કોપ તેના ભ્રમણની દિશા બદલવાના પ્રયત્નનો વિરોધ કરે છે. આ ગુણધર્મના કારણે, ઉયન અને સમુદ્રનયનનાં સાધનોમાં તેનો બહોળો ઉપયોગ થાય છે. માર્ગ વિશેની માહિતી તે પૂરી પાડે છે અને તેની પર હવાના કે સમુદ્રના તોફાનની કોઈ અસર ન થવાથી, તે ઉપયોગી થઈ પડે છે.
ટર્ન અને બૅંક દર્શક પ્રકારનું જાયરોસ્કોપનું સાધન વિમાનના પાઇલટને હવામાં તેમના વિમાનનું સ્થાન નિર્ણીત કરવામાં મદદરૂપ થાય છે.
સમુદ્રમાં વહાણોનું ડોલન ઘટાડવા માટે, તેમને સ્થિરતા આપવા મોટા જાયરોસ્કોપનો ઉપયોગ થાય છે. મનુષ્ય પાઇલટ કરતાં જાયરોસ્કોપનો ઉપયોગ કરતા સ્વયંસંચાલિત પાઇલટ વહાણ કે હવાઈ જહાજને વધુ સફળતાપૂર્વક માર્ગની નજીક ચલાવી શકે છે.
ટૉર્પીડો, પ્રક્ષેપાસ્ત્રો (missiles), ઉપગ્રહો (satellites) અને અવકાશયાનની દોરવણી માટે જાયરોસ્કોપ ધરાવતાં સાધનો અગત્યનાં છે.
હિંમતલાલ ચૂનીલાલ શુક્લ