જાલના : મહારાષ્ટ્રના 35 જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો તથા જિલ્લાનું વહીવટી મથક. ભૌતિક સ્થળ 19° 50’ ઉત્તર અક્ષાંશ અને 75° 53’ પૂર્વ રેખાંશ મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ (1960) ત્યારે તે ઔરંગાબાદ જિલ્લાનો એક તાલુકો હતો. જિલ્લાનો કુલ વિસ્તાર 7715 ચોકિમી. તથા તેની વસ્તી 19,58,483 (2011) છે. જાલના નગર કુંડલિકા નદીના જમણા કિનારા પર આવેલું છે. તે કાચિગુડા મનમાડ–નાંદેડ તથા મુંબઈ–ઔરંગાબાદ–નાંદેડ રેલમાર્ગ પરનું મહત્વનું મથક છે.

જાલના ખેતપેદાશના વ્યાપારનું મહત્વનું કેન્દ્ર છે. જિલ્લામાં કપાસ, મગફળી, ઘઉં, બરછટ અનાજ ઇત્યાદિની પેદાશ નોંધપાત્ર પ્રમાણમાં થાય છે. જાલના નગરમાં બીડીનાં કારખાનાં તથા તેલની ઘાણીઓ છે. રાજ્યમાંનાં ઔદ્યોગિક વિકાસ-કેન્દ્રોમાં તેનું સ્થાન છે.

અલાયદો જિલ્લો બન્યા પછી જાલના નગરનો વિકાસ ઝડપથી થયો છે. ત્યાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ઉપરાંત વિનયન, વાણિજ્ય તથા વિજ્ઞાનની વિદ્યાશાખાઓ ધરાવતી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ છે.

અહીંની એક મસ્જિદ અને આનંદસ્વામીનું મંદિર જોવાલાયક છે.

રામાયણ-કાળથી આ નગર અસ્તિત્વમાં છે એવી લોકવાયકા છે. અબુલફઝલ, શિવાજી તથા ઔરંગઝેબે આ સ્થળની મુલાકાત લીધી હતી તેના ઐતિહાસિક પુરાવા ઉપલબ્ધ છે. 1725માં બાંધવામાં આવેલો એક દુર્ગ હાલ ભગ્ન અવસ્થામાં છે. 1827માં અહીં લશ્કરની છાવણી ઊભી કરવામાં આવેલી અને ત્યારથી 1903 સુધી તે હૈદરાબાદના નિઝામનું લશ્કરી મથક હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે