જામનગર જિલ્લો : પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કચ્છના અખાતની દક્ષિણે આવેલો જિલ્લો અને શહેર.
ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 21 41´ ઉ. અ.થી 22 58´ ઉ. અ. અને 68 57´ પૂ. રે.થી 70 39´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે અરબી સમુદ્રના ભાગ રૂપે કચ્છનો અખાત, પૂર્વે રાજકોટ જિલ્લો, દક્ષિણે પોરબંદર જિલ્લો અને પશ્ચિમે દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ સીમા રૂપે આવેલા છે. આ જિલ્લાને આશરે 250 કિમી. લંબાઈ ધરાવતો સમુદ્રકિનારો પ્રાપ્ત થયો છે. આ સમુદ્રકિનારે અનેક ખાડીઓ અને નદીઓનાં મુખ આવેલાં હોવાથી તે વધુ ખાંચાખૂંચીવાળો છે.

જામનગરનો નકશો
આ જિલ્લાના સમુદ્રકિનારે બૅસૉલ્ટ ખડકો પર પાતળા કાદવકીચડના સ્તર આવેલા છે. દરિયાઈ ખરાબાના કારણે કિનારો કાદવકીચડવાળો બન્યો છે. તેમજ સમુદ્રમાં ડૂબેલા ટાપુઓ, રેતીની ટેકરીઓ અને પરવાળાના ખરાબા અને મૅંગ્રોવ વનસ્પતિ જોવા મળે છે. જામજોધપુર, કાલાવાડ અને લાલપુર તાલુકાઓનો થોડો ભાગ ડુંગરાળ છે. જોડિયા, જામનગર, ધ્રોલ તાલુકાઓ સપાટ છે. દરિયાકિનારાના નજીકના નીચાણવાળા સમતળ ભાગમાં મોટી ભરતી વખતે દરિયાનું પાણી ફરી વળે છે. પરિણામે ખારાપટવાળો ભાગ લગભગ 18 કિમી. લાંબો અને 5 કિમી. પહોળો છે. આ કિનારો 42 નાના ટાપુઓનો બનેલો છે. જેમાં પિરોટન ટાપુ વધુ જાણીતો છે. આ સિવાય અનેક ટાપુઓ પણ આવેલાં છે. ભૂસ્તરશાસ્ત્રીઓનું માનવું છે કે જામનગર એ એક સમયે ટાપુઓનો સમૂહ હશે. આ જિલ્લાની નદીઓ ઋતુપર્યંત છે. ચોમાસાની ઋતુમાં જ પાણી જોવા મળે છે. અહીં ઉંડ, વર્તુ, આજી, રૂપારેલ, નાગમતી, ફૂલઝર અને વેણુ નદી આવેલી છે. કેટલીક નદીઓ ઉપર આડબંધ બાંધીને તેના પાણીનો ઉપયોગ ખેતી માટે થાય છે.
આબોહવા – વનસ્પતિ – પ્રાણીસંપત્તિ : આ જિલ્લો ઉષ્ણકટિબંધમાં આવેલો છે. પણ સમુદ્રના સામીપ્યને લીધે ઉનાળાની ઋતુમાં તાપમાન પ્રમાણમાં નીચું રહે છે. ઉનાળામાં એટલે કે માર્ચ-મે માસ દરમિયાન કેટલીક વાર 40 સે. પહોંચી જાય છે. ઑક્ટોબરથી ફેબ્રુઆરીના અંત દરમિયાન શિયાળાની ઋતુમાં તાપમાન 30 સે.ની આસપાસ રહે છે. જૂનથી સપ્ટેમ્બર માસ એટલે કે વર્ષાઋતુ દરમિયાન અવારનવાર ચક્રવાત અનુભવાય છે. આ જિલ્લામાં સરેરાશ વરસાદ 800 મિમી. જેટલો પડે છે.
આ જિલ્લામાં આશરે 500 ચો.કિમી. ભૂમિમાં જંગલો આવેલાં છે. દરિયાકિનારાના પ્રદેશોમાં કાદવકીચડવાળા પ્રદેશને લીધે મૅંગ્રોવ જંગલો જોવા મળે છે. જેનો વિસ્તાર લગભગ 140 ચો.કિમી. છે. તેમાં નિમ્ન પ્રકારના ચેરનાં વૃક્ષો મુખ્ય છે. આ વૃક્ષોની વિશિષ્ટતા એ છે કે તે સૂકી જમીનો પરનાં વૃક્ષોની સરખામણીમાં તે કાર્બનડાયૉક્સાઇડમાંથી વધુ પ્રમાણમાં કાર્બનને અલગ પાડે છે. આ વૃક્ષો ક્ષાર સામે ટકી શકે છે. તેમજ દરિયાથી થતા ધોવાણ સામે કિનારાનું રક્ષણ કરે છે. બાકીનો વિસ્તાર ઘાસનાં બીડોનો છે. અહીં બાવળ, ગોરડ, લીમડો વગેરે વૃક્ષો જોવા મળે છે.
જંગલોમાં દીપડો, જરખ, નાર, શિયાળ, લોંકડી, જંગલી બિલાડી, ભૂંડ, નોળિયો, હરણ, છીંકારા જેવાં પ્રાણીઓ જોવા મળે છે. સમુદ્રમાં વિવિધ પ્રકારના મત્સ્ય તેમજ ‘કંસારા છીપ’ પણ મળે છે. સ્થાનિક પક્ષીઓ ઉપરાંત યાયાવર પક્ષીઓમાં સૂરખાબ વધુ જોવા મળે છે.
અર્થતંત્ર : અહીંથી બૉક્સાઇટ, ચિરોડી, મીઠું, ચૂના ખડકો, રંગીન માટી, કૅલ્સાઇટ, મુરમ, ચૂનાની રેતી અને કપચી જેવી ખનિજો મેળવાય છે. જેને આધારે નાના-મોટા ઉદ્યોગો ઊભા થયા છે. જિલ્લાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને મચ્છીમારી છે. ખેતીમાં મુખ્યત્વે બાજરી, જુવાર, મગફળી, કપાસ, રાયડો, એરંડા, જીરું, લસણ વગેરેની ખેતી થાય છે. સૂકા વિસ્તારમાં ઘેટાં-બકરાં ઉછેરાય છે. સલાયાથી જોડિયા સુધીનાં કાંઠાનાં ગામોના લોકો મચ્છીમારીમાં રોકાયા છે.
સિક્કા ખાતે સિમેન્ટનું કારખાનું, મીઠાપુરમાં મીઠું, ક્લોરિન, બ્લિચિંગ પાઉડર, સોડા એશ, કૉસ્ટિક સોડા વગેરે રસાયણોનું ઉત્પાદન કરતું વિશાળ એકમ આવેલું છે. દરિયાકાંઠે નાના અગરિયાઓ મીઠું પકવવાના વ્યવસાયમાં રોકાયેલા રહે છે.
આ જિલ્લામાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 754 જે અમૃતસર-જામનગરને સાંકળે છે. આ સિવાય રાજ્યના ધોરી માર્ગો અને જિલ્લા માર્ગોની સગવડ ઉપલબ્ધ છે. આ જિલ્લાનાં 421 ગામડાંમાંથી 350 ગામડાંઓને પાકા રસ્તાનો લાભ મળ્યો છે. જામનગરને બ્રૉડગેજ રેલમાર્ગનો પણ લાભ મળ્યો છે. જામનગર આંતરરાષ્ટ્રીય હવાઈસેવા સાથે સંકળાયેલું છે. મીઠાપુર ખાતે ખાનગી વિમાનના ઉતરાણ માટેની હવાઈ પટ્ટી આવેલી છે. ભારતીય હવાઈ દળનું હવાઈ મથક પણ આવેલું છે. બાલાછડી ખાતે સૈન્ય શાળા આવેલી છે. બેડી, સિક્કા મધ્યમ કક્ષાનાં બંદરો છે. સલાયા, જોડિયા લઘુબંદરો છે.

બાલાછડી સૈનિક સ્કૂલ
વસ્તી : આ જિલ્લાની વસ્તી (2025 મુજબ) 25,16,107 છે. સાક્ષરતાનો દર 76.72% છે. જ્યારે સેક્સ રેશિયો 1000 પુરુષોએ મહિલાઓનું પ્રમાણ 934 છે. આ જિલ્લામાં હિન્દુ, મુસ્લિમ, જૈન, શીખ વગેરે ધર્મના લોકો વસે છે. લોકોની મુખ્ય ભાષા ગુજરાતી છે. થોડા પ્રમાણમાં કચ્છી ભાષા બોલાય છે. મોટા ભાગના લોકોના ઉચ્ચારમાં કાઠિયાવાડી ભાષાનો પ્રભાવ જોવા મળે છે. આ જિલ્લામાં ખવાસ, રાજપૂત, ગઢવી, દલવાડી, આહીર, મેર, લોહાણા, જૈન, પટેલ, બ્રાહ્મણ, જાડેજા, જેઠવા, દેડા, ચાવડા વગેરે જાતિના લોકો વસે છે. મુસ્લિમોમાં મેમણ જાતિના લોકો મુખ્ય છે.
નરારાબેટ ખાતે ભારતનું એકમાત્ર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. આ વિસ્તારમાં નક્કર અને મૃદુ પરવાળાં અને દરિયાઈ જીવો જોઈ શકાય છે.

દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન
આ ટાપુ પાસે 40 વર્ષ જૂની ઑઇલ કંપનીની પાઇપલાઇન બદલવાની હતી. જો તે બદલવામાં આવે તો સમુદ્રજીવોને ભારે નુકસાન થાય તેમ હતું. આથી વનવિભાગ અને પ્રાણીશાસ્ત્રના નિષ્ણાતોની ટીમે સંયુક્ત રીતે દેશનું પ્રથમ એક અભિયાન હાથ ધર્યું. આ અભિયાનમાં 16,000 કરતાં વધુ જીવસૃષ્ટિ અને પરવાળાને પાંચ કિલોમીટર દૂર ખસેડીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
ખીજડિયા પક્ષી અભયારણ્ય અને ગાગા વન્યજીવન અભયારણ્યો પ્રવાસીઓને આકર્ષે છે.
જામનગર શહેર : જામનગર જિલ્લાનું મુખ્ય શહેર અને આઝાદી પૂર્વે આ જ નામ ધરાવતા દેશી રાજ્યનું પાટનગર.

જામનગર શહેર
ભૌગોલિક સ્થાન – આબોહવા : તે 22 13´ ઉ. અ. અને 69 42´ પૂ. રે. પર સ્થિત છે. નાગમતી અને રંગમતીના સંગમ ઉપર વસેલું છે. જે એક સમયે નાગનાથ તરીકે ઓળખાતું હતું. આ શહેરનો વિસ્તાર 122 ચો.કિમી. જ્યારે વસ્તી (2025 મુજબ) 6,99,000 છે. જામનગર જિલ્લાનું જિલ્લામથક છે.
આ શહેરની આબોહવા ગરમ અર્ધશુષ્ક પ્રકારની છે. ઉનાળામાં સરેરાશ તાપમાન 36 સે., જ્યારે શિયાળામાં સરેરાશ તાપમાન 26 સે. જેટલું રહે છે. રેકૉર્ડ સમાન મહત્તમ અને લઘુતમ તાપમાન 5 મે, 1990ના રોજ 47 સે. સૌથી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે સૌથી લઘુતમ તાપમાન 5 ફેબ્રુઆરી, 1984ના રોજ 1 સે. નોંધાયું હતું. સરેરાશ વરસાદ 500 મિમી. અનુભવાય છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાત ઑક્ટોબરથી ફેબ્રુઆરી માસમાં અનુભવાય છે. અહીં 1911માં સૌથી ઓછો વરસાદ 100 મિમી. જ્યારે 1939માં મહત્તમ વરસાદ 1500 મિમી. પડ્યો હતો.
અર્થતંત્ર : આ શહેરમાં વસતા લોકો મોટે ભાગે મત્સ્યપ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા, પરંતુ આજે શહેરની આશરે 10% વસ્તી ‘બાંધણીકાપડ’ના વ્યવસાયમાં રોકાયેલી છે. આ બાંધણી સમગ્ર ભારત અને વિદેશમાં નિકાસ થાય છે. કૃત્રિમ કાપડનું ઉત્પાદન કરતી દિગ્જામ મિલ અહીં આવેલી છે. આજે તો આ શહેરે ‘Brass City’ તરીકેનું ઉપનામ મેળવ્યું છે. પિત્તળના પુરજા બનાવવાનો સૌથી મોટો ઉદ્યોગ સ્થપાયો છે.

બાંધણીનો વ્યવસાય
મોટા પાયાનાં 5000 અને નાના પાયાનાં 10,000 કારખાના આવેલાં છે. આ શહેર ‘World’s Oil City’ તરીકે પ્રખ્યાત થયું છે. વિશ્વનું સૌથી મોટું તેલ શુદ્ધીકરણનું એકમ આવ્યું છે. જે ખાનગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું છે. ભારતની દ્વિતીય ક્રમે આવતી તેલ શુદ્ધીકરણનું એકમ વાડિનાર ખાતે છે. બૉક્સાઇટનો સૌથી મોટો અનુમાનિત જથ્થો અહીં રહેલો છે. આજે તો દેશના કુલ બૉક્સાઇટના ઉત્પાદનમાં 95% ફાળો જામનગર ધરાવે છે. ગુજરાત સરકારે જામનગરને ‘Special Economic Zone – SEZ’નો દરજ્જો આપ્યો છે. અહીં મૈત્રીસભર વ્યવસાય વધે તે માટે પ્રયત્નો થઈ રહ્યા છે. જેથી દેશના અને વિદેશના રોકાણકારો અહીં ઉદ્યોગો સ્થાપવા આકર્ષાય. સરકાર અહીં રોકાણકારોની સવલતોને લક્ષમાં રાખીને વિકાસ થાય તે માટે પ્રયત્નશીલ છે. ગુજરાત સરકારે રોકાણકારોને સસ્તી જમીન, પરિવહનની સગવડ, નાણાકીય સગવડ, પૂરતો પાણી-વીજ પુરવઠો વગેરે સુવિધાઓ મળે તે બાબતોને લક્ષમાં રાખી છે. જામનગરમાં ‘Wind Mill’ અને ‘Solar Energy’નો વિકાસ કરવા સરકાર કાર્ય કરી રહી છે.

રિલાયન્સ તેલ શુદ્ધિકરણ એકમ
જામનગર શહેર રાષ્ટ્રીય ધોરી માર્ગ દ્વારા પંજાબ, હરિયાણા, રાજસ્થાન વગેરે રાજ્યો સાથે સંકળાયેલું છે. અમૃતસર-જામનગર એક્સપ્રેસ વે જે ભટિન્ડા, બારમેરની રિફાઇનરીને સાંકળે છે. એ જ રીતે તે ગુરુનાનક દેવ તાપવિદ્યુત મથક અને સુરતગઢ સુપર તાપવિદ્યુત પ્રકલ્પ (શ્રીગંગાનગર) સાથે સંકળાયેલ છે. અહીં રાજ્ય સરકારની બસો, ખાનગી બસો, ઓલા કેબ, રિક્ષાઓ પણ મળી રહે છે.
આ શહેર રેલમાર્ગ દ્વારા દેશના પૂર્વ, ઉત્તર, દક્ષિણનાં મોટાં શહેરો સાથે જોડાયેલું છે. હવાઈ માર્ગે મુંબઈ, હૈદરાબાદ અને બૅંગાલુરુ સાથે જોડાયેલું છે.
શિક્ષણ અને સ્થાપત્યો : અહીં ખાનગી અને સરકાર તરફથી અનુદાન લેતી શાળાઓ આવેલી છે. જવાહર નવોધ્યાય વિદ્યાલય, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ અને સેંટ ઝેવિયર્સ શાળા આવેલી છે. એમ. પી. શાહ મેડિકલ કૉલેજ અને ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી આવેલી છે. આ સિવાય આર્ટ્સ, કૉમર્સ અને સાયન્સ કૉલેજો આવેલી છે.
અહીં મહાદેવનાં મંદિરો આવેલા છે. જેમાં સિદ્ધનાથ મહાદેવ, બદરીકેદારનાથ, નીલકંઠ મહાદેવ, ભીડભંજન હનુમાન મંદિર, કાશી વિશ્વનાથ મંદિર જાણીતાં છે. 1574થી 1622માં નિર્માણ પામેલાં જૈન મંદિરોમાં વર્ધમાન શાહ મંદિર, વાસુપૂજ્ય સ્વામી મંદિર મુખ્ય છે. બાલા હનુમાન મંદિર ખાતે 1 ઑગસ્ટ, 1964થી આજ દિન સુધી 24 કલાક ‘શ્રી રામ જય રામ જય જય રામ’ની અખંડ ધૂન ચાલુ છે, જે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં સ્થાન પામ્યું છે.

પ્રતાપવિલાસ પેલેસ
ધાંધર નદીને કિનારે આવેલ ભોલેશ્વર મહાદેવ મંદિર, નાગમતી અને રંગમતીને કિનારે આવેલ ‘મઝાર-એ-બદરી’ જોવાલાયક છે. જામસાહેબે બનાવેલ દરબારગઢ, લાખોટા પૅલેસ, 17મી સદીમાં બનાવેલ ખંભાળિયા ગેટ, આશાપુરા માતા મંદિર પણ મહત્ત્વનાં છે. પ્રતાપ વિલાસ પૅલેસ, સૈફી ટાવર, શાંતિનાથ મંદિર, નવરત્નપુરી ધામનું મહત્ત્વ વધુ છે. જામ રણજિતસિંહ માટે નિર્માણ કરાયેલ સોલેરિયમ જેના ફ્રેંચ આર્કિટૅક્ટ ‘Jean Saidman’ હતા. 2001માં ગુજરાતમાં અનુભવાયેલા ભૂકંપને કારણે કેટલાંક સ્થાપત્યોને નુકસાન પહોંચ્યું હતું.
ઇતિહાસ : સૌરાષ્ટ્ર પ્રદેશમાં 1540ના ગાળામાં જામ રાવલે નાગમતી અને રંગમતીના સંગમસ્થળે નવાનગરની સ્થાપના કરી હતી. ઐતિહાસિક નોંધ મુજબ ગુજરાતના સુલતાન બહાદુર શાહે પ્રભુત્વ મેળવ્યું હતું. 18મી સદીના ગાળામાં નવાનગર ઉપર જાડેજા રાજપૂત સત્તાસ્થાને આવ્યા. તેઓએ પડોશી રાજાઓને શિકસ્ત આપીને પ્રભુત્વ મેળવ્યું હતું. 1807માં નવાનગર બ્રિટિશ રાજમાં એક સમૃદ્ધ રાજ્ય બન્યું. તેના પ્રથમ શાસક મહારાજા રણજિતસિંહ હતા. તેમણે શહેરને આધુનિક સગવડ આપવા પ્રયત્નો કર્યા હતા. તે સમયે તેને ‘સૌરાષ્ટ્રનું પૅરિસ’ તરીકેની ઓળખ મળી હતી. ભારત સ્વતંત્ર થતાં તેઓનું રાજ્ય પણ ભારતના ભાગ સ્વરૂપે બન્યું.
વનતારા પ્રકલ્પ (જામનગર) : ‘વનતારા’ જે વિશ્વનું સૌથી મોટું હરિયાળા પ્રદેશમાં ઈજાગ્રસ્ત પ્રાણીઓની સારવાર અને પુનઃ યથાસ્થાને નિવાસ કરાવતું કેન્દ્ર છે. જે ‘અનંત અંબાણી વનતારા’ કેન્દ્ર તરીકે ઓળખાય છે. જે જામનગરના મોટી ખાવડી (જામનગર-જૂનાગઢ ધોરી માર્ગ) ખાતે આવેલ છે. રિલાયન્સ સંકુલમાં આ પારિસ્થિતિકી પ્રદેશ આશરે 3000 એકરમાં ઊભો કરાયો છે. જંગલ જેવું વાતાવરણ રચવામાં આવ્યું છે. અહીં 43 પ્રજાતિનાં આશરે 2000 કરતાં પણ વધુ વન્ય પ્રાણીઓ છે. ‘રાધા-ક્રિશ્ના’ જે ઈજાગ્રસ્ત હાથીઓની સારવાર આપતું કેન્દ્ર છે. સમગ્ર વિશ્વમાંથી ઈજાગ્રસ્ત થયેલા 200 જેટલા હાથીઓની સારવાર કરવામાં આવી છે. અતિ આધુનિક સગવડ ધરાવતું કેન્દ્ર કે જ્યાં હાથીઓની સારવાર આયુર્વેદિક ઢબે અને જળરોગોપચાર (Hydrotherapy) દ્વારા કરવામાં આવે છે. હાથીઓને સંધિવા અને પેટની ગરબડની પણ સારવાર અપાય છે. 25,000 ચો.મી. વિસ્તારમાં ઊભી કરાયેલી હાથીઓની હૉસ્પિટલ જે વિશ્વમાં પ્રથમ અને સૌથી મોટી છે. હાથીઓનું જરૂર પ્રમાણે ઑપરેશન પણ કરાય છે. હાથીઓને દવા અને પોષણયુક્ત ખોરાક માટે આયોજન થયું છે. હાથીઓ માટેનું રસોડું આશરે 300 ચો.મીટર વિસ્તારમાં ઊભું કરાયું છે.

વનતારા વન્યજીવ સારવાર કેન્દ્ર
અલ્પવિકસિત દેશો કે જેઓ આર્થિક સંકડામણ અનુભવતા હોય તેવા દેશોના સિંહ, વાઘ, મગર, દીપડા જેવાં હિંસક પ્રાણીઓને પણ અહીં સારવાર અપાય છે. પ્રાણીઓની સારવાર માટે 15,000 ચો.મી. વિસ્તારમાં હૉસ્પિટલ ઊભી કરવામાં આવી છે. જ્યાં ICU, MRI, CT Scan, X-Ray, અલ્ટ્રા સાઉન્ડ, એન્ડોસ્કોપી વગેરેની સગવડ કરવામાં આવી છે.
ભવિષ્યમાં અનેક વન્ય પ્રાણીઓ, પક્ષીઓ અને સરીસૃપ જીવોને બચાવવાનું લક્ષ રહેલું છે. આ સંસ્થા Zoo Authority of India અને 150 કરતાં પણ વધુ પ્રાણીસંગ્રહાલયો સાથે સંકલન કરવા માટે વિચારે છે. વૈશ્વિક જૈવ વિવિધતાની સુરક્ષા માટે પણ આયોજન કરી રહ્યું છે. આ સંકુલમાં 2500 જેટલા લોકો રોકાયેલા છે. આ ‘વનતારા’ આવનારા ભવિષ્યમાં આમજનતા માટે પણ ખુલ્લું મૂકવામાં આવશે.
શિવપ્રસાદ રાજગોર
નીતિન કોઠારી