જામફળ (જમરૂખ) : સર્વભોગ્ય મીઠું ફળ. અં. common guava; લૅ. Psiolium guajava L. જામફળનું વતન મેક્સિકોથી પેરૂના મધ્ય ભાગને માનવામાં આવે છે. ભારતમાં તેનો પ્રવેશ સ્પૅનિશ લોકો દ્વારા સોળમી શતાબ્દી દરમિયાન થયો.

ભારતમાં વાવેતરના ક્ષેત્રફળની ર્દષ્ટિએ જામફળનો ક્રમ આંબા, કેળ, લીંબુ વર્ગનાં ફળ તથા સફરજન પછી પાંચમો અને ઉત્પાદનની ર્દષ્ટિએ ચોથો છે. ભારતમાં તેની ખેતી 58,230 હેક્ટરમાં થાય છે. વાર્ષિક ઉત્પાદન 6,56,110 ટન જેટલું છે. મુખ્ય વાવેતર ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ તથા ગુજરાત રાજ્યોમાં છે. ગુજરાત રાજ્યમાં તેનો વિસ્તાર 3,600 હેક્ટર છે. તેમાં મુખ્યત્વે ભાવનગર, ધોળકા (અમદાવાદ), મહેસાણા તેમજ ભરૂચ જિલ્લા ગણાવી શકાય.

દરિયાની સપાટીથી 1000 મીટરની ઊંચાઈ સુધીના વિસ્તારમાં સરળતાથી ઉગાડી શકાય છે. સમશીતોષ્ણ હવામાન વધુ માફક આવે છે. તેનો પાક ખડતલ ગણાય છે.

હલકી કે ભારે દરેક જાતની જમીનમાં ખેતી થાય. સારા નિતારવાળી ફળદ્રૂપ માટિયાળ જમીન પાક માટે વધુ યોગ્ય છે. ગુજરાતમાં અને ખાસ કરીને ધોળકા–ભાવનગર વિસ્તારમાં રેશમડી, લાલ માવાવાળી, ભાવનગરી, ગોળિયા તથા સુધારેલ જાતોમાં લખનૌ–49 (સરદાર), અલાહાબાદ સફેદ તથા ચિત્તીદાર પ્રચલિત છે.

ઉનાળામાં જમીનને ઊંડી ખેડી, કરબી, નિયુક્ત અંતરે 60 × 60 × 60 સેમી.ના લાંબા, પહોળા, ઊંડા ખાડા ખોદી 15 દિવસ ખુલ્લા રાખી, બહાર કાઢેલી માટીમાં 10 કિલો છાણિયું ખાતર, 250 ગ્રામ એમોનિયમ સલ્ફેટ, 500 ગ્રામ સુપર ફૉસ્ફેટ અને 125 ગ્રામ મ્યુરેટ ઑવ્ પોટાશ ભેળવી ખાડા પૂરી દેવા. ઊધઈથી રક્ષણ કરવા માટે 25 ગ્રામ 5 % વાળા ક્લૉરડેન અથવા બી.એચ.સી. અથવા આલ્ડ્રિન ભુક્કો માટીમાં ભેળવવો.

રોપણી માટેનું અંતર જમીનની જાત અને પિયતની સગવડ ઉપર આધાર રાખે છે. હલકી જમીનમાં 6.5 × 6.5 મીટરના અંતરે રોપણી થઈ શકે. તે માટે હેક્ટર દીઠ 237 રોપાની જરૂરિયાત રહે. ભરાવદાર અને ફળદ્રુપ જમીનમાં 8 × 8 મી.ના અંતરે રોપણી થઈ શકે. તે માટે હેક્ટર દીઠ 156 રોપાની જરૂરિયાત રહે. ચોમાસામાં બીજી વખતનો સારો એવો વરસાદ થયેથી રોપણી કરવી.

જામફળના પાકમાં શરૂઆતનાં વર્ષોમાં છોડની વૃદ્ધિ કરવાની હોવાથી પ્રતિવર્ષ ખાતરોના જથ્થામાં ક્રમશ: વધારો કરી ખાતરો આપવાં જરૂરી છે. જેની વિગત નીચે પ્રમાણે છે :

વર્ષ છાણિયું

ખાતર

(કિગ્રા.)

રાસાયણિક ખાતરો (કિગ્રા.)
એમોનિયમ

સલ્ફેટ

સુપર

ફૉસ્ફેટ

મ્યુરેટ

ઑવ્ પોટાશ

પ્રથમ 10 0.250 0.500 0.125
બીજું 20 0.500 1.000 0.250
ત્રીજું 30 0.750 1.500 0.375
ચોથું તથા ત્યાર

બાદ પ્રતિવર્ષ

40 1.000 2.000 0.500

ઉપર્યુક્ત ખાતરો જૂન-જુલાઈ માસમાં આપવાનાં થાય છે. ઝાડ ફળ આપતું થાય ત્યારે જામફળમાં સામાન્ય રીતે મૃગ બહાર લેવો ઇચ્છનીય હોવાથી ખાતરો મે માસની આખરમાં અથવા જૂનની શરૂઆતમાં આપવામાં આવે છે. છાણિયું ખાતર અને ફૉસ્ફરસનું સંપૂર્ણ પ્રમાણ તેમજ નાઇટ્રોજન અને પોટાશનો અડધો જથ્થો મે-જૂન મહિનામાં અને બાકીનો નાઇટ્રોજન અને પોટાશ વરસાદ પછી ઑક્ટોબર માસમાં અપાય છે. ગોડ કરી પાણી આપવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં ઝાડ દીઠ 2થી 2.5 કિલો દિવેલીનો ખોળ રોહિણી નક્ષત્ર પહેલાં આપે છે.

જસત અને લોહ તત્વની ઊણપ દૂર કરવા માટે 0.5 %વાળા ઝિંક સલ્ફેટ અને ફેરસ સલ્ફેટના દ્રાવણનો વર્ષમાં બે વખત છંટકાવ કરવો જરૂરી છે. પહેલો છંટકાવ જૂન-જુલાઈમાં અને બીજો સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં કરવામાં આવે છે.

જામફળના પાકમાં શરૂઆતનાં ત્રણ-ચાર વર્ષ છાંયો ન કરે તેવા આંતરપાકો તરીકે મગફળી, તલ વગેરે તથા ખરીફ પાક તરીકે મેથી, રજકો તથા ઉનાળામાં ચોળી લેવામાં આવે છે.

રોપણી પછીના બીજા વર્ષથી ઝાડનું મુખ્ય માળખું જળવાઈ રહે તેવી રીતે છાંટણી કરી ઝાડને કેળવવામાં આવે છે. જમીનથી આશરે એક મીટર ઊંચાઈ સુધીનો થડનો ભાગ ચોખ્ખો રહે અને ઝાડ ચારેય બાજુ સમતુલિત રહે તેવી રીતે ત્રણથી ચાર સારી મજબૂત ડાળીઓ રાખવામાં આવે છે. આ રીતે છાંટણી અને કેળવણી કરવાથી ઝાડને જરૂરી હવા, પ્રકાશ વગેરે પૂરતા પ્રમાણમાં મળી રહે છે. ત્યારબાદ પ્રતિવર્ષ નડતરરૂપ અને સુકાઈ ગયેલ ડાળીઓની છાંટણી કરવામાં આવે છે.

જામફળમાં મૃગ બહાર લેવાથી શિયાળામાં ફળ મળે, હસ્ત બહાર લેવાથી ઉનાળામાં ફળ મળે છે અને આંબે બહાર લેવાથી ચોમાસામાં ફળ મળે છે. ફળની સારી ગુણવત્તા અને પોષક ર્દષ્ટિએ વધુ વિટામિન ‘સી’ શિયાળામાંનાં ફળોમાં મળે તેમ હોવાથી જામફળનો મૃગ બહાર લેવાય છે જે માટે ફેબ્રુઆરી માસમાં પાક પૂરો થયેથી ઝાડને પાણી આપવાનું બંધ કરી તેને આરામમાં મૂકવામાં આવે છે. મે માસમાં ઝાડને ગોડ કરી પિયત શરૂ કરવામાં આવે છે અને ખાતર નાખવામાં આવે છે, જેથી જૂન માસમાં ફૂલ આવી નવેમ્બર–ડિસેમ્બરમાં સારા પ્રમાણમાં ફળ મળે છે.

સામાન્ય રીતે જૂનના બીજા પખવાડિયામાં ફૂલ આવવાની શરૂઆત થાય છે જે લગભગ 20થી 40 દિવસ ચાલે છે. ફૂલ આવ્યા બાદ ફળ તૈયાર થતાં આશરે પાંચ માસ લાગે છે. ફળ સખત હોય પરંતુ તેની છાલનો રંગ બદલાય ત્યારે તે ઉતારવા લાયક ગણાય છે. પ્રથમ વીણી સામાન્ય રીતે ઑક્ટોબર માસ બાદ આવે છે અને તે જાન્યુઆરીના બીજા અઠવાડિયા સુધી ચાલુ રહે છે.

જામફળીના રોગો : ગુજરાત રાજ્યમાં જુદા જુદા વ્યાધિજનથી જામફળીમાં ધરુમૃત્યુ, કાલવ્રણ, પાનનાં ટપકાંનો રોગ અને થડ પરનાં ચાઠાંનો રોગ, સુકારો અને ફળના સડાનો રોગ થાય છે.

1. ધરુમૃત્યુ : શરૂઆતમાં ધરુનાં ઉપરનાં પાન ઉપર ગોળાકાર કે અનિયમિત આકારનાં બદામી રંગનાં ટપકાં પડે છે, ત્યાર પછી રોગ છોડમાં નીચેની બાજુએ આગળ વધે છે અને છોડને સંપૂર્ણ સૂકવી નાખે છે. ઘણી વાર ભેજવાળું વાતાવરણ હોય તો રોગકારક ફૂગનો સફેદ ઉગાવો પણ સુકાયેલા છોડ ઉપર જોવા મળે છે.

નિયંત્રણ : ફરબામ 0.3 %નો છંટકાવ કરવાથી અથવા ઝાઇનેબ (ડાયથેન ઝેડ-78) 0.2 %ના પ્રમાણમાં દ્રાવણ બનાવી ધરુ બે માસનું થાય ત્યારથી 15-15 દિવસના અંતરે છાંટવાથી આ રોગનું નિયંત્રણ થાય છે.

2. કાલવ્રણ (anthracnose) : જામફળીનો આ રોગ Glomerella psidii : નામની એક પ્રકારની ફૂગથી થાય છે. તે ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને પંજાબમાં વધારે જોવા મળે છે.

લક્ષણો : શરૂઆતમાં કાચાં ફળ ઉપર ઝાંખા બદામી કે ભૂખરા રંગનાં ટાંચણીના માથા જેવડાં ટપકાં દેખાય છે. ધીમે ધીમે આ ટપકાં મોટાં ગોળાકાર, ઊંડાં ઊતરી ગયેલાં, ગાઢાં ભૂખરાં કે કાળા રંગનાં બને છે. ફળ પાકે અને ચોમાસું બેસે કે ભેજવાળું વાતાવરણ હોય ત્યારે આવાં ટપકાં ભેગાં થઈ ફળ ઉપર મોટાં ચાઠાં બનાવે છે. કાચાં તેમજ પાકાં ફળો ઉપર આવાં ચાઠાં કઠણ બની જાય છે. રોગને લીધે ફળો બેડોળ બની જાય છે અને ખરી પડે છે.

આ રોગ કેટલાક પ્રદેશોમાં વાતાવરણ પ્રમાણે કુમળી ડાળીઓની ટોચને લાગે છે જેથી કુમળી ડાળીઓ ટોચેથી સુકાવા લાગે છે. પાન, ફૂલ અને નાનાં ફળો ખરી પડે છે. 30°થી 35° સે. તાપમાન અને ભેજવાળા વાતાવરણમાં રોગ ઉગ્ર બને છે.

ચોમાસાની શરૂઆતમાં 3 : 3 : 50નું બોર્ડો મિશ્રણ અથવા 50 % વાળી તાંબાયુક્ત દવા (કૉપર ઍક્ઝિક્લોરાઇડ) 0.15 %ના પ્રમાણમાં અથવા ઝાઇનેબ 0.2 % પ્રમાણે છાંટવી પડે છે. આવા 3થી 4 છંટકાવ 20-20 દિવસને અંતરે કરવાના હોય છે.

3. પાનનાં ટપકાંનો રોગ : સરકોસ્પોરા નામની ફૂગની જુદી જુદી પ્રજાતિઓથી જામફળીનાં પાન ઉપર સફેદ ટપકાં અને બદામી ટપકાંનો રોગ થાય છે.

સફેદ ટપકાંના રોગમાં ગોળાકાર અથવા થોડા અનિયમિત આકારનાં બદામી-લાલ ટપકાં પાન ઉપર જોવા મળે છે. આવાં ટપકાંનો વચ્ચેનો ભાગ સફેદ હોય છે.

બદામી ટપકાંના રોગમાં પ્રથમ પાનની નીચેની સપાટીએ પાણીપોચાં, અનિયમિત આકારનાં મોટાં ટપકાં પડે છે. ખાસ કરીને જૂનાં પાન ઉપર આવાં ટપકાંની સંખ્યા વધારે હોય છે. આવાં ટપકાં પડેલાં પાન થોડા સમયમાં ખરી પડે છે. આ પાનનાં ટપકાંનો રોગ ખાસ કરીને ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન વધારે પ્રમાણમાં જોવા મળે છે.

આ ઉપરાંત જામફળીમાં લીલથી પાન અને ફળ ઉપર ટપકાંનો રોગ થાય છે. ફળ ઉપર લીલથી થતાં ટપકાં ઘેરા લીલા રંગનાં અને મોટાં હોય છે. તે પાછળથી કાળાં અથવા બદામી થઈ જાય છે. પાન ઉપર આ ટપકાં ઘણાં નાનાં જોવા મળે છે.

સામાન્ય રીતે આ રોગથી આર્થિક નુકસાની ઘણી ઓછી થાય છે.

આ રોગના નિયંત્રણ માટે ખાસ કરીને કંઈ નોંધપાત્ર કામ થયેલ નથી; પરંતુ તાંબાયુક્ત દવા(0.2 %)નો છંટકાવ કરી શકાય છે.

4. થડ પરનાં ચાઠાંનો રોગ : આ રોગ Physalospora psidi નામની ફૂગથી થાય છે.

આ રોગની અસર ડાળીઓ અને થડ પર થાય છે. અસર પામેલ ડાળીમાં તિરાડો પડે છે, તેના કોષો નાશ પામે છે અને આમાં મોટાં ધાબાં પડે છે. પરિણામે ડાળીઓ સુકાઈ જાય છે. આવા અસરગ્રસ્ત ભાગો પર રોગકારકના બીજાણુ પેદા કરતા ભાગો નાનાં કાળાં ઊપસેલાં ટપકાં સ્વરૂપે જોવા મળે છે.

આ રોગ છાલની નીચે જીવંત અવસ્થામાં રહે છે અને સાનુકૂળ વાતાવરણ મળે ત્યારે તે બીજાણુ પેદા કરી રોગનો ફેલાવો કરે છે. તે ફળમાં પણ રોગ પેદા કરી શકે છે. શરૂઆતમાં ફળની નીચેની બાજુઓ અથવા દાંડીની ફળની બાજુઓ પર નાનાં આછા બદામી રંગનાં ટપકાં પડે છે. રોગિષ્ઠ ફળ 3થી 4 દિવસમાં ઘેરું ભૂખરું અને કાળું બની સુકાઈ જાય છે. આવાં ફળ ઉપર રોગકારકની ફળધાની કે જેમાં રોગકારકના બીજાણુ હોય તે ઊપસેલાં નાનાં કાળા ટપકાં રૂપે દેખાય છે.

રોગનિયંત્રણ માટે રોગિષ્ઠ ભાગ કાપીને બાળી નાખવામાં આવે છે અને રોગ લાગેલ હોય તેવા ભાગની છાલ ઉખેડી તેના ઉપર બોર્ડો પેસ્ટ લગાડવામાં આવે છે. આ ઉપરાંત ઝાઇનેબ(ઝિંક બીમીડાઇ-થાયોકાર્બામેટ
75 %)ના 0.2 %ના દ્રાવણનો છંટકાવ કરવામાં આવે છે.

5. સુકારો : આ રોગ Fusarium oxysporum અને મેક્રોફોમીના ફેજિયોલીના નામની જમીનજન્ય ફૂગથી થાય છે. આ રોગ મુખ્યત્વે ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જોવા મળે છે. ગુજરાતમાં પણ આ રોગ ઓછાવધતા પ્રમાણમાં દેખાય છે.

ડાળીની ટોચનાં પાન પીળાં અને ભૂરાં થવા માંડે છે અને એવાં પાન ધીરે ધીરે સુકાવા માંડે છે. સાથે સાથે ડાળીની છાલ પણ ફાટતી જોવા મળે છે. પાન સુકાવાની સાથે કુમળી ડાળીઓ ટોચેથી સુકાવા માંડે છે. ધીરે ધીરે 10થી 15 દિવસમાં સંપૂર્ણ ઝાડ સુકાઈ જાય છે.

ચોમાસાની ઋતુમાં આ રોગ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. રોગની શરૂઆત ઑગસ્ટથી થાય છે અને સપ્ટેમ્બર-ઑક્ટોબર માસ દરમિયાન રોગનો ફેલાવો ઝડપી થાય છે. આ રોગ શિયાળાની ઋતુમાં લગભગ અટકી જાય છે. ભાસ્મિક જમીનમાં રોગનો ફેલાવો વધારે જોવા મળે છે.

નિયંત્રણ : (1) રોગકારક જમીનજન્ય હોઈ તેની વૃદ્ધિ જમીનમાં ન થાય તે માટે જમીનમાં ચિરોડી અથવા ચૂનો ઉમેરવો જોઈએ. (2) રોગપ્રતિકારક જાતો જેવી કે બનારસી, ધોળકા સફેદ, નાશિક સફેદ, જામફળ નં. 6299, સુપ્રીમ કે અલાહાબાદ સફેદ વેરાયટી–10નું વાવેતર કરવું જોઈએ.

6. ફળના સડાનો રોગ : જામફળી ઉપરથી ફળ ઉતારી લીધા બાદ ફળમાં ઘણી જાતની ફૂગના કારણે પાકતાં ફળોના સડાનો રોગ લાગે છે. મુખ્યત્વે ફાયટોપ્થોરા, ફોમા, બોટ્રીયોડીપ્લોડિયા નામની ફૂગથી આવા સડાનો રોગ લાગે છે; પરંતુ કાચાં અને પાકાં બંને જાતનાં ફળોમાં Phytophthora parasitica નામની ફૂગથી ફળના સડાનો રોગ મુખ્ય ગણાય છે.

ફળના સડાની ફૂગ ફળ કાચાં હોય ત્યારથી જ ફળ પર લાગી જાય છે. જો આ ફૂગનો ઉપદ્રવ વધારે હોય તો આવાં કાચાં ફળો ઝાડ પરથી પાકતાં પહેલાં જ ખરી પડે છે. જો રોગકારકની વૃદ્ધિ થોડી ઓછી હોય તો આવાં ફળો કાચી અવસ્થામાં ખરી પડતાં નથી પરંતુ પાકી જાય ત્યાર પછી તેમાં ઘેરા બદામી ગોળાકાર ટપકાં પડે છે, જે પાછળથી ફળ ઉતારી લીધાં પછી મોટાં બની સંપૂર્ણ ફળ ઉપર છવાઈ જાય છે. આવાં ફળો પાણીપોચાં બની સડી જાય છે અને તેમાંથી દુર્ગંધ પણ નીકળે છે. ભેજવાળા વાતાવરણમાં ઘણી વાર ફળ ઉપર ફૂગનો સફેદ ઉગાવો પણ જોવા મળે છે.

નિયંત્રણ : (1) દર અઠવાડિયે ઝાડને 2 : 2 : 50નું બોર્ડો મિશ્રણ છાંટવાથી અથવા 0.2 %નું કૉપર ઓક્ઝિક્લોરાઇડનું દ્રાવણ છાંટવાથી રોગનું નિયંત્રણ થાય છે. (2) ઝાઇનેબ (0.2 %) અથવા ઓરિયોફંગીન(10 પી.પી.એમ.)નું દ્રાવણ દર છ મહિને ઝાડ ઉપર છાંટવાથી નિયંત્રણ થાય છે. (3) ફળ ઝાડ પરથી ઉતાર્યાં પછી ઓરિયોફંગીનના 200 પી.પી.એમ.ના દ્રાવણમાં બોળવાની માવજત આપવાથી ફળના સડાના રોગનું નિયંત્રણ કરી શકાય છે.

જામફળીની જીવાત : જામફળીના પાકને આશરે 80 જેટલી જીવાતોનો સામનો કરવો પડે છે. તેમાંથી 20 જેટલી જીવાતો મુખ્ય કે ગૌણ જીવાતો તરીકે નોંધાયેલ છે. ગુજરાત રાજ્યમાં ફળમાખી, થડ અને ડાળની છાલ કોરી ખાનાર ઇયળ અને ચીકટો આ પાકને ખાસ નુકસાન કરે છે.

જામફળનો પાક લીધા પછી ઝાડ આરામમાં હોય ત્યારે થડ અથવા ડાળીઓને કોરી ખાનારી ઇયળ(ઇન્ડરબેલા)ના ઉપદ્રવ માટે તેની અઘાર કાઢી સાફસૂફી કરી કાણામાં પેટ્રોલ કે ઘાસતેલ અથવા કાર્બન ડાયસલ્ફાઇડનું પૂમડું મૂકી માટીથી બંધ કરવું.

આ પાકમાં ચીકટા(mealy bugs)ના ઉપદ્રવથી ઘણું નુકસાન થાય છે. તેના નિયંત્રણ માટે ડિસેમ્બર માસ દરમિયાન વાડીમાં દરેક ઝાડના ખામણામાં માટી ખોદી, ગોડ કરી, ઝાડ દીઠ 750 ગ્રામ 10 % બી.એચ.પી. પાઉડર સારી રીતે ભેળવવો. તે પ્રમાણે જૂન માસમાં ફરીથી પાઉડર સારી રીતે ભેળવવો. જૂન માસ દરમિયાન મોનોક્રૉટોફૉસ(0.05  %)નો છંટકાવ થડથી શરૂઆત કરી આખા ઝાડ ઉપર સારી રીતે કરવો. જુલાઈ માસમાં ડાયમિથોએટ અથવા ફૉસ્ફામિડોન(0.03 %)નો છંટકાવ વરસાદ ન પડતો હોય તેવા દિવસોએ કરવો.

ફળમાખીના નિયંત્રણ માટે ફળ બેસવાની શરૂઆતથી જ ફેન્થિયોન (લેબાસિડ) 0.1 %નો છંટકાવ કરવો જરૂરી બને. 10 દિવસના અંતરે 2 છંટકાવ કરવા. પુખ્ત માખીના નિયંત્રણ માટે 0.1 % મેલેથીઓન દવાનું પ્રવાહી કરી મોટા ફોરામાં વાડ, માંડવા વગેરે ઉપર છાંટવું.

જામફળની બનાવટોમાં જામ, જેલી તથા સ્ક્વૉશ બનાવી શકાય છે. ફળોમાં વિટામિન ‘સી’ અને ‘એ’ સારા પ્રમાણમાં મળે છે.

સારી માવજતવાળા બગીચામાં રોપથી ઊછરેલ 8થી 10 વર્ષનું ઝાડ આશરે 70થી 90 કિગ્રા. ફળનું ઉત્પાદન આપે છે તથા કલમથી ઊછરેલ તેટલી જ ઉમરનું ઝાડ 150થી 200 કિગ્રા. ઉત્પાદન આપે છે.

જ. પુ. ભટ્ટ

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ

છીબુભાઈ બ. પટેલ

પરબતભાઈ ખી. બોરડ