જામજોધપુર : જામનગર જિલ્લાના ખંભાળિયા સબડિવિઝનમાં આવેલ તાલુકો અને તાલુકામથક. આ તાલુકાની દક્ષિણે પોરબંદર જિલ્લો, પૂર્વ અને અગ્નિખૂણે રાજકોટ જિલ્લો, ઉત્તરે જામનગર જિલ્લાનો લાલપુર તાલુકો અને પશ્ચિમે ભાણવડ તાલુકો આવેલો છે. આ તાલુકામાં જામજોધપુર શહેર અને 79 ગામો આવેલાં છે. તાલુકાનું ક્ષેત્રફળ 1091.3 ચોકિમી. છે. તાલુકાની કુલ વસ્તી 1,17,435 (2001) છે.

આ તાલુકાનો પોરબંદર જિલ્લાની સરહદે આવેલો દક્ષિણ ભાગ અને ઈશાન ખૂણે કાલાવડ તાલુકાની સરહદે આવેલો ભાગ ડુંગરાળ છે. બાકીનો ભાગ લગભગ સપાટ છે. કેટલીક જમીન ડેક્કન ટ્રૅપ પ્રકારના ખડકોના ઘસારાને લીધે કાળી બનેલી છે. તે ભેજ સાચવી શકે છે. કપાસ માટે તે અનુકૂળ છે. સેન્દ્રિય તત્વોવાળી બાકીની જમીન હલકી અને ઓછી ફળદ્રુપ છે.

જામનગર જિલ્લામાં સરેરાશ 412 મિમી. વરસાદ પડે છે. પોરબંદર નજીક આવેલ આ તાલુકામાં સરેરાશ 800 મિમી.થી વધુ વરસાદ પડતો નથી. મે માસમાં સરેરાશ 36° સે. તાપમાન રહે છે, જ્યારે જાન્યુઆરીમાં સરેરાશ 26° સે. તાપમાન રહે છે. સૌથી વધુ વરસાદ જુલાઈ માસમાં પડે છે.

આ તાલુકામાં જુવાર, બાજરી, ઘઉં, કપાસ, મગફળી વગેરે પાકોનું વાવેતર થાય છે. અનાજના વાવેતરની
80 % જમીનમાં અખાદ્ય પાક વવાય છે. બાકીની 20 % જમીનમાં ઘઉં, શેરડી, કઠોળ, ડાંગર, મરચાં, લસણ અને ડુંગળી જેવા ખાદ્ય પાકોનું વાવેતર થાય છે. વળી, રોકડિયા પાકો વવાય છે તે જમીનના 80 % જમીનમાં મગફળી, 9 %માં કપાસ અને બાકીની જમીનમાં તમાકુ, તલ, એરંડા અને ઘાસચારો થાય છે.

તાલુકાના લોકોનો મુખ્ય ધંધો ખેતી અને ગૌણ ધંધો પશુપાલન છે. આ તાલુકામાં મગફળી અને કપાસનો વિશેષ પાક થતો હોવાથી પંદરેક તેલની મિલો અને કપાસ લોઢવાનું જિન આવેલાં છે. એક સૉલ્વન્ટનું કારખાનું છે.

જામજોધપુર શહેર 21° 54’ ઉ. અ. અને 70° 01’ પૂ. રે. ઉપર આવેલું તાલુકા મથક અને એકમાત્ર શહેર છે. તેની કુલ વસ્તી 22,651ની છે (2001). શિક્ષણનું પ્રમાણ સારું છે. તેલ, કપાસિયાં અને ઘીની નિકાસ થાય છે. સિમેન્ટ, લોખંડની વસ્તુઓ, ખાંડ, ચા, ચોખા, કઠોળ વગેરેની આયાત થાય છે. જામજોધપુર પોરબંદર-જેતલસર મીટર ગેજ રેલવેનું મહત્વનું સ્ટેશન છે. તાલુકામથક હોઈને જામજોધપુર જથ્થાબંધ વેપારનું કેન્દ્ર તથા વિતરણ કેન્દ્ર છે. શહેરમાં આર્ટ્સ અને કૉમર્સ કૉલેજ, માધ્યમિક શાળા, પ્રાથમિક શાળાઓ, બાલમંદિરો, પુસ્તકાલય, દવાખાનું વગેરે છે.

શિવપ્રસાદ રાજગોર