જાપાને (1959) : અન્નદાશંકર રાય(1904)રચિત બંગાળી પ્રવાસકથા. લેખકે 1957માં આંતરરાષ્ટ્રીય પી.ઈ.એન. કૉંગ્રેસના ડેલિગેટ તરીકે જાપાનની મુલાકાત લીધી હતી તેના પરિણામરૂપ આ પુસ્તક છે. તેને 1962નો સાહિત્ય અકાદેમીનો ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તેમની પ્રથમ પ્રવાસવર્ણનની કૃતિ ‘પથે પ્રવાસે’(1939)માં એમની નિરીક્ષણશક્તિ, સૌંદર્યર્દષ્ટિ અને માનવી તેમજ સમાજ સાથેની ઊંડી નિસબત ખાસ ધ્યાન ખેંચે છે. જાપાનની મુલાકાતે તેમને એટલા બધા પ્રભાવિત કર્યા કે જાપાન, તેના અતીત અને સાંપ્રત સાથે, એક ગૌરવભર્યા ધનવૈભવ રૂપે ઉદઘાટિત થયો. તે ખુલ્લા માર્ગો પર, ટેકરીઓ પર, સભાખંડોમાં, રંગભૂમિમાં, બૅલે-હૉલમાં, મંદિરોમાં, રેસ્ટોરાંમાં જાપાનના દેહ તેમજ આત્માની શોધમાં ભમ્યા છે. જાપાનની પરંપરાગત કલાઓ અને સ્થાપત્ય, તેમજ તત્કાલીન નાટ્ય-અભિનય-કલાએ તેમને સૌથી વધારે આકર્ષ્યા છે. લોકો, તેમનાં વાણીવિચાર, રીત-રિવાજ — લેખકના મુખ્ય રસના વિષય બન્યાં છે. પ્રવાસ-વિભાવનાની ર્દષ્ટિએ આ બીજા પુસ્તકમાં લેખક એક કદમ આગળ વધ્યા છે. જાપાનની આ મુલાકાતે તેમને સૌપ્રથમવાર બાહ્ય તેમજ આંતરિક સૌંદર્યધર્મ તરફ પ્રેર્યા છે. પોતે, યાત્રાનો પ્રદેશ જાપાન, અને 1957ની પાનખર – ત્રણે ભેગાં મળીને લેખકને માટે નવી દિશા ઉઘાડી દીધી છે, તો લેખકે વાચકને માટે પૂર્વના આ દેશને નવા જ સ્વાંગ અને ર્દષ્ટિથી રજૂ કર્યો છે. ‘જાપાને’ની સાહિત્યિક ગુણવત્તા શૈલી, સંરચના અને માનવો પ્રત્યે પ્રગટ થતી ઉષ્માને કારણે ચિરંજીવ બની છે.
લેખક બંગાળી નવલકથાકાર છે; ઊડિયા અને બંગાળી બન્ને ભાષામાં લેખનપ્રવૃત્તિથી આરંભ કરી પછી ફક્ત બંગાળીમાં લેખન કર્યું છે.
અનિલા દલાલ