જાની, અમૃત જટાશંકર

January, 2012

જાની, અમૃત જટાશંકર (જ. 7 જુલાઈ 1912, ટંકારા, જિ. રાજકોટ  મોરબી; અ. 9 ઑગસ્ટ 1997) : ગુજરાતની જૂની વ્યવસાયી રંગભૂમિના જાણીતા નટ. જન્મ સૌરાષ્ટ્રના નાનકડા ગામ મોરબી-ટંકારામાં મધ્યમ વર્ગના કુટુંબમાં થયો. બાલ્યકાળમાં જ એમણે માતાનું સુખ ગુમાવ્યું. રાજકોટ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરેલો. પિતાની સાથે 7-8 વર્ષની વયે કરાંચીમાં ગુજરાતી નાટકો ભજવતી સૌરાષ્ટ્રની વિદ્યાવિનોદ નાટક સમાજની નાટકીય દુનિયાને નજરે જોવાનો અવસર મળ્યો. રંગભૂમિની શાળાના અભિનયના પાઠ તેઓ આશરે 40 વર્ષ સુધી ભણ્યા, અને ગુજરાતી રંગભૂમિ ઉપર સારા નટ તરીકે પ્રતિષ્ઠા પામ્યા.

અમૃત જટાશંકર જાની

1927માં ‘ભારતગૌરવ’ નાટકમાં છાયાદેવીની ભૂમિકા દ્વારા 14 વર્ષની ઉંમરે રંગમંચ પર સૌપ્રથમ પદાર્પણ કર્યું. 1929માં મુંબઈમાં આર્યનૈતિક નાટક સમાજના વાસવાળા થિયેટરમાં કવિ પરમાનંદ ત્રાપજકરના ‘રણગર્જના’ નાટકમાં ‘કમળા’ની ભૂમિકા ભજવી સ્ત્રીપાઠ ભજવનારા કલાકાર તરીકે અભિનયસૂઝ દાખવી સારી નામના પ્રાપ્ત કરી. એ જમાનાના પારસી દિગ્દર્શક સોરાબજી કાત્રક અને ગુજરાતી અભિનેતા લાલજી નંદાએ તેમને એ જમાનાની જાણીતી નાટ્યસંસ્થા રૉયલ નાટક મંડળીમાં પ્રવેશ અપાવ્યો. કવિ જામનલિખિત ‘લગ્નબંધન’માં ભજવેલી સ્ત્રીભૂમિકા એમના નટજીવનની વિકાસયાત્રાનું એક મહત્વનું સોપાન હતું. આ સંસ્થામાં રહી એમણે ઘણાં નાટકોમાં સ્ત્રીભૂમિકા ભજવી. શ્રી દેશી નાટક સમાજના ‘સમય સાથે’ નાટકની શિલા; ‘શંભુમેળા’ની યમુના તથા ‘ગર્ભશ્રીમંત’ની અનસૂયાની ભૂમિકા લોકાદર પામી. તેમણે મુખ્યત્વે કરુણ રસની ભૂમિકાઓ ભજવવામાં પોતાના નટજીવનની સાર્થકતા અનુભવી. એમના કંઠે ગવાયેલાં ઘણાં ગીતો એ જમાનામાં લોકપ્રિય થયાં. તેમણે વ્યવસાયી રંગભૂમિ ઉપર આશરે 450 જેટલાં નાટકોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી. 1948માં વ્યવસાયી રંગભૂમિ ઉપર એમણે ગંગા ડોશીની યાદગાર ભૂમિકા ભજવી. કરાંચીમાં અમૃત જાનીની અભિનયકલાની લોકપ્રિયતા જોયા પછી સંસ્થાએ એમને માટે ‘લાભ રાત્રિ’ યોજી હતી. તેની આવક રૂ. 2500 થઈ હતી. રાજકોટમાં શ્રી સૌરાષ્ટ્ર સંગીત નાયક અકાદમીમાં નાટ્યવિભાગના શિક્ષક તરીકે ફરજ બજાવી. તેઓ જૂની અને નવી રંગભૂમિની કડી સમાન હતા. ગુજરાત રાજ્ય સંગીત, નૃત્ય, નાટક અકાદમી ગાંધીનગર તરફથી 30 માર્ચ 1973ના રોજ એમનું સન્માન કરવામાં આવ્યું. તેમણે શ્રી આર્યનૈતિક નાટકસમાજ, શ્રી દેશી નાટક સમાજના કેટલાંક નાટકોમાં વિવિધ પાત્રો તરીકે અભિનય કરેલો.

રાજકોટ તેમજ અમદાવાદની નવી રંગભૂમિ તથા રેડિયો નાટકોમાં પણ ભાગ લઈ અભિનયયાત્રાનું સાતત્ય સાચવ્યું. જશવંત ઠાકર- દિગ્દર્શિત ‘અંતરના અપરાધી’ નાટકમાં તેમણે ભજવેલી દારૂડિયા માર્મે લેડોવની ભૂમિકા નટની ઉત્તમ ચિત્ત-અવસ્થાનો નમૂનો હતી. જૂની રંગભૂમિનો કાકુ એમના વાચિક અભિનયમાં સચવાઈ રહ્યો છે. ગુજરાત સરકારે 1989નો ‘ગૌરવ’ પુરસ્કાર આપી એમનું બહુમાન કર્યું હતું.

એમણે ‘અભિનયને પંથે’ નામની પોતાની આત્મકથા, ‘ગુજરાતની જૂની રંગભૂમિ’ નામે માહિતી પુસ્તિકા તેમજ થોડી ગઝલો પણ રચી છે.

દિનકર ભોજક

વિ. પ્ર. ત્રિવેદી