જાનકીહરણ

January, 2012

જાનકીહરણ (ઈ.સ.ની સાતમી-આઠમી સદી) : કાલિદાસ અને ભારવિની કાવ્યપરંપરામાં સ્થાન પામેલું કવિ કુમારદાસનું સંસ્કૃત મહાકાવ્ય. તે ઘણા વખત સુધી વિદ્વાનોને માત્ર નામથી પરિચિત હતું.

સૌપ્રથમ શ્રીલંકાના વિદ્વાન કે. ધર્મારામ સ્થવિરે ‘જાનકીહરણ’ના 1થી 14 સર્ગ તથા 15મા સર્ગના 1થી 22 શ્લોક, સિંહાલી લિપિમાં શબ્દશ: અનુવાદ સાથે પ્રકાશિત કર્યા. તેના પરથી જયપુરના પં. હરિદાસ શાસ્ત્રીએ તૈયાર કરેલી પ્રથમ દેવનાગરી આવૃત્તિ 1893માં, કૉલકાતાથી પ્રકાશિત થઈ ત્યારે ભારતીય વિદ્વાનોને આ મહાકાવ્ય સુલભ બન્યું, પણ, અપૂર્ણરૂપે. નંદરગીકરે, 4 હસ્તપ્રતો પરથી, 1907માં ‘જાનકીહરણ’ના 1થી 10 સર્ગ પ્રગટ કર્યા. ત્યારપછી, જાણીતા વિદ્વાન ડૉ. વી. રાઘવનના માર્ગદર્શન હેઠળ, શ્રી સી. આર. સ્વામિનાથને મદ્રાસ યુનિવર્સિટીની એમ.લિટ્. પદવી માટે ‘જાનકીહરણ’ મહાકાવ્યના 15મા સર્ગના 22મા શ્લોકથી 20મા સર્ગ સુધીનો પાઠ સંપાદિત કરી, કાવ્યને 20મા સર્ગે પૂરું થતું બતાવ્યું. 1967માં, પં. વ્રજમોહન વ્યાસના હિન્દી અનુવાદ સાથે, શ્રી કૃષ્ણદાસે સંપાદિત કરેલી, ‘જાનકીહરણ’ની 1થી 20 સર્ગની હિન્દી આવૃત્તિ, અલાહાબાદથી પ્રકાશિત થઈ. આમ, 25 સર્ગનું મનાતું ‘જાનકીહરણ’ 20 સર્ગની રચના છે એમ સ્વીકારાયું.

રામાયણની પરિચિત કથાનો વિષય વર્ણવતું આ મહાકાવ્ય, અયોધ્યાવર્ણનથી શરૂ થઈ રામના રાવણ પરના વિજય પછી, રામ-રાજ્યાભિષેક સાથે પૂરું થાય છે. એમાં 20 સર્ગોમાં, કાલિદાસોત્તર પ્રશિષ્ટ સંસ્કૃત મહાકાવ્યનાં બધાં લક્ષણો જાળવીને, કવિ નગર, નાયક-નાયિકા, ઉદ્યાનક્રીડા, જલક્રીડા, રતોત્સવ, પાનગોષ્ઠી, મંત્રણા, દૂતસંપ્રેષણ, યુદ્ધ વગેરે બાબતોનું કાવ્યશૈલીમાં વર્ણન પ્રસ્તુત કરે છે. ‘જાનકીહરણ’ના કવિએ કવિત્વપૂર્ણ વર્ણનો અને પ્રસંગો ઉમેરીને રામાયણની કથાના નિરૂપણમાં વૈવિધ્ય તથા સૌંદર્ય સિદ્ધ કરેલ છે. કાવ્યમાં અયોધ્યા અને મિથિલાનાં સુંદર વર્ણનો ઉપરાંત, 3જા સર્ગમાં દશરથ રાજાની ક્રીડાઓનું વર્ણન, 9મા સર્ગમાં સુંદર વર્ષાવર્ણન અને 10મા સર્ગમાં શરદવર્ણન આકર્ષક શૈલીમાં રજૂ કરેલું છે. જોકે ‘જાનકીહરણ’ની કવિતા પર રામાયણની તથા કાલિદાસનાં ‘રઘુવંશ’ તેમજ ‘કુમારસંભવ’ મહાકાવ્યોની ગાઢ અસર અંકિત થયેલી છે. કદાચ આ કારણથી જ ‘જાનકીહરણ’ની શૈલી પ્રાસાદિક છે, મધુર છે, સુંદર છે. અલંકૃત શૈલીનું કાવ્ય હોવા છતાં ‘જાનકીહરણ’માં કથારસમાં વિક્ષેપ કરતાં અતિરેકી વર્ણનો નથી, અને અનુપ્રાસ, ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, અર્થાન્તરન્યાસ જેવા અલંકારોનો વિનિયોગ પણ કાવ્યાત્મક છે, કલ્પનામંડિત છે. ‘જાનકીહરણ’ના કવિ કુમારદાસની આ સિદ્ધિને બિરદાવવા માટે જ રાજશેખરે કહ્યું છે કે

जानकीहरणं कर्तुं रघुवंशस्थिते सति ।

कवि : कुमारदासश्च राणश्च यदि क्षम : ।।

જાનકીહરણના કર્તા કુમારદાસ વિશે એટલી જ માહિતી નિશ્ચિત બને છે કે એ શ્રીલંકાના રાજાના આશ્રિત હતા અને કાલિદાસના પ્રશંસક હતા. કુમારદાસનો સમય 650થી 750નો સૂચવાયો છે.

અમૃત ઉપાધ્યાય