જાનકીરામન્ (જ. 1921) : પહેલી હરોળના તમિળ નવલકથાકાર અને વાર્તાકાર. મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવી શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું; પછી શૈક્ષણિક કાર્યક્રમોના મુખ્ય નિર્માતા તરીકે આકાશવાણીમાં જોડાયા; ટૂંકી વાર્તાના સર્જક કે. પી. રાજગોપાલનના પ્રભાવ હેઠળ સંવેદનભરી વાર્તાઓ લખવાની શરૂઆત કરી. પિતા પાસેથી સંસ્કૃત અને સંગીત બન્ને ક્ષેત્રોમાં ઉચ્ચ શિક્ષણ લીધું, જે એમની સર્જનાત્મક કારકિર્દીમાં ફળદાયી નીવડ્યું. તેમણે લખેલી 8 નવલકથાઓ, 2 લઘુનવલો, 6 વાર્તાસંગ્રહો, 3 નાટકો અને 3 ભ્રમણવૃત્તો પ્રગટ થયેલાં છે. તેમની અનેક વાર્તાઓ પરદેશી તેમજ પ્રાદેશિક ભાષાઓમાં અનૂદિત થઈ છે. 2 નવલકથાઓ અંગ્રેજીમાં અનૂદિત થઈ છે. તેમની નવલકથાઓમાં વતન તંજાવુર આસપાસનો પ્રદેશ જીવંત થયો છે; ધરતીની ફોરમ, તેના ખોરાકનો સ્વાદ અને બોલીનું સંગીત તેમજ સાંસ્કૃતિક પરિવેશ ઝિલાયાં છે. ‘મોહમૂલ’ (1961) નવલકથામાં તેમની કથાસાહિત્યરચનાની બધી જ લાક્ષણિકતાઓ જોવા મળે છે. નવલકથાલેખનના આ પ્રથમ તબક્કામાં, તેમના પ્રેરક રાજગોપાલનના અનુસરણરૂપ અવ્યક્ત ભાવનાઓ તેમજ ધ્વનિયુક્ત શૈલી જોવા મળે છે. બીજો તબક્કો તે ‘અમ્મા વંથળ’નો (1967, Mother Came). રૂઢિચુસ્ત લોકોનો આક્રોશ પામેલી આ કૃતિમાં લેખક સાહિત્યિક ગુણવત્તાનું ઊંચું શિખર સર કરે છે. પ્રવર્તમાન સામાજિક નિષેધો અને માન્યતાઓને પુન:સર્જિત કરવામાં એક પ્રૌઢિને પામે છે. ‘The Sins of Appu’s Mother’ શીર્ષકથી તે અંગ્રેજીમાં પ્રકાશન પામી છે. ત્રીજા તબક્કામાં તે એક મુક્ત નારીનું પાત્ર નિરૂપે છે : ‘મરપ્પસુ’ (Wooden Cow, 1975). અહીં કથનશૈલીનો પ્રવાહ વાચકને મંત્રમુગ્ધ કરે છે.

‘શક્તિવૈથિયમ્’ વાર્તાસંગ્રહ(1976)ને 1978નો સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો છે. તેમનાં ભ્રમણવૃત્તોમાં જાપાન વિશેનું ‘ઉથયસૂરિયન’ (Rising Sun), રુમાનિયા પરનું ‘કરુણકડલૂમ કલઈક્કડલૂમ’ (Black Sea and the Sea of Art) રસપ્રદ છે. કાવેરી નદી પરનું પી. જી. સુંદરરાજન્ સાથે લખેલું દસ્તાવેજી લેખન ‘નંદનતઇ વઝી કાવેરી’ (Hail Kaveri) પણ તેમનું નોંધપાત્ર પ્રદાન છે.

અનિલા દલાલ