જાત્યાદિ તેલ

January, 2012

જાત્યાદિ તેલ : આયુર્વેદમાં ચામડી ઉપર થતા વ્રણ, સ્ફોટ, ફોડલી, વાઢિયા વગેરે ઉપર બહાર લગાડવા માટે વપરાતું પ્રવાહી ઔષધ. ચમેલીનાં પાંદડાં, લીમડાનાં પાંદડાં, પરવળનાં પાંદડાં, કરંજનાં પાંદડાં, મીણ, જેઠીમધ, ઉપલેટ, હળદર, દારુહળદર, કડુ, મજીઠ, પદ્મકાષ્ઠ, લોધર, હરડે, નીલકમળ, મોરથૂથું, સારિવા અને કરંજબીજનો કલ્ક બનાવી કલ્કથી ચારગણું તલનું તેલ તથા તેલથી ચારગણું પાણી નાખી ઉકાળીને બધું પાણી બળી જાય અને માત્ર તેલ બાકી રહે ત્યારે ઉતારી ગાળીને તૈયાર કરવામાં આવે છે. આ તેલ ખાસ દરેક વ્રણ-જખમ રૂઝવનાર, દાઝ્યાના જખમ, પ્રાણીના નખ-દાંતના ઘા, વીંધાયેલ જખમ, ઉઝરડાના જખમ વગેરેમાં શીઘ્ર રૂઝ લાવે છે. આ તેલ વિષનાશક, દાહનાશક, વ્રણશોથનાશક, કિટાણુનાશક તથા ઑપરેશન થયા પછીના જખમને ખૂબ જલદી રૂઝવીને ત્વચાને સ્વસ્થ કરે છે.

 મધુકાન્ત ભગવાનજી પંડ્યા

 બળદેવપ્રસાદ પનારા