જહાજગીરો અને માલગીરો ખત : જહાજની મરામત કરાવવા જેવી કે તેમાં ઉપકરણો બેસાડવા જેવી આવશ્યકતા સમુદ્રયાત્રા દરમિયાન ઓચિંતી ઊભી થાય અને કપ્તાન સમક્ષ નાણાં ઊભાં કરવાના અન્ય ઉપાયો રહ્યા ન હોય તથા જહાજમાલિકનો સંપર્ક સાધવાનું શક્ય ન હોય તો સમુદ્રયાત્રા સાંગોપાંગ પૂરી કરવામાં અંતરાયરૂપ બનેલી નાણાંની તીવ્ર કટોકટીને પહોંચી વળવા માટે ઉધાર નાણાં મેળવવા માટે કપ્તાને ભરેલા માલ સહિત અથવા માલ વગર જહાજને આડગીરો મૂકીને કરી આપેલું ખત એટલે જહાજગીરો ખત (bottomry bond) અથવા ફક્ત ભરેલા માલને આડગીરો મૂકીને કરી આપેલું ખત એટલે માલગીરો ખત (respondentia bond). ગીરોખતની જોગવાઈ મુજબ જહાજ ગંતવ્ય સ્થળે પહોંચ્યા પછી નિશ્ચિત સમયમાં વ્યાજ સાથે નાણાં ભરપાઈ કરવાની જવાબદારી જહાજમાલિક સ્વીકારે છે; પરંતુ જો જહાજ સમુદ્રયાત્રામાં નાશ પામવાથી ગંતવ્ય સ્થળે સહીસલામત ન પહોંચી શકે તો નાણાં આપવાની તેની જવાબદારી રહેતી નથી. ગીરોખત મુજબ ચૂકવવાપાત્ર નાણાં ચૂકવતાં અગાઉ ખલાસીઓના ચડેલા પગારની ચુકવણી કરવી પડે છે. જો એક કરતાં વધારે ગીરોખત કરવામાં આવ્યાં હોય તો પ્રથમ નાણાં ધીરનારના હક કરતાં પછી નાણાં ધીરનારના હકને પ્રાધાન્ય આપવામાં આવે છે. ગીરોખત મુજબ ઉધાર લીધેલાં નાણાં ચૂકવ્યાં ન હોય ત્યાં સુધી જહાજનાં વેચાણ કે વિનિમય થઈ શકતાં નથી. સાંપ્રત સમયમાં સંપર્કનાં સાધન વધ્યાં છે, તેથી જહાજમાલિકનો સંપર્ક સાધવામાં કોઈ અંતરાય થતો નથી, તેથી આ પ્રકારનાં ગીરોખત લગભગ કાલગ્રસ્ત (obsolete) થઈ ગયાં છે.
જયન્તિલાલ પો. જાની